(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
પાણી લઈને હઠ, ઊભાં છે
ખેતર સૂકાં ભઠ ઊભાં છે.
કાચાં, લીલાં પાન ખરે છે,
ઠૂઠાં સાવ જરઠ ઊભાં છે.
કોઈ ફરકતું ચકલું ક્યાં છે?
લોકો હકડેઠઠ ઊભા છે.
પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો તે ચોસઠ ઊભા છે.
- હેમેન શાહ
દુનિયામાં કશું જ મફત નથી મળતું, અને જે મફત હોય છે તેની કિંમત ઊલટાની ચૂકવવી પડતી હોય છે. નોબેલ પ્રાઇઝ વિજેતા ડેસમંડ ટુટૂએ કહ્યું હતું, જ્યારે મિશનરીઓ આફ્રિકા આવ્યા ત્યારે તેમની પાસે બાઈબલ હતું અને અમારી પાસે જમીન. તેમણે કહ્યું કે અમે તમારા ભલા માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ. તમને ધર્મનો રાહ બતાવવા આવ્યા છીએ. અમે આંખો બંધ કરી પ્રાર્થના કરવા લાગ્યા, જ્યારે આંખો ખોલી ત્યારે અમારા હાથમાં બાઈબલ હતું અને તેમની હાથમાં અમારી જમીન.
વર્ષો પછી સોશ્યલ નેટવર્ક આવ્યા. તેમણે કહ્યું કે અમારી પાસે ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે. આ બિલકુલ ફ્રી છે. તમારી અભિવ્યક્તિ અને તમારા આનંદ માટે જ છે. આપણે મોઢું નીચું કરીને તેમાં ધૂસી ગયા. હવે આપણી પાસે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે પર એકાઉન્ટ્સ છે અને તેમની પાસે આપણી તમામ માહિતી… આપણી આઝાદી. તે આપણા વિચારો, વાણી, રહેણીકરણી ઉપર કાબૂ મેળવી ચૂક્યા છે.
ફ્રીનો ધંધો વધારે કમાણીવાળો છે. ભારતમાં ઠેરઠેર મંદિરો ઊભાં છે, તેના કારણમાં શ્રદ્ધા કરતા વધારે પૈસો છે. લોકો તો શ્રદ્ધાળુ છે, ધર્મને ખાતર જીવ પણ આપી દેશે. ધર્મના વેપારીઓ સારી રીતે જાણે છે કે જ્યારે ભગવાનની વાત આવશે ત્યારે લોકો જિંદગીભરની મૂડી ખર્ચી નાખવામાં જરા પણ પાછી પાની નહીં કરે. અને આ દુઃખતી રગ પર તે હંમેશાં પોતાનો હાથ રાખે છે, જેવા પણ આઘાપાછા થયા કે તરત એ તમારી નસને દબાવી દેશે. આપણે ત્યાં એવા દાખલા પણ ક્યાં ઓછા છે કે બીજા કોઈ રાજ્યમાં મોટો ગુનો કરીને અન્ય રાજ્યમાં જઈને સાધુ બની જાય, લોકો તેમને પૂજવા માંડે, મંદિરના અધિપતી થઈ જાય અને કરોડો રૂપિયાની સંપત્તિના માલિક બની બેસે. તેમનો ભૂતકાળ ખોદીએ તો ઘણો લોહિયાળ હોય છે. પૂજારી, સંતો, મહંતો કરતા સામાન્ય લોકો વધારે શ્રદ્ધાળુ હોય છે.
કવિ હેમેન શાહ ધર્મના આવા પોલા મર્મને બરોબર સમજે છે. મંદિર, મસ્જિદ, મઠ વગેરેમાં શઠ અર્થાત ધુતારાઓ બેઠા છે. તેઓ ઈશ્વરને ઢાલ બનાવીને પોતાના અંગત હેતુઓ સિદ્ધ કરે છે. સામાન્ય પ્રજા ખેતર જેમ સૂકી ભઠ થતી જાય છે છતાં અમુક મઠાધિપતીઓ વરસતા નથી. પાણી રોકીને બેસી રહે છે. તેમને હાથ ઊંચા કરીને આશીર્વચન વરસાવવામાં મજા આવે છે. કેટલા સાધુસંતો એવા છે કે જે પ્રજામાં જઈને પ્રજાની સેવા કરતા હોય? તેમને માત્ર મેવામાં રસ છે, સેવા તો દેખાડવાના દાંત છે. ચાવવાના દાંત અલગ છે. જો સેવા કરે છે તો એ ય લોકોના પૈસે, લોકોની મહેનતે, લોકો પાસે કરાવડાવે છે. પોતે તો આસનબદ્ધ હોય છે. મહારાજા માફક મોંઘા સુવર્ણઆસનો પર બિરાજમાન હોય છે. કયા ભગવાન એમ કહે છે કે તમે મોંઘા મોંઘા સાધનો જ વાપરો. કીમતી માળાઓ જ પહેરો. સર્વોપરી જ રહો. ધર્મ તો નામ છે, તેમને તો અધિપતિ બનવું હોય છે, સત્તા જોઈતી હોય છે, કાબૂ જોઈતો હોય છે. જેમ શોશ્યલ મીડિયા કરે છે, આપણને બધુંં ફ્રી આપીને તે આપણી પર કાબૂ કરી રહ્યા છે. આપણે એ જ જોઈએ છીએ, જે તેઓ બતાવે છે.
હેમેન શાહની ગઝલનો પ્રત્યેક શેર ચાબખા જેવો છે. તેમણે સમાજમાં પ્રવર્તતા ધર્મના દુરુપયોગ પર પ્રહાર કર્યો છે, તો સામે બની બેસેલા મઠાધિપતીઓને પણ આડે હાથે લીધા છે. અધિપતિઓની અંગત લાલચ સામે લાલ આંખ કરી છે, તો અમુક જરઠ ખખડેલા થડિયા જેવા લોકોની અડગતા અને લીલાછમ પાન જેમ કરતા કાચી વય તરફ પણ આંગળી ચીંધી છે. અનેક વણઉકલ્યા પ્રશ્નો પર તેમણે લાલ બત્તી ધરી છે. કવિનું કામ માત્ર ફૂલોની સુગંધ અને પ્રકૃતિની સુંંદરતા વ્યક્ત કરવાનું જ નથી, પણ ધર્મ અને સમાજમાં પ્રવર્તતી કાળી બાજુને ઉજાગર કરવાનું પણ છે.
લોગઆઉટઃ
ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊગે,
– અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો