લોગઇન:
ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
– વિમલ અગ્રાવત
દયારામ એક પદમાં કહે છે,
“મુજને અડશો મા, આઘા રહો અલબેલા છેલા, અડશો મા!”
રાધાજી કૃષ્ણને વિનંતી કરી રહ્યા છે કે હે શ્યામ તમે મને અડશો નહીં, તમે કાળા છો, અને હું તો કેટલી રૂપાળી… તમે મને અડશો તો મને પણ તમારો રંંગ લાગાડશો, હું પણ કાળી થઈ જઈશ. આવું કહીને રાધાને પોતાના વહાલા પ્રેમી સામે ખોટું ખોટું રિસાવું છે. પણ આ તો કૃષ્ણ છે, એની પાસે બધા જ જવાબ હોય છે. રાધાના રીસામણાનો જવાબ કૃષ્ણ બહુ તાર્કિક રીતે આપે છે, કહે છે, મને અડીને તું કાળી પડી જવાની હોય તો તને અડીને હું પણ ગોરો તો થઈશ જ ને! જો એમ થાય તો ફરી આપણે એકબીજાને અડકી લઈશું, જેથી મારો રંગ ફરી કાળો થઈ અને તારો ફરીથી ગોરો. “ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!” ધૂળેટીના રંગભર્યાં ગીતોની વાત હોય અને રાધા-કૃષ્ણ ન સાંભરે એ તો બને જ કેવી રીતે?
પણ વિમલ અગ્રાવતનું ગીત વાંંચીને કોઈ રંગની જરૂર જ નથી રહેતી, ન તો પિચકારીની, ન અબિલ ગુલાલની. તેમણે શબ્દોના લસરકાથી હોળી-ધૂળેટીના રંગોનું અદ્ભુત પ્રણયચિત્ર દોરી આપ્યું છે. તેમાં હૃદયના રંગો ઊડે છે. શરમના શેરડા ફૂટે છે, ફૂલગુલાબી ચહેરા ખીલે છે, અને ગુલાબી રંગ છેક અંતરના આંગણામાં રંગોળી પૂરે છે. ગીત વાંચીને કૃષ્ણ-રાધાની કલ્પના તો થાય જ, પણ કોઈ પણ પ્રેમી જોડાંને આ ગીતમાં કલ્પી શકાય.
શેરીમાં પ્રેમીની નજર પ્રેમિકા પર પડે છે. પ્રેમિકાને તેનું ભાન થતા જ તે શરમમાં લાલલાલ થઈ જાય છે. તેના ગાલે શરમના શેરડા ફૂડે છે. રુંવેરુંવે રંગ રેલાવા લાગે છે. શ્વાસોમાં મઘમઘતી ફોરમ વહેવા લાગે છે. રાજેન્દ્ર શુક્લ લખે છે તેમ, “અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!” અહીં ભૌતિક રીતે કોઈ રંગ નથી કે નથી ગુલાલ. પણ પ્રેમીની એક નજર કાફી છે રંગાવા માટે. બહારનો રંગ તો સમય જતા ઝાંખો થાય, ભૂંંસાઈ જાય. દુનિયા એને નરી આંખે જોઈ પણ શકે કે રંગ લાગ્યો છે, પણ અંદર લાગેલા રંગને તો ક્યાંથી કાઢી શકાય, અને જગત એને જોઈ પણ નથી શકતું. બીજો તે રંગ સાવ કાચો, એક હૃૃદિયાનો રંગ સાવ સાચો.
પ્રેમી સંગે નજર મળે, તારામૈત્રક રચાય ત્યારે જાણે શ્વાસ ખુદ શરણાઈના સૂર રેલાવા માંડે છે. ધબકારા તો ઢોલ પર પડતી દાંડી જેમ વાગે છે. પ્રેમિકાની આવી હાલત બીજા કોઈ જાણે ન જાણે, બહેનપણીઓ પામી જાય છે, તે વહાલથી ટોણો મારીને પૂછે છે, અલી આ શું થઈ ગયું તને? આમ ભરબજારે કોણ રંગી ગયું કે આવી શરમમાં લાલઘૂમ થઈ રહી છે? બહેણપણીઓનો આવો સવાલ સાંભળીને તો વળી શરમ બેવડાય છે. જવાબ આપવાને બદલે પ્રેમિકા તો શેરીમાંથી દોટ મૂકે છે. પણ એની દોટમાં પણ જાણે કે દરેક પગલે લાલ રંગ રેલાતો હોય એવું લાગે છે.
વિમલ અગ્રાવતે પ્રણયના રંગને બરોબર ઘોળ્યો છે. તેમણે પોતાની કલમ દ્વારા રંગો વિના જ સૌને રંગી નાખ્યા છે. એક અચ્છા કવિની આ જ તો ખાસિયત હોય છે.
લોગઆઉટઃ
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો