(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
એક માણસ હારવાનો વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો વારતાનાં અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.
પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.
કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણવા,
રાત આખી જાગવાનો વારતાનાં અંતમાં.
જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.
– દિનેશ કાનાણી ‘પાગલ’
અંગ્રેજી ભારતીય યુવાલેખિકા સાવિ શર્માની એક બેસ્ટસેલર નવલકથાનું નામ છે - Everyone Has a Story. દરેકની પોતાની એક વાર્તા હોય છે. તેમાં ક્યાંક આંસુ હોય છે, ક્યાંક સ્મિત, ક્યાંક ખડખડાટ હાસ્ય હોય છે તો ક્યાંક હૈયું ફાટી જાય તેવી ચીસ. ક્યાંક કદી ન ઓગળે તેવા ડૂમા હોય છે, તો ક્યાંક પળમાં પીગળતું અસ્તિત્વ. ક્યાંક ઝૂરાપો તો ક્યાંક મિલનનો આનંદ. ક્યાંક કર્કશ ઘોંઘાટ તો ક્યાંક ભેંકાર ખાલીપો, ક્યાંક પોતાના કહી શકાય તેવા માણસો તરફથી મળતા આઘાતો, તો ક્યાંક સાવ અજાણ્યા તરફથી મળતો મહામૂલો ભરોસો. જિંદગીની વારતામાં કેટકેટલા ચડાવ-ઉતાર છે, કેટકેટલા વળાંકો છે. કેટલાટલા ખાડાખળિયા છે, તેમાં ક્યાંક ડુંગર છે, ક્યાંક ખીણો, ક્યાંક દરયાઈ મોજાં જેવા તોતિંગ તોફાનો છે, તો ક્યાંક સરોવરની સહજતા. જ્યારે આપણને થાય કે આપણે બધું જ જાણીએ છીએ એની બીજી જ પળે એવી થપાટ આવે કે આપણી તમામ જાણકારીનો ભાંગીને ભુક્કો થઈ જાય. સોક્રેટિસે કહેલુંં, હું માત્ર એટલું જ જાણુંં છુંં કે હું કંઈ જાણતો નથી. પણ આ સત્ય આપણને છેક વાર્તાના અંતમાં જ સમજાય છે.
દિનેશ કાનાણીની ગઝલ જાત અને જગતને સાથે સંવાદ કરતી હોય તેવું લાગે છે. એક દૃષ્ટિએ લાગે કે આખી ગઝલ આપણે જ આપણી જાતને કહી રહ્યા છીએ અને ક્યારેક લાગે કે જગતને, અથવા કોઈ એવી ખાસ વ્યક્તિને કહી રહ્યા છીએ જે આપણી માટે પ્રાણથી વિશેષ છે. આ કવિ સરળ શૈલીમાં ગહન ગઝલ લખવામાં કાબેલ છે. સરળતા જ તેમની વિશેષતા છે.
એક રીતે જોવા જઈએ તો આપણે જ આપણા સૌથી સારા મિત્ર હોઈએ છીએ. આપણી ભૂલોને આપણે જેટલી સારી રીતે ઓળખીએ છીએ તેટલી સારી રીતે અન્ય કોઈ ઓળખી શકતું નથી. રસ્તામાં આવતી ઠોકરની આપણને ખબર હોય છે છતાં ચાલવાનું બંધ નથી કરતા. કોઈ આપણા પગને ચેતવણી આપે કે ન આપે, આપણું મન તો આવનારી આફતને થોડે ઘણે અંશે પામી જતું હોય છે. જ્યારે ઠોકર વાગે ત્યારે આપણે પોતે જ પોતાને આશ્વાસન આપવા બેસીએ છીએ. ક્યારેક આપણી તમામ પરિસ્થિતિમાં કોઈક આપણી સાથે હોય છે. તેને આપણી જીત કે હારથી ફર્ક તો પડે છે, પણ વાર્તાના અંતે, વિજય કે પરાજયમાં હરહંમેશ આપણી પડખે ઊભા હોય છે. ક્યારેક આપણે હારવાની અણી ઉપર હોઈએ ત્યારે કોઈ ચમત્કારની જેમ આવી ચડે છે અને બાજીમાં જીતમાં પલટાઈ જાય છે.
અમેરિકન લેખિકા હાર્પર લીની એક અદ્ભુત નવલકથા છે - To Kill a Mockingbird. આધુનિક અમેરિકન કથાસાહિત્યમાં ક્લાસિક ગણાતી આ નવલકથાનું એક પાત્ર ખૂબ સંદિગ્ધ છે. તે ભયાનક ડરામણું લાગે છે, પણ વાર્તાના અંતે તે જ મદદરૂપ થાય છે અને સત્યની સાથે ઊભું રહે છે. અમુક માણસો આપણને કાયમ અવગણતા રહે છે. તક મળે ત્યારે ટોન્ટ મારવાનું પણ તેઓ ચૂકતા નથી. ડગલે ને પગલે આપણને ધીક્કારતા રહે છે. પણ જ્યારે કારમી ઠોકર વાગે છે, ત્યારે તેમને સમજાય છે કે કોણ પોતાનું છે અને કોણ પરાયું…
લોગઆઉટઃ
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
– કૈલાસ પંડિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો