ત્રણ માતા (મુક્તક-સોનેટ)

ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે,
ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે.
ઘડી ડાળ પરનું એ પંખી બતાવે,
ઘડી મારી સાથે એ હળવેથી ઝૂમે.

ગયા વર્ષ વિતી ને થઈ હું ય માતા,
હૃદયમાં ઉગાડી કળી જેમ શાતા.
ઘડી ગોદમાં લઉં, ઘડી ગાલ ચૂમું,
પરી કેવી સુંદર દીધી તેં વિધાતા.

ફરી વર્ષ વિત્યાં થઈ પુત્રી મોટી,
ફરી આંગણામાંથી શરણાઈ દોટી.
ફરી કોઈ આવ્યું છે ટહુકાને લેવા,
ફરી ઘરની સઘળી મહેકને વળોટી.

પધારી છે પુત્રી નવું પુષ્પ લઈને,
ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે.

- અનિલ ચાવડા

ઉપરોક્ત કાવ્યમાં મુક્તક અને સોનેટનાં બે સ્વરૂપોને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.

સૉનેટના કુલ ત્રણ પ્રકારો છે : (1) પૅટ્રાર્કશાઈ, (2) શેક્સપિયરશાઈ અને (3) અનિયમિત. પૅટ્રાર્કશાઈ સોનેટ બે ખંડમાં વિભાજિત હોય છે - આઠ પંક્તિ અને છ પંક્તિ, કુલ 14. શેક્સપિયરશાઈ સોનેટમાં 4 + 4 + 4 + 2 = 14. અનિયમિત પ્રકારમાં આવી કોઈ ચુસ્ત વ્યવસ્થા નથી. સૉનેટ બનવા માટે કૃતિમાં બે લક્ષણો આવશ્યક છે. એક - ચૌદ પંક્તિઓ, નહિ વધારે કે નહીં ઓછી; બે - વળાંક, પલટો કે ઊથલો અવશ્ય આવવો જોઈએ.

મુક્તક સ્વરૂપનું કાવ્ય મોટેભાગે ચાર કે બે પંક્તિમાં હોય છે. સંસ્કૃત ‘मुक्त’ શબ્દ ઉપરથી ‘મુક્તક’ શબ્દ આવ્યો છે. ગઝલસ્વરૂપના મુક્તકોમાં મોટેભાગે ચાર પંક્તિથી કાવ્ય બને છે અને તેમાં ચારેય પંક્તિ કોઈ એક જ ભાવને સાંકળતી હોય છે.

ઉપરના કાવ્યમાં પ્રત્યેક ચાર પંક્તિ એક મુક્તકરૂપે પણ લઈ શકાય અને દરેક મુક્તકને જોડતાં એક સોનેટ પણ રચાય છે, તેથી તેનું સ્વરૂપ મુક્તક-સોનેટ ગણ્યું છે. તેમાં ચારચાર પંક્તિનાં ત્રણ અને અંતિમ બે પેક્તિનાં મુક્તકો ત્રણ અલગ અલગ માતાની વાત કરે છે. પ્રથમ ચાર પંક્તિમાં દીકરી યાદ કરે છે કે તેની મા તેને કેવું વહાલ કરતી, બીજી ચાર પંક્તિમાં પોતે માતા બની તેની વાત કરે છે, પછીની ચાર પંક્તિમાં પોતાની દીકરીને સાસરે વળાવવાની ઘટના છે અને અંતિમ બે પંક્તિમાં દીકરી સાસરેથી પરત આવે છે, એક નાનકડી બાળકીને - નાનકડી કળીને લઈને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો