ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે

ચૂમે છે વ્હાલથી પાની, કરે છે ગેલ પગ સાથે,
સડક ભોળી, પડી છે પ્રેમમાં વંઠેલ પગ સાથે.

ગણું આને સતત ઊભા રહ્યાનો લાભ કે નુકસાન?
અચાનક વીંટળાવા લાગી છે એક વેલ પગ સાથે.

હજી ઘરમાં જ છે ઘર ત્યાગવાની વાત કરતું મન,
કરી કાયાએ હડિયાપાટી બહુ હાંફેલ પગ સાથે.

અલગ પણ થઈ જવાનું, ને વળી ખુશ પણ રહેવાનું?
કહો છો દોડવાનું એ ય તે બાંધેલ પગ સાથે?

ફકત એક જ દિવસ ચોમાસું આવ્યું મારા જીવનમાં,
પધાર્યાં'તાં તમે જ્યારે ઘરે ભીંજેલ પગ સાથે.

છતાં મેં દોષ છાલાનો બધો રસ્તા ઉપર નાખ્યો
હતો અવગત પગરખાએ કર્યો છે ખેલ પગ સાથે

તમારો ધર્મ ચીલો છે, તમારાથી ચલાશેને?
અલગ રીતે સ્વયંમનો માર્ગ કંડારેલ પગ સાથે?

જમાનાએ મને લાવી દીધો છે કાંખઘોડી પર,
ઘરેથી નીકળ્યો'તો હું ઘણા કાબેલ પગ સાથે.

~ અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો