આપણી વાતો બધી અફવા ગણું?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઈનઃ

કોઈ દી વ્હેતી નથી, અફવા ગણું?
એ ખરેખર છે નદી, અફવા ગણું?

શું ખબર શું માણસોને રસ હશે,
આપણી વાતો બધી અફવા ગણું?

હાજરી તારી મને જોવા મળી,
જ્યાં નજર મારી પડી, અફવા ગણું?

દુઃખનું ઓસડ દહાડા હોય તો,
મેં વીતાવી છે સદી, અફવા ગણું?

હું નહોતો જાણતો મારા વિશે,
એ ખબર આજે પડી, અફવા ગણું?

હોય છે હરએક દિલમાં વેદના,
સાવ એ અફવા નથી, અફવા ગણું?

પ્રેમની વાતો નથી ગમતી ‘અગન’
લાવ હું થોડી ઘણી અફવા ગણું?

– અગન રાજ્યગુરુ

દુનિયામાં અફવા જેટલી ઝડપી ચીજ બીજી કોઈ નથી. એક માણસ આજે જીવે છે, કાલે મરી જાય છે અને પરમ દિવસે એ આપણને અફવા જેવો પણ લાગવા માંડે છે. એ હતો કે નહીં તે વિશે આપણે શંકાશીલ થઈ જઈએ છીએ. અફવા એક રીતે હકીકતના ગર્ભમાંથી જન્મ લેતી હોય છે. ક્યારેક હકીકત અફવા લાગતી હોય છે અને અફવા હકીકત. તમે પણ ઘણી વાર આવી વિમાસણમાં મુકાયા હશો. ઘણા લોકો તો જીવનને જ અફવા ગણતા હોય છે. કોઈ ગેબી તત્ત્વે ઉડાવેલી અફવા તો નથી ને આપણે? એવા પ્રશ્ન કરીને તેઓ ઊંડા મનોમંથનમાં રહેતા હોય છે. શેક્સપીઅરે અફવા વિશે સરસ વાત કરી છે, “અફવા એટલે ઈર્ષા, દ્વેષ, કલ્પના અને ધારણાની ફૂંકથી ફુલાવેલો ફુગ્ગો!” આપણી આસપાસ આવા કેટલા બધા ફુગ્ગા ઊડતા હોય છે! આપણે તેને આપણી પાસે રહેલી હકીકતરૂપી ટાંકણીથી ફોડવાના હોય છે. અગન રાજ્યગુરુએ ‘અફવા ગણું?’ એવો પ્રશ્ન કરતા રદીફ સાથે એક સરસ ગઝલ લખી છે. કવિની આસપાસ, મનમાં અને જીવનમાં બનતી ઘટનાઓને અફવા ગણવી કે ન ગણવી તેની અવઢવ આ ગઝલમાં છે.

એક નદી છે, પણ તે કદી વહેતી નથી. કવિને થાય છે કે એને અફવા ગણી દઉં. નદીનો ગુણધર્મ તો વહેવાનો છે, ખળખળવું તેનો સ્વભાવ છે. પણ એવું થતું નથી તો પછી એ નદી નદી નથી પણ અફવા છે. આપણી અંદર પણ ઘણી આવી નદીઓ વહેતી હોય છે. તમે માનતા હોવ છે કે ફલાણી વ્યક્તિનો પ્રેમ મારી અંદર ખળખળ વહ્યા કરે છે. તમે ક્યારેય ખાતરી નથી કરતા. તમે તો એવી જ ધારણામાં રહો છો કે જે પ્રેમની નદી ખળખળ વહ્યા કરે છે, તેના કિનારે હું જળમાં પગ બોળીને નિરાંતે બેઠો છું. પણ આવી નિરાંત ક્યારેક ભ્રામક સાબિત થાય છે, પછી થાય છે કે આ નદીને અફવા ગણી દઉં? સૌમ્ય જોશીનો એક અદ્ભુત શેર આ ક્ષણે યાદ આવે,

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું,
એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ.

કોઈ નદી તમારી બાજુમાંથી પસાર થઈ જાય અને તમે જીવનભર ભીના રહી જાવ એ અનુભવ કેટલો અદ્ભુત છે! પણ એ સાંભળવામાં જેટલો સુંદર લાગે છે તેટલો અનુભવવામાં ન પણ હોય. અનુભવતી વખતે તમને એ ફંટાઈ ગયેલી નદી અફવા પણ લાગી શકે. તમને પણ પછી અગન રાજ્યગુરુ જેવો પ્રશ્ન થઈ શકે કે નદી તો છે, પણ વહેતી નથી. તો એ નદીને હવે અફવા ગણી દઉં? શક્ય છે કે તમારી ભીનાશ પણ તમને અફવા લાગવા માંડે!

કવિ એક-બે પંક્તિમાં જ કેટકેટલા અર્થની બારી ઊઘાડી આપતો હોય છે! ભાવકને જે બારીમાંથી આનંદ લેવો હોય ત્યાંથી લઈ શકે છે. આ ગઝલના બાકીના શેરમાં તમે તમારા અર્થની બારી ઉઘાડો તો વધારે મજા આવશે.

અગન રાજ્યગુરુનું મૂળ નામ યજ્ઞેશ દવે છે, તેમની ગઝલોમાં પરંપરાનો પમરાટ અનુભવાય છે, તો ક્યાંક આધુનિકતાના અમિછાંટણા પણ જોવા મળે છે. ધારો કે એક બાજુ પરંપરાનો વિશાળ બગીચો છે અને બીજી તરફ આધુનિકતાની અનન્ય હરિયાળી. બંને વચ્ચેથી ફૂલોથી મઘમઘતી એક કેડી પસાર થાય છે. આ સડક પર બહુ ગણ્યાગાંઠ્યા લોકો પ્રવાસ કરી રહ્યા છે. તમે ધ્યાનથી જોશો તો તેમાં તમને અગન રાજ્યગુરુનો ચહેરો જોવા મળશે.

રડી પડવાની વાતને આ કવિએ કેટલી અલગ અલગ રીતે વ્યક્ત કરી છે, તે થોડા શેર દ્વારા માણીએ.
લોગઆઉટઃ

આંખોની ઓથ લઈને, દરિયા રડી પડ્યા હો,
એવું જ લાગે જાણે શમણાં રડી પડ્યા હો.

મોંઘી જણસ સમી છે એવી પળો કે જેમાં,
પોતે તમે જ હસતા હસતા રડી પડ્યા હો.

મીઠાં મધુર લાગે એનાં બધાંય આંસુ,
જે બોલતાં અચાનક વચમાં રડી પડ્યા હો.

કોઈ રૂમાલ એનાં લૂછી શકે ન આંસુ,
આંખોની જેમ જેનાં સપનાં રડી પડ્યાં હો.

એવી ઉદાસ આંખે જોયા કરું છું એને,
જાણે મને નિહાળી રસ્તા રડી પડ્યા હો.

સંભવ હતું કે ફૂલો ઝાકળની આડ લઈને,
વહેલી પરોઢ વખતે સઘળાં રડી પડ્યા હો.

– અગન રાજ્યગુરુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો