છોડ બધી બકવાસ, યાર તું યાર બની જા !



લોગઇનઃ

અવળ-સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા,
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા.

એકલ-દોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા.

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા.

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે, અંધાર બની જા.

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા.

હું મરજીવો તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ યાર તું યાર બની જા.

-  શ્યામ સાધુ

આજે ગુજરાતી ભાષાના અલગારી કવિ શ્યામ સાધુનો નિર્વાણ દિન. 15 જૂન 1941માં તેમનો જન્મ અને 16 ડિસેમ્બર 2001માં અવસાન. શ્યામ સાધુ નામ પ્રમાણે જ સાધુ કે ઓલિયો કવિ છે. જૂનાગઢમાં રહીને શબ્દસાધના કરનાર આ કવિ હંમેશ અલગારી જીવન જીવ્યા. તેમનું હૃદય હંમેશાં કાવ્યપદાર્થની ઝંખનામાં ધબકતું રહેતું. તેમની આ ઝંખનાએ ગુજરાતી ભાષાને અનેક ઉત્તમ કાવ્યો આપ્યા છે. તેમની કવિતામાં ઉદાસીનું અલગારીપણું છલકાય છે.

તેમની ઉપરોક્ત ગઝલ તેમના અલગારીપણાને – સાધુત્વને વ્યક્ત કરે છે. ગઝલની શરૂઆત જ ઇચ્છાના તારથી બનવાથી થઈ છે. એ પણ કેવી ઇચ્છા? અવળ-સવળ! માણસ આખી જિંદગી આ ઇચ્છામાં જ અવળ-સવળ થયા કરે છે, પણ તે ઇચ્છાનો મલમલ તાર નથી બની શકતો. ભગવાન બુદ્ધે મહાભિનિષ્ક્રમણ કર્યા પછી કઠોર તપ કરીને દુઃખનું કારણ શોધી કાઢ્યું. દુઃખનું મુખ્ય કારણ છે તૃષ્ણા અર્થાત ઇચ્છા. જેટલી વધારે ઇચ્છા એટલું વધારે દુઃખ. કોઈ માણસ ઇચ્છામુક્ત નથી થઈ શકતો, પણ કવિ ચિનુ મોદીએ ઇચ્છામુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરતા લખ્યું છે, કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ ય ઇચ્છા છે હવે એ પણ ન હો. માણસને ઇચ્છાનું વળગણ ન કરવાની પણ ઇચ્છા હોય છે. માણસનું જીવન ઇચ્છા વિના સંભવ નથી અને જો ઇચ્છા રહેવાની જ છે તો પછી ઇચ્છાની સાંકળમાં બંધાવા કરતા મલમલ જેવા તાર શું કામ ન બની જવું? બીજી વાત એ કે માણસે અહીંથી પસાર થઈ જવાનું છે. આખી જિંદગી એક ઘટના છે, જન્મ નામના દ્વારથી આવીને મૃત્યુના દ્વાર સુધી જવાની ઘટના. આ ઘટનામાં આપણે ઘટવાનું છે, તો તેનો શણગાર કેમ ન બનીએ? જીવનને શણગારીશું તો જ પોતે ઉત્સવ બની શકીશું. બ્હારનો આધાર તો ઉપરછલ્લો અને ખોખલો છે. સાચો આધાર તો અંદરનો છે. માધવ રામાનુજે કહ્યું છે ને, અંદર તો એવું અજવાળું અજવાળું. પ્રત્યેકની અંદર અજવાળું ભર્યું છે. બાહ્ય અસબાબ એકલદોકલ હોવાનો, એટલે જ કવિએ અંદરનો આધાર બનવાની વાત કરી છે.

અહીં કિરમજી નામનો શબ્દ વપરાયો છે. તેનો અર્થ થાય છે ઘેરું લાલ અથવા એક જાતના કીડાઓમાંથી બનતા રંગનું. માણસના લોહીનો રંગ ઘેરો લાલ હોય છે. કવિ કહે છે મેં પણ આ કિરમજી - ઘેરા લાલ રંગનો ઇતિહાસ લખ્યો છે. અર્થાત માણસનો ઇતિહાસ લોહિયાળ છે એવું પણ ધારી શકાય. કવિતા અનેક દિશામાં આંગળી ચીંધી આપતી હોય છે, ઘણી વાર તો જેટલા વ્યક્તિ તેટલા અર્થ એવું પણ થતું હોય છે. પણ આપણે આપણી ક્ષણોનો સાર થવાનું છે.
અંગ્રેજીમાં કહેવત છે કે નસીબ જેવું કશું હોતું નથી, માણસ પોતે જ તેને ઘડતો હોય છે, પણ આપણી સંસ્કૃતિ નસીબ અને પ્રારબ્ધ બંનેને ગાંઠે બાંધે છે. આકાશના ખરતા તારા જેવું ભાગ્ય મળે તો પૂનમની રાત હોય તો ય અંધાર બની જવું, કેમકે અંધારામાં જ ખરતો તારો વધારે સ્પષ્ટ દેખાતો હોય છે. પૂનમની ચાંદનીમાં તો ખરતો તારે જલદી નજરે પણ ન ચડે. અગણિત તારાઓ દિવસે પણ આકાશમાં હોય જ છે, પણ સૂર્યના તેજમાં એ ક્યાં ક્યાંય નજરે ચડે છે?

અભિસારનો અર્થ આમ તો પ્રેમીઓને એકાંત મળવા જવાની ક્રિયા થાય છે, પણ અહીં તો આખી શેરી યાદ કરે છે. તો શું એ શેરીમાં કોઈ પ્રિયપાત્ર છે તેની વાત થાય છે, સ્વજન છે તેની વાત થાય છે, પરિવાર છે તેની વાત થાય છે? એ આપણે સમજવાનું છે, એટલે તો કવિ કહે છે સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા.
આખી જિંદગી આપણે પરસ્પર મોતી માટે ઝઘડતા રહીએ છીએ. આ મોતી એટલે પૈસા, પદ, પ્રતિષ્ઠા વગેરે. બધા જ સંસારી દરિયાના મરજીવા છે, અને મોતી માટે ઝઘડ્યા કરે છે, પણ શ્યાસ સાધુ અલગારી જીવ છે તેની માટે તો આ બધું બકવાસ છે, એટલે જ તો કહે છે, છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા. બધું જ સમજતા હોવા છતાં નથી છોડી શકતા એ જ તો આપણી કરૂણતા છે.

લોગઆઉટ

વસ્ત્ર ભીનાં હો ઉતારી નાખીએ,
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ
?

એક પળ બસ એક પળ આપી જુઓ,
કેવું જીવનને મઠારી નાખીએ.

ફૂલ મ્હેક્યા જેવી થઈ છે લાગણી,
ચાલો, તમને પણ વિચારી નાખીએ.

સાવ ઝાંખા છે પરિચાયના દીવા,
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ
?

- શ્યામ સાધુ


“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો