ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઈન:
આ આંબલો આ પાળમાં લાગે છે બાદશાહ,
ને મોરલોય ડાળમાં લાગે છે બાદશાહ.
નાહી રહ્યું છે ધૂળથી કો' દિવ્યજળ ગણી,
શું બાંકપન છે બાળમાં લાગે છે બાદશાહ.
આવી મળે કો' ગોઠીયો બચપણનો પ્રેમથી,
પૂછે-પુકારે ગાળમાં લાગે છે બાદશાહ.
સાદી હવાની સરળતા છાંટોય ના મળે,
વંટોળિયો પણ ચાલમાં લાગે છે બાદશાહ.
હું એકલો રૈયત સમો લાગુ છું હું મને,
જેને મળું એ હાલમાં લાગે છે બાદશાહ.
– તગજીભાઈ બારોટ
માનવજીવનનો સૌથી મોટો ભ્રમ કદાચ એ છે કે સુખ માટે કંઈક અસાધારણ હોવું જોઈએ. મોટું ઘર, મોટી કાર, અઢળક પૈસા અને સેલિબ્રિટી જેવી અનન્ય પ્રસિદ્ધિ. પરંતુ જીવન ધીમે ધીમે શીખવે છે કે મોટું કહેવાતું બધું જ હંમેશાં મહાન નથી હોતું. ઘણી વાર તો સાવ નાની લાગતી વસ્તુ મનને એટલા અનહદ આનંદથી ભરી દે છે કે તેની સામે આખી દુનિયાની ચમક ફીકી લાગવા માંડે છે.
બાળપણમાં વરસાદ પછીની ભીની માટીની ગંધ યાદ છે? વરસાદી વહેણમાં કાગળની હોડી તરાવતાં આપણે રાજા થઈ જતા. ત્યારે કોઈ બેંક બેલેન્સ નહોતું, કોઈ હોદ્દો નહોતો, કોઈ સફળતાનો ભાર નહોતો; છતાં અંદર એક અજબ સમૃદ્ધિ હતી. આજના માણસ પાસે ઘણું બધું છે, પણ એ હોડી જેવો આનંદ નથી. કારણ કે હવે હવે આપણું ધ્યાન આકાશના રંગ કરતાં મોબાઈલની સ્ક્રીનની બ્રાઈટનેસ પર વધારે રહે છે. હવે મિત્રને મળવા કરતાં ઑનલાઈન દેખાવું વધુ સરળ લાગે છે. ધીમે ધીમે જીવનમાંથી તે સાદો જાદુ ગાયબ થતો જાય છે, જે ક્યારેક એક સામાન્ય સાંજને પણ ઉત્સવ બનાવી દેતો હતો.
તગજીભાઈ બારોટે નાનાં નાનાંં સુખમાં રહેલી મોટી બાદશાહીયતને આપણી સામે ઉજાગર કરી છે. ધોમધખતા તાપમાં ઊભેલું આંબાનું ઝાડ શહેનશાહથી જરા પણ કમ નથી હોતુંં. તેની પર લચી પડેલાં મધમીઠાં આમ્રફળો તેના સ્વર્ણભંડાર સમાન હોય છે. વરસાદનો પહેલો છાંટો ધરતી પર પડે અને મોર ટહુકાથી વાતાવરણને સુરીલું બનાવે દે, એ ઘટના રાજમહેલમાં વાગતાં અનેક વાદ્યો કરતાં વધારે રળિયામણી હોય છે. કવિ તો ત્યાં સુધી કહે છે કે કોઈ માસુમ બાળક ધૂળને દિવ્ય જળ ગણીને નાહી રહ્યું હોય, ત્યારે તેનું આ બાંકપન બાદશાહ જેવું લાગે છે.
કેટલી ગજબ વાત છે નહીં? બાળપણમાં ધૂળમાં રમવું ગમતું’તું, હવે ધૂળથી બચીએ છીએ. ત્યારે સસ્તી ચપ્પલ પહેરીને પણ રસ્તા પર રાજાની જેમ ચાલતા. હવે મોંઘાં જૂતાં હોવા છતાં પગમાં થાક છે. ત્યારે કોઈ જૂનો મિત્ર અચાનક મળી જાય તો સાવ નકામી, કારણ વગરની વાતો અને ગપ્પાંઓ મારીને આખો દિવસ કાઢતા, તોય લાગતું કે જલસો પડી ગયો. આજે કોઈ પણ મિત્રને મળવું હોય તો તરત સીધું કે આડકતરું પુછાઈ જાય કે શું કામ છે?
આવી નકલી ઘરેણાં પર ચડાવેલા ઢોળ જેવી શિષ્ટતા અને સભ્યતા ઓઢીને ફરતી ભીડની વચ્ચે અચાનક બાળપણનો ગોઠિયો મળી જાય, ને જૂના હુલામણા નામે ગાળ દઈને બોલાવે તો સુખદ આઘાત લાગે, એ આઘાત તરત આનંદમાં ફેરવાઈ જાય. આવી નાની ગોઠડીઓ, ટીખળો અને રમૂજો જ મોટાં સુખ ઊભાં કરતી હોય છે. બાકી એફિલ ટાવર ફરવા જાવ કે ટાઈમ સ્ક્વેર, ગામના વોંકળામાં જે મસ્તીથી ધુબાકા મારતા હતા, તેવી મજા તો દોહ્યલી છે. આવી દોહ્યલી મજાઓના ફોટા કવિએ ખૂબ સાવચેતીથી પાડ્યા છે.
સૌથી સુખી એ નથી, જેમની પાસે અઢળક ધન, સાધનસામગ્રી અને સગવડો છે. સૌથી સુખી એ છે જેઓ નાની નાની પળોમાંથી આનંદ લૂંંટવાની કળા જાણે છે. જેમને ચાના એક કપમાં આખી સાંજનો આરામ મળી જાય છે. જેમને છત પર બેસીને આવતી હવામાં પોતાના પ્રિયજનનો સ્પર્શ અનુભવાય છે. જેમને જૂનાં ગીતમાં પોતાનું યૌવન સંભળાય છે. જેમને કોઈ બાળકના હાસ્યમાં ઈશ્વર દેખાય છે. આવા લોકો દુનિયાને સ્ટેટસથી નથી માપતા; અનુભૂતિથી માપે છે.
લોગઆઉટઃ
પહેલાં છાંટે ભુલાઇ જાતાં ચડ્ડી-બંડી, પડતાં ભેરુ સાદ, યાદ સરવરિયું આવે એ રજવાડું; અહાહાહા!
અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે, એ રજવાડું; આહાહાહા!
રમતાં-રમતાં સાંજ પડે ને ઝાલર વાગે ઝાંખ વળે ને તોય મજાનો અંત ન આવે એવે ટાણે સામે ચાલી,
મને શોધવા છેક પાદરે માની પાછળ આખી શેરી, ઘર, તોરણ ને ફળિયું આવે એ રજવાડું; આહાહાહા!
— મધુસૂદન પટેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો