ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ

લોગઇન:

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ માંયલીન ચ્યમ કરી હોંધવી?
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી?

તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ જો થોડા ઘણા ફેર કાંય થાય
એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ, મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.

હારી થાચીન મીં તો મનનું મનાયું ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

– પ્રશાંત કેદાર જાદવ

આપણે ત્યાં કહેવત છે બાર ગાઉએ બોલી બદલાય. ભાષા તો ગુજરાતી જ, પણ તેમાં વિવિધ પ્રદેશોમાં બોલાતી જુદી જુદી બોલીઓ ભાષાનુંં ઘરેણું છે. ભાષા એક, બોલી અનેક. લોકબોલીનો અર્થ જ એ છે કે લોકો દ્વારા બોલાતી બોલી. તેને કાગળ પર છપાતી લિપિ કરતા બોલાતી વાણી સાથે વધારે સંબંધ છે. કોઈ પણ બોલી રચાય તો તેમાં જે તે પ્રદેશના લોકોની જાતિ-જ્ઞાતિ, સામાજિક રીતરિવાજો, પરંપરાઓ, રહેણીકરણી, વ્યવહાર-વર્તન પણ જવાબદાર હોય છે. ગુજરાતમાં પારસીઓ અને નાગરોની બોલી અલગ છે, તો વળી વોરા, આહિર, મેર, અને ખારવાની બોલી પણ જુદી છે. પ્રદેશ પ્રમાણે બોલી તેનું સ્વરૂપ બદલે છે. ગુજરાતમાં જ સોરઠી, ઝાલાવાડી, કચ્છી, પારસી, ચરોતરી, મહેસાણી, સુરતી જેવી વિવિધ બોલીઓ બોલાય છે. પ્રાદેશિક ભાષા જે તે પ્રદેશની લોકો દ્વારા બોલાતી બોલીની છબી છે. ચારણો દ્વારા વપરાતી દેશી ભાષા જ તેમના કાવ્યસર્જનને રોશન કરે છે. ઘણાને એવુંં કહેતા પણ સાંભળ્યા છે, બોલીમાંં બમણી મજા.

પ્રશાંત કેદાર બારોટે પોતાના ઉત્તર પ્રદેશના તળની બોલીને કવિતામાં ખપમાં લીધી છે અને સમગ્ર કાવ્યમાં વપરાયેલી આ લોકબોલી જ કાવ્યમાં મજબૂત રીતે પ્રાણ પૂરે છે. આ એ જ પ્રશાંત કેદાર જાદવ કે જેમણે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’, ‘સનેડો’, ‘કુમકુમનાં પગલાં પડ્યાં’, ‘મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો રે…’, ‘હંબો હંબો વીંછુંડો’ જેવાં અનેક સુપ્રસિદ્ધ ગીતો ગુજરાતી ભાષાને આપ્યાં. આ ગીતો વિના અનેક ગાયકોના કાર્યક્રમો અને નવરાત્રીઓ પૂરી નથી થતી. જેમણે આ ગીતો નથી સાંભળ્યાં તે પૂરો ગુજરાતી નથી. આ ગીતો ગવાતાની સાથે લોકોના પગ ઝૂમવા લાગે છે.

કવિએ પ્રાદેશિક બોલીમાં ઊંડાણવાળી ગહન લાગતી વાતને બહુ સરળતાથી આપણી સામે મૂકી આપી છે. બોલીની એ જ તો વિશેષતા હોય છે કે ગંભીર જ્ઞાનને પણ સરળતાથી પીરસી આપે. ગામના માટીવાળા ઘરમાં તિરાડ પડે તો એને ગારાથી અર્થાત્ માટીથી સાંધી શકાય, પણ માંહ્યલામાં-અંતરમાં તિરાડ પડે એને કોઈ કાળે ઠીક નથી કરી શકાતી. તેને સાંધવા માટે કરવામાં આવતા તમામ પ્રકારના લેપ નિર્લેપ પૂરવાર થાય છે. દેહ પર મરાયેલા ચાબૂક કરતા શબ્દનો ચાબખો બહુ વરવો હોય છે. આપણે ત્યાં એક લોકગીત છે, ‘લાકડીના માર્યા કદી ના મરીએ, મેણાંના માર્યાં મરી જઈએ…’ દેહ પર પડેલા ઘાવ સમય જતાંં ભરાઈ જાય છે, દિલ પર પડેલા ઘા જીવનભર દુઃખતા રહે છે. આપણને ખબર હોય કે મનમાં પડેલી આ તિરાડ ક્યારેય પૂરાવાની નથી, છતાં આપણે મથતા રહીએ છીએ. સમય જતાં તિરાડ મોટું બાકોરું થઈ જાય છે, તોય આપણે વલખાં માર્યા કરીએ છીએ તેને સાંધવા.

વિધિના લેખ લલાટે લખાય તેવી આપણે ત્યાં માન્યતા છે. એક પ્રસિદ્ધ ગીત પણ છે, ‘વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય…’ આ ત્રણ વખત ‘થાય’માં દૃઢતા દર્શાવાઈ છે કે વિધિએ જે ભાગ્યમાં લખ્યું છે તે થઈને જ રહેશે. કવિએ પોતાની વ્યથાને વ્યક્ત કરવા સરસ પ્રયુક્તિ કરી છે, તેમણે કહ્યું કે વિધિએ બધાના લેખ લલાટે લખ્યા છે, પણ મારા લેખ તો આંખે લખ્યા છે. એટલે જ તો અશ્રુ અટકતાં નથી. પ્રભુએ મારી આંખે બારેમાસ ચોમાસું રોપી દીધું છે. આ બધું થયા પછી એટલું જ સમજાય છે કે આપણી મુશ્કેલીઓ સાથે આપણે જ લમણા લેવાના છે. આપણી મદદ કોઈ કરવાનું નથી, આપણા સિવાય.

લોગઆઉટઃ

ચાલો સાજણ થંભેલી ચોપાટ ફરી પાથરીએ,
વેરાણછેરણ વેરાયેલાં સોગઠાં ભેગાં કરીએ.
હારજીત તો મનની વાતો કહુ વાયરા જેવી,
કશું જ નક્કી હોય નહીં એ અદ્દલ માણસ જેવી.
સોગઠાં ટેરવાની ઓળખાણ ફરીથી તાજી કરીએ.
- પ્રશાંત કેદાર જાદવ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો