એ દેશની ખાજો દયા...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

- ખલિલ જીબ્રાન (અનુ. મકરંદ દવે)

ખલિલ જીબ્રાન વિશ્વસાહિત્યમાં આદરથી લેવાતું નામ છે. તેમણે લખેલી ‘Pity the Nation’નો ભાવાનુવાદ મકરંદ દવેએ ગુજરાતીમાં અદભુત રીતે કર્યો છે. મૂળ કવિતા ઘણી લાંબી છે. એને સમાવવા જઈએ તો આખી કોલમ તેમાં પૂર્ણ થઈ જાય. તેમાંથી થોડી પંક્તિઓ આજે આપણે માણીએ.

આ કાવ્ય આજે પણ એટલું જ સાંપ્રત છે, જેટલું લખાયું ત્યારે હતું. કદાચ દરેક સમયે આ કાવ્ય સાંપ્રત રહેશે. જે દિવસે આ કાવ્યમાં કહેલી વાત સાંપ્રત નહીં રહે તે દિવસે ખલિલ જીબ્રાન પોતે રાજી થશે. પણ એવું ક્યારેય થવાનું નથી. ધર્મ અને સત્તા, બંને મોટો નશો છે. નશાના ઘેનમાં રહેલો માણસ કંઈ પણ કરી બેસે, તેમ ધર્મના કે સત્તાના શિખર પર બેસેલો માણસ વધારે ને વધારે લોકોને ઘેનમાં રાખવા માગે છે. 

કાર્લ માર્ક્સે કહ્યું હતું કે ધર્મ અફીણ છે. હિન્દી ફિલ્મ ‘ઓહ માય ગોડ’માં પણ ધર્માધિપતિનો રોલ નિભાવતા મિથુન ચક્રવર્તી આ જ સંવાદ બોલે છે કે લોકોને ધર્મનું અફિણ આપી દો. લોકો નશામાં રહેશે. ભારતને ધર્મના અફીણની પહેલેથી ટેવ છે. તમે ભગવા પહેરો એટલે ગમે તેવા લંપટ હોય તોય આપોઆપ આદરણીય થઈ જાવ. વર્ષો પહેલા બીજા રાજ્યના ગુનેગારો બાવા બનીને ગુજરાતમાં આવીને સાધુ થઈ ગયા હોય એવા દાખલા આંખ સામે છે. સંત બનીને ફરતા ધુરંધરો લોકોની શ્રદ્ધાનો અંત લાવવામાં જરા પણ વિચારતા નથી. 

આપણી લોકમાન્યતા સાધુ તો ચલતા ભલાની છે. પણ આજે તો સાધુઓ એકલા નથી ચાલતા, કાફલો લઈને ચાલે છે. પ્રાઇવેટ વિમાનો, મોંઘી ગાડીઓ અને રૂપિયાની રેલમછેલમાં આળોટે છે. વળી આવા કરોડોપતિ સાધુઓ ખૂન, બળાત્કાર, લૂંટ, છેતરપિંડીમાં સંડોવાયેલા હોય એવા દાખલા પણ ક્યાં ઓછા છે!

સત્તા ધર્મના પગમાં પડવા માંડે, લોકહિતની વાત ભૂલીને ધર્માના ઠેકેદારોના હિતની ચિંતા થવા લાગે, લોકોના રહેઠાણની ચિંતા કરતા મંદિરની ચિંતા વધારે થાય, વીઆઈપી લોકો કહેવાતા બાબાઓના તાબામાં થઈ જાય, ગરીબોના પ્રશ્નોની નોંધ સુદ્ધા ન લેવાય અને બાબાજી પાઘડી કેમ પહેરે છે તે મોટા સમાચાર બને ત્યારે દયા ખાવા સિવાય શું થાય?

કલાકાર સત્તા અને ધર્મના પગમાં પ્રસંશાપુષ્પો મૂકવા માંડે ત્યારે સમજવું કે કલાકારના અંતરાત્માએ દેવાળું ફુંક્યું છે. સાહિત્યકારો ભાષાના મરમી બનવાને બદલે મદારી બનવા માંડે ત્યારે ઝેર ફેલાય તે સ્વાભાવિક છે. સત્તા અને ધર્મના વખાણ માટે કલાની ચાદરમાં થિંગડાં મારવા પડે ત્યારે સમજી લેવું કે સાહિત્ય ઠુંઠવાઈ રહ્યું છે. સર્વધર્મસમભાવની વાતો વચ્ચે અમારો ધર્મ વિશેષ છે એવા ગાણાં ગવાય, આવા ગાણાંને રાષ્ટ્રીય ગાણાં તરીકે જોવાય, ત્યારે તેવા દેશની દયા ખાવા સિવાય શું થાય? 

ખલિલ જીબ્રાને વર્ષો પહેલાં લખેલી આ કવિતા આજે પણ શબ્દશઃ સાચી પડતી દેખાય છે. 

લોગઆઉટઃ

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન (અનુ. મકરંદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો