જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઇનઃ

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ? સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ગુજરાતીમાં એક દોહરો છે- “ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ-ગુણ-જ્ઞાન; ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.” તમે વ્યગ્ર હોવ ત્યારે સરખું વિચારી શકતા નથી. ચિંતા તમારા રૂપને ઝાંખું પાડી દે છે, માણસ જલદી ઘરડો બનાવી દે છે. ગુણને અવગુણમાં ફેરવી નાખે છે. જ્ઞાનનું સન્માન પણ ધૂળધાણી કરી શકે છે. ચિંતામાં રહેવું એ ચિતા પર રહેવા બરોબર છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટે ઘણી એવી બાબતો બતાવી છે, જેમાં ચિંતા ન થાય તો અસ્વાભાવિક ગણાય. આ કવિ ગુજરાતી અને ઉર્દૂ બંનેમાં કલમ ચલાવે છે. તેમની ગઝલમાં વ્યક્ત થતા મનોભાવો, વ્યથા અને વિડંબના દરેકને પોતાનાં લાગી શકે. સરળતા અને ગહનતા તેમની ગઝલની ખૂબી છે. ઉપરની ગઝલમાં પણ તમને એ જોવા મળશે.

ઘણા માણસો પુષ્કળ પીડામાં પણ આનંદ શોધી લેતા હોય છે, જ્યારે ઘણા સુખના ઢગલા પર બેસીને પણ ચિંતિત હોય એવું બને. કવિની આંખ પીડાને પહેલા જુએ. વિકી ત્રિવેદીએ એક શેરમાં સરસ કટાક્ષ કર્યો છે- “જ્યાં બસ ખુશીઓ જ દેખે છે સામાન્ય માણસો; ત્યાં પણ દુઃખો જ દેખશે, જો ત્યાં કવિ ગયો.” પણ હર્ષ બ્રહ્મભટ્ટે કરેલી ચિંતાની વાત જરા જુદી આંખે જોવા જેવી છે.

એ એમ કહે છે, આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે. વાંચનારને એક ઘડી એમ લાગી શકે કે ટાઇપમાં મિસ્ટેક તો નથીને? આમાં ક્યાં ચિંતા કરવાની જરૂર આવી? આંસુ ખૂટી જાય એ તો સારી વાત થઈ. દુઃખ જતાં રહ્યાં. હવે આનંદ છલકાશે. પણ અહીં જ ભૂલ થાય છે. બીજી પંક્તિ વાંચો- કવિ કહે છે આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. હવે, પહેલી પંક્તિ ફરીથી વાંચીને વાત સમજો. આંસુનું ખૂટવું એ તો સંવેદનાના તળાવનું સૂકાવા બરોબર છે.

આપણે ત્યાં વ્યાજસ્તુતી અલંકારનું ઉદાહરણ આપવામાં આવે છે કે, ‘ધન્ય તમારી બહાદુરીને, શેકેલો પાપડ ભાંગી નાખ્યો!’ આપણને હસવું આવે કે આમાં ક્યાં બહાદુરી આવી! કવિએ બીજા શેરમાં આ જ કસબ વાપર્યો છે. અમુક લોકો ભગવાન તમારું ભલું કરે, કહીને મનોમન હસતા હોય છે. ત્યારે આપણે સમજી જવાનું કે એ કેવું ભલું કરવાની વાત કરી રહ્યા છે! એમણે ઇચ્છેલું ભલું થાય તો તો આપણું આવી બને!

ઈશ્વર નરી આંખે જોઈ શકાતો નથી. એ નિરાકાર છે. તેને આકારમાં બાંધીને આપણે આપણી સંકુચિતતાનું પ્રદર્શન કરીએ છીએ. જોઈ શકાય તો ઈશ્વરનું ઈશ્વરપણું ન રહે. જલન માતરીનું આ જ મિજાજનું એક સુંદર મુક્તક છે-

“અહીં આઠે પ્રહર મુજ મનમહીં અટવાય છે ઈશ્વર,
સમજવાને મથું છું તોય ના સમજાય છે ઈશ્વર,
અગર દેખાય એ સૌને તો નીકળી જાય આંખોથી;
નથી દેખાતો એને કારણે પૂજાય છે ઈશ્વર.”

હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે એ નથી દેખાતો એટલે હેમખેમ છે, બાકી લોકો એટલા ફ્રસ્ટેડ છે જીવનથી, કે અમને આવી જિંદગી શા માટે આપી? દરેક પાસે ફરિયાદોનાં પોટલાં છે. અમુક તો એ હદે વ્યથિત છે કે ઈશ્વર મળે તો માથાકૂટ કર્યા વિના ન મેલે. લોકો એવી શ્રદ્ધા ધરાવતા હોય છે કે ભગવાન બધી ચિંતા દૂર કરી દેશે. ધાર્મિક સ્થાનોમાં અમથાં જ આટલાં બધાં લોકો ઊભરાતાં નહીં હોયને!

કાંઠા સુધી ભરેલા ઘડામાં વધારે ઉમેરાય તો એ બધું ઢોળાઈ જાય છે. પાત્રના માપ મુજબ ભરીએ તો તેમાં રેડેલું જળ વેડફાતું નથી. એકબીજાથી છલોછલ થયેલાં બે પાત્રો પણ પાણીના ઘડા જેવા હોઈ શકે. તેમાં વધારે જળ નાખવાનો અર્થ નથી. હીરો ઘસાય તો જ ચમકે. સંબંધમાં નાનામોટા ઘર્ષણો જ ન આવે તો સંબંધ પણ બરછટ રહે. જ્યારે સ્થિર થઈ જાય ત્યારે સમજવું કે કૃત્રિમતા આવી ગઈ છે. સતત સારું જ રહેવું અને ક્યારેક કોઈ ગૂંચ જ ન સર્જાય તો એ ચિંતા કરવા જેવું છે.

ચોમાસાની ઋતુ છે, ત્યારે ‘વરસવા’ બાબતે સહેજ નોખા પ્રકારની ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

એની આંખોથી જ્યારે પણ આદર વરસે,
એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે!

હોય નહીં આવી મીઠી ધારા વાદળની,
આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે!

મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી?
સગપણનાં ચોમાસાં ઉપર-ઉપર વરસે.

રાતોની રાતો તાકીને મેં જોયો છે,
ઘરની છતથી ઝીણોઝીણો જે ડર વરસે.

કોણ કરે ફરિયાદ તડપની, માફ કરી છે,
તરસાવી તરસાવીને પણ આખર વરસે.

તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે!

– હર્ષ બ્રહ્મભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો