સુરત-દુર્ઘટના પર કવિઓની સંવેદના



લોગઇનઃ

નિહાળેલાં એ દ્રશ્યોનાં હજુ છે આંખ પર ડાઘા!
મથુ છું પણ નથી જાતાં પડ્યાં છે જાત પર ડાઘા!

વજન સપનાનું ઉંચકીને, કુદ્યા છે એ રીતે ફુલડાં!
કે જ્વાળાઓ ડઘાઈ ગઈ ને લાગ્યા આગ પર ડાઘા!

કલમનો હાથ પકડી ઘેરથી નિકળ્યા હતાં એથી,
જુઓ ઉપસી ગયાં મા શારદાનાં હાથ પર ડાઘા!

અમારી ચામડી બરછટ ને પહેલેથી જ મેલીદાટ!
નડે શું લોહિનાં છાંટા! પડે શું ડાઘ પર ડાઘા!

હીરો ડુસ્કાં ભરે છે ને ડુમો કાપડનાં કંઠે છે!
સમય કરતો ગયો કેવા સુરતનાં ગાલ પર ડાઘા!

~ ડૉ. મનોજ જોશી 'મન'
સુરતના તક્ષશિલા ક્લાસિસમાં આગ લાગી અને માસુમ નિર્દોષ બાળકો તેનો ભોગ બન્યા. ઘણાં વિદ્યાર્થીઓએ બચવા માટે ચોથા માળેથી ભૂસકો માર્યો. આ દુર્ઘટનાના પડઘા માત્ર સુરત કે ગુજરાતમાં જ નહીં, આખા ભારતમાં પડ્યા. સરકારને કે નાગરિકોને જાગવા માટે આવી આગ લાગવાની રાહ જોવી પડે છે, એનાથી મોટી કરૂણતા બીજી કઈ હોઈ શકે? આટલી કરપીણ ઘટના ઘટી જાય અને સાહિત્યકાર બેસી રહે એ કેમ ચાલે? ગુજરાતના ઘણા કવિઓએ આ કરૂણતાને કલમથી આલેખી અને ઘટનાની સંવેદનાને અનેક લોકો સુધી પહોંચાડી. એક માણસ બીજા માણસમાં સંવેદના જગાડે એય મોટી વાત છે. અત્યારના સમયમાં સંવેદનશીલ માણસો મળવા મુશ્કેલ છે, ત્યારે આ સંવેદનશીલ કવિતાઓ ચોક્કસ આપણી આંખ ભીની કરે તેવી છે.

ડૉ. મનોજ જોશીએ ઉપરોક્ત કવિતાથી એ દુર્ઘટનાને શબ્દબદ્ધ કરી. ચોથા માળેથી ફૂલડાં કૂદ્યાં. વળી જ્વાળાઓ ડઝાઈ ને લાગ્યા આગ પર ડાઘા. આવા નિર્દોષ બાળકોને બાળીને સ્વયં આગ પર ડાઘા લાગ્યા કહેવાય. ભણવા નીકળેલા કિશોરો ભડથું થઈ જાય એ તો સ્વયં સરસ્વતી માતાની હાથ પર પડેલા ડાઘ સમાન છે. આ સમગ્ર ઘટના સુરતના ગાલ પરના ડાઘા સમાન છે. 

આ જ દુર્ઘટના પર વિપુલ પરમારે પણ ગઝલમાં કંડારી છે. આ ઘટના ચોથા માળ પર બની હતી, તેને ધ્યાનમાં રાખીને તેમણે ગઝલ લખી છે, જુઓ- 
જિંદગી સંવારવાની હાટ ચોથા માળ પર, સેંકડો ફૂલો ગયાં લઇ આશ ચોથા માળ પર. 

સાબિતી આપી રહ્યાં'તાં ભૂસકા એ વાતની,
એમનો તૂટ્યો હતો વિશ્વાસ ચોથા માળ પર.

આપણી સૌ નિસરણીઓ વામણી પુરવાર થઈ!
કાળનો પહોંચી ગયો'તો હાથ ચોથા માળ પર.

દોસ્ત, દોસ્તી ચીજ શું છે, શીખવી ગઇ બાળકી
રાખ થઇ તોપણ છૂટી નૈ બાથ ચોથા માળ પર.

જે વિચારો એ જ ફળ મળશે, તેં કીધું'તું હેં ને?
જીવવાની ચાલતી'તી વાત ચોથા માળ પર!

દીપક ચૌહાણ બેબસે આ દુર્ઘટનાના સંદર્ભમાં ઈશ્વરને ફરિયાદ કરીને લખ્યું-

સાવ આવી તે કેવી દીધી આયખાભરની ચાવી,
કૂદકે ભૂસકે જીવન લેતાં તને શરમ ન આવી?

મેળાનાં કોઈ ન'તા રમકડા કે બીજાં ખરીદાશે
હિબકે હિબકે,ડૂમે ડૂમે આંખો દરિયો થાશે,
આ બાજુ જ્વાળામાં ભડથું, આ બાજુ પટકાવી

નાની નાની પગલીઓનું અકાળે જવાનું,
વિધાતાએ લખ્યું એવું હુંયે કદી ન માનું,
એકસામટા ભૂંસી નાખ્યાં ફુલ જેવાં મ્હેકાવી

જીવનની સૌથી મોટી કરૂણતા હોય તો પોતાના સંતાનને કાંધ આપવી તે. અને એમાં ય જે હજી તો થનગનતા યૌવનની પગથારે પ્રથમ પગથિયું માડી રહ્યાં હોય તેવાં લાડલા બાળકનું જવું એ તો ચિત્કાર છે. બીજા લોકો તો બેચાર દિવસ કે અઠવાડિયું આ ઘટનાની ચર્ચા કરીને ભૂલી જશે, પણ જેમણે સંતાન ખોયું છે તેમના ચિત્તમાં દુર્ઘટના કોઈ કરૂણ શિલાલેખની જેમ કોતરાઈ જવાની છે.

આ દુર્ઘટના પછી કૃષ્ણ દવેએ જે ચાબખા માર્યા છે, તે બિલકુલ યોગ્ય છે.

લોગઆઉટ

હે આગ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા બિલ્ડરોની લાલચને કે જેવો એક એક સ્ક્વેર ફૂટ માટે વેચી નાખે છે પોતાના ઝમીરને. 

હે આગ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ ભ્રષ્ટાચારને કે જેના કારણે બંધાયા જ કરે છે આવા અસંખ્ય લાક્ષાગૃહો. 

હે આગ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ સંચાલકોના લોભને કે જેઓ સરસ્વતીને વેચવા માટે કોઈ પણ જગ્યાએ ખોલી નાખે છે પોતાની ફેક્ટરીઓ. 

હે આગ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા મા બાપોની ઘેલછાને કે જેઓ જાણે-અજાણ્યે જ પોતાના સપનાઓને હોમી દે છે હરીફાઈ ની હોડમાં. 

હે આગ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય સળગાવી નાખ એ સત્તાધીશોની ઊંઘ ને કે જેઓ સંવેદનાના બે શબ્દો બોલીને પાછા સરી પડે છે સત્તાના ઘેનમાં. 

હે આગ! સાચું કહેજે તને પણ પરસેવો વળી ગયો હતો ને? ભણવામાં મશગુલ થયેલા એ માસૂમોને તારી લપેટમાં લેતા પહેલાં?

હે આગ! શું ક્યારેક તું ન બદલાવી શકે ? તારા આ સળગાવી નાખવાના સ્વભાવને?

~ કૃષ્ણ દવે

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો