જ્યાં પ્રેમ હોય ત્યાં ભાર નથી હોતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇન:

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી!

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે!

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો!

આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય,
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે!

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે!

~ લોકગીત

એક જાણીતો પ્રસંગ છે. એક સાધુ પર્વત ચડી રહ્યા હતા. ખભે એક જોળી, હાથમાં ભિક્ષાપાત્ર અને દેહ પર લંગોટ. પણ અત્યારે આ ભિક્ષાપાત્ર અને ઝોળીનો વજન પણ મણ મણનો થઈ ગયો હોય એમ લાગતું હતું. પગથિયાં કેમે ય ચડી શકાતા નહોતા. સાધુ થાકીને ત્યાં જ બેસી ગયા. ત્યાં તેમણે એક દ્રશ્ય જોયું અને તેમની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ. એક બાર-તેર વર્ષની છોકરી પોતાના નાના ભાઈને કાંખમાં તેડીને પગથિયાં ચડી રહી હતી. નવાઈ એ હતી કે તેના ચહેરા પર થાકનું નામોનિશાન નહોતું. છોકરી નજીક આવી તો સાધુએ પૂછ્યું, "તું તારા ભાઈને તેડીને ડુંગર ચડી રહી છો તો તને એનો ભાર નથી લાગતો? છોકરીએ તરત જવાબ આપ્યો, “આ ભાર ક્યાં છે? મારો ભાઈ છે!” 

જ્યાં પ્રેમ હોય ત્યાં ભાર નથી હોતો. ભાર વસ્તુનો હોય, સંબંધનો નહીં. સંબંધનો ભાર લાગવા માંડે ત્યારે સમજી જવું કે સંબંધ વસ્તુ બનવા માંડ્યો છે. ભાવનામાંથી ‘ભાવ‘ જતો રહ્યા પછી માત્ર ‘ના‘ અર્થાત નકાર બાકી રહે છે. ભાવના વિનાનું હૈયું પાણી વિનાના સરોવર જેવું છે. તેના કાંઠે પ્રેમના હંસ વસવાટ કરી શકતા નથી.

એક પુરુષના જીવનમાં ત્રણ સ્ત્રીઓની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે. મા, બહેન અને દીકરી! મા તમને વઢે, વહાલ કરે, મારે, ધમકાવે દરેક વાતમાં તેનો નિસ્વાર્થ પ્રેમ જ છલકાતો હોય! દીકરી સાથેના પ્રાણ સુધ્ધાં સમર્પિત કરી દેવાની તૈયારી હોય છે બાપની! બહેનનો સંબંધ બે ભાગમાં હોય છે. લગ્ન પહેલાંનો અને પછીનો. સાથે ઉછરતા ઝઘડો કરતા નાની નાની વસ્તુઓ માટે કરેલા ઝઘડા બહેનની વિદાય પછી એક મોટું સાંભરણું બની જાય છે. બહેન નાનપણથી સમાધાનની સાંકડી કેડી પર ચાલતા શીખી જાય છે. અમુક ઉંમર પછી બહેન બહેન મટીને જાણે માની ભૂમિકા ભજવવા માંડે છે. બહેન બીજા નંબરની ખુરશીમાં બેસવાથી ટેવાઈ જાય છે. પણ ઘણા ભાઈઓ એવા પણ છે જે બહેનને પ્રેમના પહેલે પગથિયે બેસાડે છે. તેને અભાવની આંગળી પકડીને ચાલવું ન પડે માટે તે નિરંતર ભાવનાની નદી વહેતી રાખે છે. 

ભાઈ, બહેન અને રાખડી. આ ત્રણે મળીને એક પવિત્ર સંબંધને એક તાંતણાથી જોડે છે. જેમાં સલામતી અને સ્નેહ બંને છે. મહાભારતના યુદ્ધ વખતે કુંતા અભિમન્યુને રાખડી બાંધે છે. એ વખતે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછે છે. દાદી રાખડી બાંધતાં બાંધતાં સાતે કોઠાની માહિતી આપે છે. ઘણી વાર જીવન મહાભારતના સાત કોઠા કરતા પણ વધુ કપરું થઈ જાય છે. ત્યારે આપણે જીવનયુદ્ધમાં આપણે હારીએ નહીં એટલે બહેન આપણા રક્ષણ માટે રાખડી બાંધે છે. 

લોગઆઉટ:

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

~ લોકગીત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો