કવિનો શબ્દ

એક્સ ક્યૂઝ મી,
હેલો,
મને ઓળખ્યો?
અરે!
હું એ જ છું,

એ જ, જે નથી પડઘાઈ શક્યો તમારા કાનમાં
મને સર્જનારે પીડાની ભારેખમ પોથીઓ ઊંચકીનેય જીવતો રાખ્યો
ચપ્પલ-થેલો-દાઢીનું મજાકિયું બિરુદ પામીનેય ન છોડ્યો મને
જેટલાં એનાં છપ્પલ ઘસાયાં એટલો જ હું ઉજળો થયો
જેટલા એનાં વસ્ત્રો ફાટ્યાં એટલો ચિવટાઈથી હું સંધાયો
દાઢી ભલે વેરવિખેર થઈ પણ મને સુવ્યવસ્થિત રાખ્યો
ક્યાંક મુખર, ક્યાંક મૂક,
ક્યાંક ચીસ, તો ક્યાંક ભીંસ
ક્યાંક મણમણનો મુંઝારો તો ક્યાંક એકાંતનું અમૃત,
ક્યાંક વળી બહાર ન આવી શક્યાના અભાવે ગળાનો ડૂમો પણ થયો, 

સાચું કહેજો
તમે પણ મને અનુભવ્યો તો છે જ ને?
ફર્ક માત્ર એટલો જ છે કે તમે મને કાગળ સુધી નથી લઈ જઈ શક્યા
ક્યારેક કોઈ ગમતી વ્યક્તિને વહાલથી લખાયેલા પત્રમાં
મોબાઇલથી મોકલાયેલા મેસેજમાં
દીકરીના વિદાય ટાણે
માએ વહાલથી પિરસેલી થાળીમાં
જ્યારે પણ આંખ ભીની થઈ ત્યારે તમારી સંવેદનામાં હું નહીં તો બીજું કોણ હતું?
વેદનાના વહેણમાં હું જ તો વહેતો હતો.
એ જુદી વાત છે કે હું જગતની ઝંઝાળમાં અટવાઈ ગયો,
ક્યારેક લોહીમાં
ક્યારેક આંખ વાટે દદડી પડ્યો...
તમારામાં જાગેલી સંવેદનાને તમે કાગળ સુધી ન લઈ જઈ શક્યા
એટલે જ તો કવિનો થયો... વ્યવહારનો નહીં...
કવિના ગર્ભમાં
ક્યારેક નવ સેકન્ડ,
ક્યારેક નવ મિનિટ,
ક્યારેક નવ મહિના કે
ક્યારેક નવ વર્ષે પણ નહીં જન્મી શકેલો
તો
ક્યારેક પળના ય વિલંબ કર્યા વિના આપોઆપ
ફણગા જેમ ફૂટી નીકળેલો કવિનો શબ્દ છું હું.
હવે ઓળખ્યો ને?

— અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો