લોગઇનઃ
તરસને ઝાંઝવાના એક અણસારે નજર લાગી,
વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી.
વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી.
કમળને સાંધ્યના રંગીન અંધારે નજર લાગી,
કુમુદને પણ ઉષાના તેજ-અંબારે નજર લાગી.
કુમુદને પણ ઉષાના તેજ-અંબારે નજર લાગી.
નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને,
કહો પાષાણ દિલની કોઈની ક્યારે નજર લાગી?
કહો પાષાણ દિલની કોઈની ક્યારે નજર લાગી?
ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી ત્યાં,
શશીની પાંપણોના રમ્ય પલકારે નજર લાગી.
શશીની પાંપણોના રમ્ય પલકારે નજર લાગી.
અમારી નાવડીની કમનસીબી શું કહું તમને?
બચી મજધારીથી તો છેક ઓવારે નજર લાગી.
બચી મજધારીથી તો છેક ઓવારે નજર લાગી.
પ્રથમ ઉપચાર હું કોને કરું સમજાવશો કોઈ?
હૃદય ને આંખડી બંનેયને હારે નજર લાગી.
હૃદય ને આંખડી બંનેયને હારે નજર લાગી.
લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો,
ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?
ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?
દિવાનો ‘વિશ્વરથ’ ઘૂમી વળ્યો નવખંડમાં તો પણ,
નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.
નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.
- જયંતીલાલ દવે ‘વિશ્વરથ’
આજે ગુજરાતી ભાષાના
થોડા ઓછા જાણીતા કવિ જયંતીલાલ દવે ‘વિશ્વરથ’
વિશે વાત કરીએ, કેમકે આજે તેમની જન્મતિથિ છે. 30-12-1910ના
જન્મીને 05-01-1990ના જીવનલીલા સંકેલી લેનાર આ સર્જકે ‘સંજીવની’, ‘મલયાનિલ’, ‘પ્રેરણાનાં પુષ્પો’
વગેરે પુસ્તકો આપ્યાં છે.
તેમની ઉપરોક્ત ગઝલ
કોઈની પણ નજર લાગી જાય એટલી સુંદર છે. પહેલા શેરથી લઈને છેલ્લા શેર સુધી કવિએ નજર
લાગવાની વાત જુદી-જુદી રીતે વ્યક્ત કરી છે, વળી તેની રદીફ પણ છેક સુધી સરસ નિભાવી
જાણી છે. શરૂઆત જ તરસને ઝાંઝવાના એક અણસારે નજર લાગવાથી કરી છે. ‘ઝંઝવું’ અને
‘તરસ’ આ
કલ્પનો ખૂબ જૂનાં છે, કવિતામાં પુષ્કળ પ્રમાણમાં વપરાયાં છે. આજકાલ આવાં પ્રતીકો
વાપરીને કોઈ લખે તેને અમુક લોકો ગઈ કાલનો કવિ કહે તો નવાઈ નહીં! પણ આ
કવિ પરંપરાના કાગળમાં કલમ ચલાવે છે. એટલે જ તેમની વાતમાં વિરહ, ચાંદની, ચકોર, દિલ,
સોળ શણગાર વગેરે શબ્દો આવે છે. શબ્દ ભલે જૂના આવતા હોય, વાત નવી હોવી જોઈએ. કોઈ પણ
શબ્દ શબ્દકોશમાં તો હોય જ છે. તે ક્યારેય નવો-જૂનો નથી હોતો, તે માત્ર હોય છે; પણ કાવ્યસર્જનમાં જ્યારે એકના એક શબ્દો કે પ્રતીકોનો
વારંપાર ઉપયોગ થાય ત્યારે કાવ્યસર્જન માટે તે જૂના કે બહુપ્રલિત પ્રતીકો બની જાય
છે. આવાં પ્રતીકો વાપરવાનો એક ભય એ કવિ પોતાના અનુગામી કવિનું અનુસરણ કરતો હોય
તેવું લાગે, અથવા કાવ્ય કોઈના પ્રભાવમાં લખાયેલું હોય તેવું લાગી શકે. વિશ્વરથની
ઉપરોક્ત પંક્તિ કોઈના પ્રભાવમાં નહીં, પણ તે સમયની ભાષાશૈલીને પ્રમાણે લખાઈ છે.
કમળ સવારે ખીલે,
સાંજે આથમે. કમળ બિડાઈ જવાના કારણમાં સંધ્યાની નજર લાગી અને કુમુદ, એટલે કે રાત્રીકમળને
ઉષા અર્થાત સવારની નજર લાગવાની વાત કરીને કવિએ સરસ કાવ્યાત્મકતા ઊભી કરી છે. દિવસના
કમળને રાતની અને રાતના કમળને દિવસની નજર લાગી ગઈ!
જે કોમળ છે, સહજ છે,
હળવું છે તેને હજારો વાર નજર લાગે છે, બાળકને એટલે જ ટીલું કરવામાં આવે છે, પણ પથ્થર
જેવાને ક્યારેય નજર નથી લાગતી. મોટી ઉંમરના જડ માણસો ભાગ્યે જ ટીલું કરતા હશે.
એમને જરૂર પણ નથી. એમના લીધે બીજા કોઈને કરવું પડે એ જુદી વાત છે.
ચંદ્ર અને ચકોરીના
પ્રતીકને અહીં જુદી રીતે કવિએ પ્રયોજ્યું છે. ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી તો
ચંદ્રની પાંપણના રમ્ય પલકારે નજર લાગી ગઈ!
કેટલી સુંદર કલ્પના
છે! આપણે ત્યાં કહેવાય છે કે કાંઠે આવીને વહાણ ડૂબી
ગયું. ઘણા બધા લોકો મહામુશ્કેલીઓને પણ સહજતાથી ઝીલી લેતા હોય છે અને મુશ્કેલીમાંથી
બહાર આવતી વેળાએ છેલ્લી ક્ષણે જ નાનકડા સંઘર્ષમાં હારી જતા હોય છે. કવિની મુસીબત
પણ કંઈક આવી જ છે. તેમની નાવનું દુર્ભાગ્ય એ છે કે દરિયામાં તો આરામથી તરી ગઈ,
કાંઠે આવીને જ ડૂબી ગઈ! પછીના શેરમાં કવિ પોતાની વિમાસણ વ્યક્ત કરે
છે કે આંખ અને હૃદય બંનેને નજર લાગી ગઈ છે, મારે પહેલાં કોનો ઇલાજ કરવો? પ્રિયપાત્ર
સાથે નજર મળી અને સાથે હૃદય પણ વીંધાઈ ગયું, બે પ્રક્રિયા એકસાથે કવિ અહીં દર્શાવવા
માગતા હોય તેવું લાગે છે. કેટલી મીઠી વિમાસણ!!
ઘણાની નજર બહુ આખરી
હોય છે, લાગે તો મુશ્કેલીમાં મુકાઈ જવાય. કવિએ તો એવા માણસની પણ વાત કરી કે
આકાશમાં સતત જોતા રહેતા માણસની નજર તારાને લાગી ગઈ અને એના લીધે તારો લથડિયું
ખાઈને ધરા પર પડ્યો! આવી નજરથી ભગવાન બચાવે!
પણ કવિ તો દિવાના છે.
આખા વિશ્વમાં ફરી વળ્યા છે, તેમને કોઈની નજર નથી લાગી.
આ આખી ગઝલ પોતે જ એટલી
સરળ અને આસ્વાદ્ય છે કે તે આપોઆપ આપણા અંતરના ઇન્ટરનેટ પર શેર થઈ જાય છે. વળી તેની
બાની અને રજૂઆત પણ એટલી સરળ છે કે ભાવક પોતાની રીતે તેના અર્થવિશ્વમાં વિહાર કરી
શકે છે. ‘વિશ્વરથ’ના આવા જ એક અન્ય કાવ્યથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
આ યુવાની, આ ખુમારી, આ નજાકત, આ નજર,
કેટલાં દિલ હચમચાવી નાખશે કોને ખબર?
કેટલાં દિલ હચમચાવી નાખશે કોને ખબર?
કિન્તુ માસૂમ ફૂલ જેવા રૂપને ક્યાં ખ્યાલ છે?
જિંદગી બરબાદ કરશે કાં ભ્રમર કાં પાનખર!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો