તું હજી માણસને નથી મળ્યો, ભગવાનને ક્યાંથી મળી શકીશ?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.
ખુદને મળવા શું વધારે જોઈએ?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

- સુનિલ શાહ

એક દિવસ રમણ મહર્ષિ પાસે એક માણસ આવ્યો. બહુ ભણેલો-ગણેલો અભ્યાસુ અને ઊભડક જીવ. ઘણી વાર ભણતર ભાર બની જતું હોય છે. મદદ કરવાને બદલે અવરોધક બની જાય. એટલા માટે જ કદાચ ગુજરાતીમાં કહેવત બની હશે, ભણતર ખરું, પણ ગણતર નહીં. અથવા તો કોઈ ભણેલો ભૂલ કરે ત્યારે કહેવાય કે ભણ્યો, પણ ગણ્યો નહીં. રમણ મહર્ષિ પાસે આવેલો માણસ તો કેમેસ્ટ્રીમાં એમએસસી હતો. આ વાત સિત્તેર એંસી વરસ પહેલાની છે. એ વખતે કેમેસ્ટ્રીમાં એમએસસી થવું બહુ મોટી વાત ગણાતી. એવો માણસ સમાજના વિદ્વાન, સમજુ અને પ્રતિષ્ઠિત વ્યક્તિમાં ગણાતો. 

આવો ભણેલો માણસ હાંફળો-ફાંફલો થઈને રમણ મહર્ષી પાસે જઈને કહે, મેં સાંભળ્યું છે કે તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે. સાચી વાત? ભણેલાને પ્રશ્ન પૂછવા બહુ જોઈએ. રમણ મહર્ષિએ સામે પૂછ્યું મને જોઈને તમને શું લાગે છે? પેલા માણસે કહ્યું, જો એ વાત સાચી હોય તો મને પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવો. હું મારું બધું જ મૂકીને તમારા શરણમાં આવી જાઉં. હું ભગવાનને જાણવા માગું છું. હોટલમાં જઈને ગુજરાતીનો ફુડનો ઓર્ડર આપતો હોય તેમ તેણે કહ્યું, જાણે હમણા રમણ મહર્ષિ ઈશ્વર નામની થાળી તેને પીરસી આપશે, અને પોતે ઝડપથી જમીને ઘરભેગો થશે. તેની અધીરાઈ જોઈને રમણ મહર્ષિના ચહેરા પર સ્મિત આવી ગયું. પેલા માણસે ફરીથી કહ્યું, હું બધું જ ત્યાગીને તમારા શરણમાં આવવા માગું છું, હું ભગવાનને જાણવા માગું છું.

રમણ મહર્ષિએ પ્રેમથી પૂછ્યું, “ભાઈ, એક વાત જણાવો, ક્યારેય પ્રેમ-બેમ થયો છે કોઈની સાથે? અહીં બેસીને વિગતવાર કહો, મારે જાણવી છે તમારી પ્રેમકથા.” પેલો માણસ મોં વકાસીને તેમની સામે જોઈ રહ્યો, તેને થયું હું અહીં ઈશ્વરની પ્રાપ્તિ કરવા માગું છું, તેની માટે ફના થવા તૈયાર છું, બધું છોડવા તૈયાર છું અને આમને પ્રેમની વાતો સૂઝે છે. તેણે તરત જવાબ આપ્યો, ના, ના, હું એવા લફરામાં નથી પડતો. 
રમણ મહર્ષિએ બીજો પ્રશ્ન પૂછ્યો, “તમને કોઈ છોકરીને જોઈને ક્યારેય એવું લાગ્યું છે કે આ નહીં મળે તો જિંદગી ખતમ...”
મેં તમને કીધું તો ખરું હું આવા ચક્કરોમાં નથી પડતો... મારે આમાં પડવું ય નથી, મારે તો ભગવાનને મળવું છે. તરત જ રમણ મહર્ષિએ જવાબ આપ્યો, તો પછી હું ભગવાનને મળાવી નહીં શકું. પેલો માણસ કહે, પણ આ તમે કેવી વાત કરો છો. તમને તો સાક્ષાત્કાર થયો છે. તમે મહર્ષિ છો. 
મહર્ષિએ જવાબ આપ્યો, ભાઈ, તું હજી માણસને જ નથી મળ્યો, તો ભગવાનને ક્યાંથી મળી શકીશ?

જ્યાં સુધી જાતને નહીં મળો ત્યાં સુધી જગતને નહીં મળી શકો. વિમાનમાં મુસાફરી કરતી વખતે પણ જણાવવામાં આવે છે કે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલા પોતાને બચાવો, પછી તમારા સ્વજનો, મિત્રોની મદદ કરો. તમે બચેલા હશો તો બીજાને બચાવશો. જાતને જાણશો તો જગતને જાણી શકશો. આપણે જગતમાં બધાને મળીએ છીએ, પોતાને જ નથી મળતા. એક સુંદર નાનકડી વાત છે. માણસ ધરતી અને આકાશ બધું ખુંદી વળ્યો, એટલે ભગવાનને થયું હવે જવું ક્યાં, રહેવું ક્યાં? માણસ બધે પહોંચી ગયો છે. ઈશ્વરે નક્કી કર્યું કે આપણે માણસના હૃદયમાં રહેવા જતા રહીએ, માણસ બધે જ જશે, પણ પોતાની અંદર નજર નહીં કરે. માણસ તેને મંદિર, મૂર્તિ અને મંડપોમાં ગોત્યા કરે છે અને ભગવાન અંદર બેઠો બેઠો હસ્યા કરે છે. જે છે તે બધું તમારી અંદર છે. 

રમણ મહર્ષિનો પ્રસંગનો પડઘો સુનિલા શાહના સેરમાં પણ પડે છે. જાતને મળવા માટે ઘરનો એક નાનકડો ખૂણો પૂરતો છે. માણસ બધું જ પામી લે ત્યારે અંદરના આત્માની, જાતને મળવાની વાત કરતો હોય છે. એટલે કદાચ સમુદ્ર માણસ વધારે આધ્યાત્મિક હોય છે, ગરીબ કરતા. 

એક જાણીતું ક્વોટ છે, ભગવાનને ભરોસે બેસી ન રહો, શી ખબર ભગવાન તમારા ભરોસે બેઠો હોય. બહુ વિચારવા જેવી વાત છે.વિવેકાનંદે પણ કહ્યું હતું, જે પોતાને મદદ નથી કરતો, તેને ભગવાન પણ મદદ નથી કરતો. ઈશ્વરને પામવા માટે તમારે પોતાને પામવા પડશે અને પોતાને પામ્યા પછી ઈશ્વરને પામવાની જરૂર નહીં રહે. કેમ કે દરેક માણસ ઈશ્વર છે. દરેક સ્થળે, દરેક વસ્તુમાં એક અદૃશ્ય ઊર્જા છે.

લોગઆઉટઃ

બધે જ તારા સીસીટીવી, 
છટકીને હું ક્યાં ક્યાં નાસું?

- હરદ્વાર ગોસ્વામી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો