જાતને મળવા તમારે એકલા પડવું પડે

લોગ ઇન

જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે.

સાબદા હો કાન કેવળ એટલું પુરતું નથી,
સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે.

સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે.

ગાઢ જંગલમાં બધાં સાથે મળી મૂકી જશે,
બ્હાર નીકળવા તમારે એકલું પડવું પડે.

કોઇને ટેકે પ્રભાતી પ્હોર થઈ ઊગી શકો,
સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે.

– નીતિન વડગામા

આજનો માણસ ભીડમાં રહેવા ટેવાયેલો છે. પહેલાં પોતે જ ભીડ એકઠી કરશે અને પછી એકાંતના ફાયદાઓની વાત કરશે. ‘માણસે ક્યારેક એકલા પોતાની સાથે વાત કરવી જોઈએ’ - આવું આપણે જાહેરમાં કહેવું પડે છે તે આપણી કરૂણતા નથી તો બીજું શું છે? આજે માણસ ભીડમાં રહીને એકલો જીવે છે, આ મોટો વિરોધાભાસ છે. પતિ, પત્ની, માતા-પિતા, મિત્રો વચ્ચે રહેતી વ્યક્તિ એકલી હોઈ શકે ખરી? કેમ ન હોઈ શકે? ઘણી વાર એકલા હોઈએ છીએ, ત્યારે ભીડમાં હોઈએ છીએ અને ભીડમાં હોઈએ ત્યારે એકલા. આ માનવસ્વભાવ છે. મિત્રો, સ્વજનો અને અન્ય લોકોથી કંટાળીએ ત્યારે એમ થતું હોય છે કે આ બધું છોડીને ક્યાંક એકલા બેસીએ - જાત સાથે વાત કરીએ, પણ જ્યારે જાત સાથે વાત કરવાની તક આવે ત્યારે સંબંધો વિશે, પૈસા વિશે, કારકિર્દી વિશે, ક્યારે કોનાથી કઈ રીતે આગળ નીકળી જવું વગેરે વિશે વિચારવામાં જાતને મળવાનું રહી જ જાય છે. જિંદગીભર આ જ સર્કલ ચાલ્યા કરે છે. વર્તુળમાં ને વર્તુળમાં આયુષ્ય પુરું થઈ જાય છે.

આપણે જાતને મળીને તેમાં ઓગળવા માટેની એકાદ ક્ષણ આજીવન શોધ્યા કરીએ છીએ. ક્યારેક તો આપણી પાસે એવી તક હોય છે, એવો સમય હોય છે, છતાં આપણે શોધ્યા કરતા હોઈએ છીએ. મનોજ ખંડેરિયાએ કહ્યું હોય તેવી હાલત હોય છે આપણી, ‘જે શોધવાને જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને.’ જાતને મળવાનું એકાંત આપણી સાથે જ હોય છે, અને આપણે તેની માટે તક શોધતા હોઈએ છીએ.

બક્ષીબાબુને કોઈકે પૂછેલું કે તમે આટલું બધું લખો છો તો તમને લખવા માટે એકાંત ક્યારે મળી રહે છે. તેમણે કહેલું, ગમે તેટલા ઘોંઘાટમાં પણ હું મારું એકાંત શોધી લઉં છું. કદાચ એટલા માટે જ કોઈનું આવવું તેમને ખલેલ નહીં પાડી શકતું હોય.

પરમનો સાદ સાંભળવા માટે ઘણા કાન તલસતા હોય છે. પણ તે સાદ કાનથી નહીં, પણ ધ્યાનથી સાંભળી
શકાય છે. તેની માટે એકાંત જોઈએ. માત્ર શારીરિક રીતે નહીં, ભીતરનું એકાંત જોઈએ. પરમ કે પ્રિય વ્યક્તિનો સાદ આપણું હૈયું આપોઆપ સાંભળી લેતું હોય છે, માત્ર તેને અનુકૂળ વાતાવરણમાં આપણે એકલા પડીએ તેટલી વાર હોય છે. હર્ષ બ્રહ્મભટ્ટે પણ લખ્યું છે, ‘જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.’ આ જ વાત નીતિન વડગામાએ અલગ રીતે કહી છે. તે કહે છે એકધારા સાથથી થીજી જવાય છે, તમારે થીજવું ન હોય, ખળભળવું હોય તો એકલા પડવું પડે. નીતિન વડગામા મૂળ ગુજરાતીના પ્રોફેસર, એટલે ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઊંડા અભ્યાસુ છે. કયો શબ્દો ક્યારેક કેમ પ્રયોજવો તે સારી રીતે જાણે છે.

લાગણીઓની ખેંચતાણ આપણને ક્યારેક એકલા પાડી દેતી હોય છે. તમામ સંબંધો આપણને કોઈ એકલતાના જંગલમાં મૂકી આવે છે. આ એકલતાના જંગલમાંથી આપણે એકાંત શોધવાનું હોય છે. એકલતા અને એકાંત વચ્ચેની ભેદરેખા પકડાઈ જાય, પછી એકલા પડવાનું સરળ થઈ પડતું હોય છે. માણસ જન્મે ત્યારે કેટલો ઉત્સવ હોય છે તેની આસપાસ. ચારે તરફ હરખની કિલકારીઓ ગૂંજતી હોય છે. જીવનનું પરોઢ હોય છે ત્યારે આપણી સાથે અનેક લોકો હોય છે, પણ જ્યારે સંધ્યા ઢળે છે, ત્યારે ભાગ્યે જ કોઈ સાથે હોય છે. જન્મ અને મૃત્યુ વચ્ચે કદાચ આ જ તફાવત હોય છે, એકમાં આગમનનો આનંદ હોય છે અને બીજામાં જવાની પીડા.

લોગઆઉટ

હું મને મળી લઉં છું એકલો પડું ત્યારે,
શ્વાસ, સાંભળી લઉં છું એકલો પડું ત્યારે.

વિસ્તરેલ પગલામાં ક્યાં સમાય છે રસ્તા ?
માત્ર, સાંકળી લઉં છું એકલો પડું ત્યારે.

પ્રશ્નતા પ્રભાવિત થઈ ઓગળે જવાબોમાં,
એમ ઓગળી લઉં છું એકલો પડું ત્યારે.

આવતી જતી ક્ષણને એકમેકની સાથે,
ભેળવી, ભળી લઉં છું એકલો પડું ત્યારે.

સહેજ પણ પડે નોંખી શક્યતા તફાવતથી,
એ તરફ વળી લઉં છું એકલો પડું ત્યારે !

પર્વ જેમ પડઘાતાં, આંતરિક અભરખાંને,
ઢાળ દઈ ઢળી લઉં છું એકલો પડું ત્યારે.

મીણ જેમ ઓગળતી હાંફતી શ્વસનબત્તી,
ખૂટતી કળી લઉં છું એકલો પડું ત્યારે.

રાખનું રમકડું આ સર્વશ્રેષ્ઠ છે કહીને,
જાતને છળી લઉં છું એકલો પડું ત્યારે !

વીર્યહીન સગપણની ભૂખ ભાંગવા ખાતર,
લાગણી રળી લઉં છું એકલો પડું ત્યારે.

- મહેશ રાવલ
'ગુજરાત સમાચાર, રવિપૂર્તિ'માંથી
'અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો