જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.

સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.

વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ એવો પ્રેમનો પારસમણી આપો.

– સાકિન કેશવાણી

સાકીન કેશવાણી એટલે ‘ચાંદનીના નીર’ પર ‘આરોહણ’ કરનાર કવિ. મધ્યાહ્ને આથમી ગયેલો સૂર્ય. 1929માં જન્મીને 1971માં તો વિદાય લઈ લીધી. બેંતાળીસ વર્ષની ઉંમરે જગતને અલવિદા કરનાર આ કવિનું મૂળ નામ મહમ્મદ હુસેન કેશવાણી. આપણે ત્યાં નાની ઉંમરે મોટું કામ કરીને વિદાય લેનાર સર્જકોનું લિસ્ટ ઘણું લાંબું છે. કલાપી, રાવજી, મણિલાલ દેસાઈ જેવા અનેક સર્જકોને આ હરોળમાં મૂકી શકાય. શીતલ જોશી, સાહેબ, રમેશ પરમાર ખામોશ, પાર્થ પ્રજાપતિ જેવા અને સિતારાઓ પણ સાહિત્યના આકાશમાં પોતાનાથી બનતો પ્રકાશ આપી ગયા.

લોગઇનમાં આપેલી ગઝલમાં એક પ્રકારની માગણી છે, જે પ્રિયતમા અને ઈશ્વર, બંનેને સરખી રીતે લાગુ પડે છે. અર્થાત્ ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બંને કેડી પર કવિ ડગલું માંડે છે. ગુજરાતી ભાષાના જાણીતા કવિ હરીન્દ્ર દવેએ લખેલુ, “વિષ્ણુ અને નારદ વચ્ચે સંવાદ થાય અને નારદ જો વિષ્ણુને પૂછે કે પ્રભુ! આ મૃત્યુલોકના માનવીઓ તમારી પાસે ઘણું ઘણું માંગતા હોય છે પણ એમાં સૌથી સરસ માગણી કરતાં કોને આવડે છે? તો ભગવાને ઉત્તર આપ્યો હોત, દેવર્ષિ, માગણી કરતા તો બે જ માણસોને આવડે છે – કવિને અને પ્રેમીને.”

માણસ જ્યારે પ્રેમમાં હોય છે, ત્યારે તેનામાં એક જુદો ચમત્કાર થઈ રહ્યો હોય છે, ઘણી વાર એ ચમત્કારની પ્રેમીને પોતાને પણ ખબર નથી હોતી. અને એમાંય જો એ પ્રેમી કવિ હોય તો વાત ઓર બની જાય. જોકે કોઈ પણ માણસ પ્રેમમાં પડ્યા પછી થોડો ઘણો કવિ તો થઈ જ જતો હોય છે. પણ પ્રેમમાં પડ્યા પછી સાધારણ વ્યક્તિ અને કવિની અભિવ્યક્તિમાં શું ફેર હોય? આપણે એક દાખલો જોઈએ. ધારો કે પ્રેમિકા ખૂબ ધનવાન શેઠ કે નગરપતિની દીકરી છે, જ્યારે પ્રેમી રંક. કોઈ કાળે બંનેનું મિલન સંભવ નથી. આ જન્મમાં તેઓ એક થઈ શકે તેમ જ નથી. પ્રેમી તેની પ્રેમીકાને આ વાત જણાવવા માગે છે. સામાન્ય પ્રેમી હોય તો એટલું જ કહે, “તું મહેલની રહેવાવાળી, હું ઝૂંપડીનો માણસ, આપણો મેળ નહીં પડે. તું તારા રસ્તે હું મારા રસ્તે.” પણ જો એ પ્રેમી કવિ હોય તો કદાચ એમ કહે, “હું ગમે તેટલો મોટો કૂદકો મારું, તોય આકાશના ચાંદાને થોડો સ્પર્શી શકું? તું મારા કાંટાળા રસ્તા પર ચાલવા તારા મનને મનાવે તોય તારાં ચરણ તારી સુંવાળી કેડીનો સાદ અવગણી નહીં શકે.” આ તો એક નાનું ઉદાહરણ થયું, શક્ય છે કે આની કરતાં પણ વધારે સારી રીતે વ્યક્ત કરે. કવિની માગણી કે લાગણી બંને અભિવ્યક્તિમાં વિશેષતા હોવાની. કવિનું મૌન પણ અર્થસભર હોય છે, આદિલ મન્સૂરીએ લખ્યું છેને-

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને 'આદિલ',
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

શાકીન કેશવાણીએ પોતાની પ્રેમિકાના મુખદર્શનની વાત કરી છે. એ કહે છે મને તમારો આખો ચહેરો ના બતાવો તો કંઈ નહીં, પરદો રાખો. પણ પરદા પાછળથીયે થોડીઘણી ઝલક તો આપો. આ વાતને તે ચંદ્ર અને ચાંદની સાથે સરખાવે છે, કહે છે કે મને આખો ચંદ્ર ન આપશો, ફક્ત ચાંદની મારી પર રેલાવી દો. હું ચંદ્રને અનુભવી લઈશ. આ જ વાતને ઈશ્વરને પણ લાગુ પાડી શકાય. મરીઝ આનાથી કંઈક જુદું કહે છે. આપણે વારેવારે ઈશ્વર પાસે લાંબા આયુષ્યની દુવાઓ કરતા હોઈએ છીએ. ભગવાન મને લાંબુ જીવાડે એવી ઝંખના સેવતા હોઈએ છીએ. ત્યારે આ વાતને મરીઝે જે રીતે જોઈ છે એ અદભુત છે,

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

આપણે ત્યાં પગ કાપીને રસ્તો આપ્યો, આંખ ફોડીને ચશ્માં આપ્યાં, જેવા વિરોધાભાસ પણ ઘણી પંક્તિઓ મળી આવશે. શાકીન કેશવાણીએ આ ભાવના તીવ્ર રીતે રજૂ કરી છે. કહે છે, જો મારા હોઠ સીવી નાખવાના હોય તો પછી રહેવા દેજો, મને વાંસળી આપવાનો કોઈ અર્થ નથી. તેમની અન્ય ગઝલમાં પણ લાગણીપૂર્વક માગણી રજૂ થઈ છે, તેના બે શેર સાથે – કવિના જન્મદિવસે તેમને વંદન કરી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

જિંદગીમાં તું હજી કાંઈક વધારો કરજે,
દૂર નૌકાથી સમંદરનો કિનારો કરજે,
કોલ આપીને ગયા છે એ ફરી મળવાનો,
ઓ વિધિ! ભાગ્યમાં થોડોક સુધારો કરજે.

- ‘સાકિન’ કેશવાણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો