જિંદગી લે છે પરીક્ષા હર ક્ષણે

લોગઇન

જિંદગીભર જિંદગી લે છે પરીક્ષા હર ક્ષણે,
એમ બસ થાતી રહે મારી પ્રશિક્ષા હર ક્ષણે.

કેટલાં આયોજનો શમણાં સફળતા ને બધું,
એ રીતે કરતો રહું ખુદની સમીક્ષા હર ક્ષણે.

– અશોક જાની ‘આનંદ’

એસએસસી અને એચએચસીની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓને ઓશોએ કહેલી એક કથા કહેવી છે.

એકવાર એક રાજ્યનો વજીર મરી ગયો. રાજ્યનો નિયમ હતો, દેશના સૌથી બુદ્ધિશાળી માણસને વજીર બનાવવો. તેની માટે અનેક પ્રતિસ્પર્ધાઓ થઈ, અનેક લોકોએ ભાગ લીધો. બધી પરીક્ષાને અંતે ત્રણ વ્યક્તિઓ બચી. છેલ્લો નિર્ણય બાકી હતો. આખો દેશ ઉત્સુક હતો શું થશે. કાશ, પરીક્ષામાં જે પૂછવાનું છે તે ખબર પડી જાય તો કેટલું સારું, આવું ત્રણેને થવા લાગ્યું.

આજના વિદ્યાર્થીઓને પણ આવું થાય છે. છેલ્લી ઘડીએ આઈએમપી માટે દોડાદોડી કરે છે.

આ ત્રણેને પહેલેથી જ પ્રશ્ન આપી દેવામાં આવ્યો. ત્રણેને એક રૂમમાં પૂરી દેવાશે. એક ખાસ પ્રકારના કોડથી બનાવેલું તાળું મારવામાં આવશે, આ તાળું ખોલીને બહાર આવશે તે વજીર બનશે. ખબર પડતાની સાથે બે જણા તરત લાઇબ્રેરી પહોંચી ગયા. તાળાસંબંધી બધા ગ્રંથો ઉથલાવવા લાગ્યા, હિસાબો માંડતા માંડ્યા. એક અજીબ હતો, એ શાંતિથી ઊંઘી ગયો. પેલા બે સમજ્યા આ ગભરાઈ ગયો. તેને જગાડવાનો પ્રયત્ન કર્યો, તેણે કહ્યું, તમે તમારી તૈયારી કરો, મને મારી કરવા દો. તેમને લાગ્યું આને ડિપ્રેશન આવી ગયું છે.

સવારે ત્રણે તૈયાર થયા. બે જણના પગ ડગમગી રહ્યા હતા, આખી રાત જાગીને તૈયારી કરી હતી, ત્રીજો ગીત ગણગણતો હતો. બંનેએ ગુસ્સોમાં કહ્યું, આ ગીત ગાવાનો સમય છે? તેણે કહ્યું, તમે તમારી તૈયારી કરો, મને મારી કરવા દો.

ત્રણેને રૂમમાં બંધ કરવામાં આવ્યા. બારણે વિચિત્ર તાળું હતું. વિવિધ ચિહ્નો ચીતરવામાં આવ્યાં હતાં. રાજાએ કહ્યું, “આ તાળું ગણિતનો મોટો કોયડો છે. તેના પર અંક લખેલા છે, કોયડો ઉકેલશો તો તે ખૂલી જશે. જે કોયડો હલ કરીને પહેલા બહાર આવશે તે વજીર બનશે. આખી રાત તૈયારી કરી હતી તે બંનેએ પોતાના કપડામાં સંતાડેલાં પુસ્તકો કાઢ્યાં. આજકાલ વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં કાપલી લઈને સારા ટકે પાસ થવાની મહેચ્છા રાખે છે. બંને જણા તાળું ખોલવા કોયડો ઉકેલવા માંડ્યા. જેમ મથતા તેમ કોયડો વધારે ગૂંચવાતો. પેલો એક જણ આંખો બંધ કરીને બેસી રહ્યો. બંનેએ પૂછ્યું, તારે પુસ્તકો નથી જોવા? તેણે કહ્યું, તમે તમારી તૈયારી કરો, હું મારી કરું છું.

બંને પુસ્તકો ફેંદતા, હિસાબો માંડતા. ત્યાં ત્રીજો ઊભો થયો, દરવાજાને ધક્કો માર્યો અને બહાર નીકળી ગયો. દરવાજા પર કોઈ તાળું નહોતું. બંને હજી પુસ્તકોમાં ખૂંપ્યા હતા, રાજા જ્યારે પેલાને લઈને અંદર આવ્યા ત્યારે તેમની આંખો ખૂલી. તેમણે પૂછ્યું, “તું બહાર કેવી રીતે પહોંચ્યો?” રાજાએ કહ્યું, “અરે મૂર્ખાઓ, તમારે એ તો જોવું હતું કે તાળું માર્યું છે કે નહીં.”

પરીક્ષાનો કોઈ પણ પ્રશ્ન એટલો ગૂંચવાયેલો નથી હોતો, જેટલો આપણે સમજીએ છીએ. આપણી મૂંઝવણ પ્રશ્નને વધારે ભારેખમ બનાવે છે. મન શાંત હશે તો આપોઆપ ખબર પડશે કે આ પ્રશ્નનું તાળું તો ખુલ્લું જ છે, માત્ર જરા ધક્કો મારવાની જરૂર છે. આપણે ત્યાં દસમા અને બારમા ધોરણનો ભય છે. તેની પર ભવિષ્યનિર્માણનું તાળું લટકાવી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે દસમા ધોરણની ટકાવારીને આધારે ભવિષ્ય નક્કી થશે. બારમા ધોરણવાળાને કહેવામાં આવે છે બારમા ધોરણથી ખ્યાલ આવશે કે તમે આગળ કેવા પ્રકારનો અભ્યાસ કરી શકશો. કૉલેજવાળાને કહેવાય છે કે કૉલેજની ડિગ્રી સૌથી મહત્ત્વની છે, તેના પર તમારી ભવિષ્યની નોકરી, નામ, પ્રતિષ્ઠા ટકેલા છે. આ બધી ડિગ્રીઓ, પરીક્ષાઓ એક પ્રકારનાં તાળાં છે, અને આપણને એવું કહેવામાં આવે છે કે આ બહુ મોટો કોયડો છે, જો તમે ઉકેલી શકશો તો વજીર બની શકશો. આપણે ગંભીર વિદ્યાર્થી થઈને તાળું ઉકેલવામાં મંડી જઈએ છીએ. કોઈ ડૉક્ટર બનવાની આશા સાથે તાળું ખોલવા માગે છે, કોઈ એન્જિનિયર થવાની ચાવી શોધે છે, કોઈ વકીલ બનવાની. આપણને ઠસાવવામાં આવે છે કે કોયડો બહુ અટપટો છે, મોટું પદ એમનેમ ક્યાંથી મળે, તેની માટે ગાંડા થઈ જવા સુધી પુસ્તકોમાં ખૂંપવું પડે. આના લીધે ઘણા ગોખણપટ્ટીના માર્ગે ચડી જાય છે. બશીર બદ્રનો એક શેર છેને-

काग़ज़ मेंदबकेमरगएकीड़ेकिताबके
दीवाना बे-पढ़े-लिखेमशहूरहोगया

પુસ્તકના કીડા થવાની જરૂર નથી, બસ ભણતરની દિવાનગી જોઈએ. લોગઇનની કવિતાને જુઓ તો જિંદગીમાં હરક્ષણે પરીક્ષા છે. પણ તમે એમ સમજશો કે આ ખૂબ આકરો કોયડો છે, તેની માટે તમે વગરવિચાર્યે મહેનતે ચડી જશો તો એ ભૂલ ગણાશે. પહેલા શાંત ચિત્તે વિચારો, પ્રશ્નને સમજી લેશો તો જવાબ આપોઆપ મળી જશે. પરીક્ષા તો પોતાની સમીક્ષા કરવાની તક છે. એક ઝીલી લો અને પોતાને સાબિત કરો.

લોગઆઉટ

કરો પરીક્ષાની હોંશે ઉજાણી,
વાચેલાં સઘળાંનો કરજો ગુલાલ, તાણ થઈ જાય ધૂળ ને ધાણી.

મુંજારો આવે તો સીટી મારીને ગીતો ગાવા બે ચાર,
ચિંતાને હળવેથી હેઠી મુકો, માનો ના જલ્દીથી હાર,
રાખી ભરોસો ખુદમાં ને સાંભળો આપણા અંતરકેરી વાણી.
કરો પરીક્ષાની હોંશે ઉજાણી.

- કેતન જોષી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો