શું છે સત્ય?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

શું છે સત્ય? 
જે દેખાય છે તે?
જેમ કે આકાશનું અનન્ય નીલાપણું,
મનમોહક વરસાદી હરિયાળી
કે પછી એ, જે દિવસરાત અનુભવાય છે?
જેમ કે વૃદ્ધાવસ્થા સાથે અનુભવાતી વિવશતા-અશક્તપણું

શું એ જ સત્ય છે, કે સત્ય એ પણ છે,
જે છે અગોચર ઇન્દ્રિયોની પહોંચની બહાર
જેમ કે અંતરીક્ષનું શૂન્ય
દુર્ગમ બોધ
પવનની લહેરખીમાં લહેરાતા અંકૂરના બીજમાં મુદ્રિત પરમ શક્તિ
અદૃશ્ય છતાં અટલ અને અનિવાર્ય
અને એ પણ, જે સતત ખેંચી જાય છે કાયાની મર્યાદાને ઓળંગીને 
જન્મ-મરણની સરહદના અસ્તિત્વની પેલે પાર
શું એ સત્ય નથી?

— નેમિચંદ્ર જૈન, અનુવાદઃ અજ્ઞાત

નેમિચંદ્ર હિન્દી ભાષાના કવિ. 1919માં આગ્રામાં જન્મ અને 2005માં નિધન. લખવાનું મોડું શરૂ કરેલું. તેમનો પ્રથમ સંગ્રહ 54 વર્ષની ઉંમરે પ્રકાશિત થયેલો. તેમની આ કવિતા સત્ય શું છે? તેને સમજવા પ્રયાસ કરે છે, અથવા તો એ પ્રશ્નને વધારે ઘાટો કરે છે.

સત્ય શું છે? દરેક વ્યક્તિનું સત્ય એક જ હોય કે અલગ અલગ? 

વાત શરૂ કરીએ એક નાનકડી કથાથી. ચાર અંધ વ્યક્તિઓ હતી. એક પ્રયોગ ખાતર ચારેયને હાથીના અલગ અલગ અંગોનો સ્પર્શ કરાવવામાં આવ્યો. આટલું કર્યા પછી ચારેય પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હાથી કેવો હોય? તેમાંથી એકે જવાબ આપ્યો કે હાથી થાંભલા જેવો હોય. બીજા માણસે કહ્યું હાથી સૂપડા જેવો હોય. ત્રીજો કહે, ના-ના હાથી તો દીવાલ જેવો હોય. ચોથો કહે તમારા બધાની વાત ખોટી, હાથી દોરડા જેવો હોય છે. 

હાથી વિશેનું સત્ય ચારેય માણસનું અલગ હતું. એનું કારણ એટલું જ કે જે અંધ વ્યક્તિ હાથીને થાંભલા જેવો કહેતી હતી તે હાથીના પગને અડી હતી. જેણે કાનને અડીને ચેક કર્યું હતું તેણે સૂપડા જેવો કહ્યો. જે માણસ પેટ પર હાથ ફેરવીને હાથીને સમજવા માગતો હતો તેણે દીવાલ જેવો કહ્યો અને જેણે પૂંછડું પકડીને નિરીક્ષણ કર્યું હતું તેણે હાથીને દોરડા જેવો કહ્યો. 

સાચું કોણ? આમાં ચારેય માણસો સાચા છે. તેમણે હાથીને જેવો અનુભવ્યો તેવો વ્યક્ત કર્યો. તેમની અનુભૂતિ ખોટી નહોતી. પણ એના લીધે શું હાથી સૂપડા, દોરડા, થાંભલા કે ભીંત જેવો થઈ જશે? હાથી તો હાથી જ રહેશે. 

એક આતંકવાદી છાતીએ બોમ્બ ટાંગીને મરી જાય છે, તેમાં તેને જીવનનું સત્ય દેખાય છે. અમુક ઉપદ્રવીઓ અમુક માણસના મનમાં એવું ખૂંખાર અને હિંસક સત્ય ભરે છે કે તે જેહાદ, આતંક અને મહાવિનાશનું રૂપ ધારણ કરે છે. ઘણા ધર્માંધ વ્યક્તિઓને પોતાનો ધર્મ જ સત્ય લાગે છે. બીજાનો ધર્મ અંધશ્રદ્ધા.

એક રીતે જોવા જઈએ તો સત્ય, અસત્ય, પાપ, પુણ્ય આ બધું જ આપણે આપણી માનવતાને વ્યાખ્યાયિત કરવા બનાવ્યા છે. આવું સાંભળીને તમે એમ કહેશો કે સૂર્ય પૂર્વમાં ઊગે છે એ વાત સનાતન સત્ય નથી? તો એ કહો સનાતન એટલે શું? સનાતન એટલે શાશ્વત બરોબર? જેનું અસ્તિત્વ હંમેશાં છે તેવું. તો સૂર્યના પૂર્વમાં ઊગવાનું સત્ય, સૂર્ય નહીં રહે ત્યારે નહીં હોય એ વાત પણ નક્કી. કેમ કે સૂર્ય પણ અમુક કરોડ વર્ષ પછી નાશ પામશે. તો શું ત્યારે સત્ય પણ નાશ પામશે? 

દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે - ‘લાગવું’ અને ‘ન લાગવું’. તમને અમુક સમયે જે લાગતું હતું, તે અમુક સમયે નહીં લાગે. આ રીતે સત્ય બદલાતું રહેશે. યાદ કરો, જ્યારે બાળક હતા, ત્યારે રમકડે રમવામાં જ જગતનું સત્ય દેખાતું. રમકડું તૂટવાથી દુનિયા લુંટાઈ ગયા જેવું લાગતું. એ જ ઘટના પંદર વર્ષના છોકરાને મૂર્ખામી લાગે છે, એનું સત્ય રમકડામાંથી નીકળીને ગિટાર કે બેટ-બોલમાં પરોવાઈ ગયું હોય છે. સોળથી બાવીસ-પચ્ચીસ વર્ષની વ્યક્તિને ગમતા પાત્રમાં જ જગતનાં તમામ સત્ય દેખાય છે. એને પામવામાં અચડણરૂપ બનતા રિવાજો, જ્ઞાતિ, પ્રદેશ બધું જ અસત્ય લાગે છે. અને જો ગમતા પાત્ર સાથે મેરેજ થાય તો ટૂંક સમયમાં ગમતા પાત્રમાં દેખાતું સત્ય નોકરી, સંસાર, રિવાજ (જેને એક સમયે પોતે ધિક્કારતો હતો)માં દેખાય છે. 

આપણી સ્થૂળ માન્યતા સત્યને સાબિત થવા ન થવા સાથે પણ જોડે છે. કોર્ટમાં કોઈ ગુનેગાર જજ સામે પોતાના સત્યની છબી એવી ઉપસાવે કે ગુનેગાર હોવા છતાં પણ નિર્દોષ સાબિત જાય. એક સમયે જર્મનીમાં હીટલર કહે તે જ વાત બધાને સાચી લાગતી. બીજા વિશ્વયુદ્ધના અંતે આખા જર્મનીને સમજાયું કે આપણે સત્ય સમજતા હતા એ કંઈક જુદું હતું. અને આવું માત્ર હીટલરના સમયમાં હતું, એવું નથી. સત્ય સ્થળ, કાળ, વાતાવરણ, પ્રદેશ, સ્થિતિ, જરૂરિયાત, સ્વભાવ અને સમજણ પ્રમાણે બદલાતું રહે છે. મારું સત્ય મારા જીવનમાં છે, તમારું તમારા. 

લોગ આઉટઃ

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો