ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે.

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઈનઃ

આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે, ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે.

તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું! જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે.

ફુર્કતની આગ દાબું તો ભસ્મ થાય હૈયું, ફર્યાદ કરું છું તો જિહવા અધર બળે છે.

મૃત છું હું તોયે જીવું, માશૂક અમૃત પાયે, વર્ના તમાશો જોશે કે કેમ નર બળે છે.

– અમૃત કેશવ નાયક

આજે ગુજરાતી ભાષાના સર્જક અમૃત કેશવ નાયકની પૂણ્યતિથિ છે. તેમણે 18 જુલાઈ 1907માં આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. 1877માં જન્મી 1907માં, 30 વર્ષની ઉંમરે તો જગતમાંથી વિદાય લઈ લીધેલી. પણ આ ત્રીસ વર્ષની ઉંમરમાં તેમણે રંગભૂમિ અને સાહિત્યમાં નોંધનીય કામ કરેલું. તેમની એક નવલકથાનું નામ જોવા જેવું છે, ‘એમ.એ. બનાકે ક્યૂં મેરી મિટ્ટી ખરાબ કી?’ આજે નવા પ્રકાશિત થતાં પુસ્તકમાં પણ આવું નામ જોવા મળે તો તરત ધ્યાન ખેંચાય, અને કંઈક નવું લાગે, જ્યારે આમણે તો આ નામ સો વર્ષ પહેલાં રાખેલું. એ તો વિશેષ નવાઈની વાત કહેવાય. તેઓ મૂળે પારસી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, ગીતકવિ તથા લેખક તરીકે જાણીતા થયા. ચાર ચોપડી સુધીનો અભ્યાસ કરેલો. 11 વર્ષની ઉંમરે આલ્ફ્રેડ નાટક કંપનીથી નટજીવનનો પ્રારંભ કર્યો અને પંદર વર્ષની ઉંમરે તો ‘અલાઉદ્દીન’ નામના નાટકનું દિગ્દર્શન પણ કર્યું. તેમની કવિતાઓ વાંચીએ તો તેમાં ઉર્દૂ શબ્દોની છાંટ જોવા મળે. તેનું એક કારણ એ કે તેઓ બે ચોપડી ઉર્દૂમાં ભણેલા. બીજું કારણ એ કે તે વખતના સમયમાં ગુજરાતી ગઝલમાં ઉર્દૂ હોય તો જ તે ગઝલ જેવું લાગે, તેવી માનસિકતા પણ ખરી. ગઝલ ઉર્દૂ-ફારસીમાંથી ઊતરી આવી છે, તેથી તેની ભાષાકીય છાંટ પણ શરૂઆતમાં ઊતરી આવે તે સ્વાભાવિક હતું. મણિલાલ નભુભાઈની આ પંક્તિ જ જુઓને-

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

પહેલી પંક્તિ શુદ્ધ ગુજરાતી છે. બીજી પંક્તિમાં કફા, ખંજર, સનમ, રહમ એકસાથે ચાર શબ્દો ઉર્દૂમાં છે, એક જ પંક્તિમાં! એ વખતના તમામ ગઝલકવિઓમાં ઉર્દૂની છાંટ ઘણે અંશે જોવા મળતી. અમૃત કેશવ નાયક પણ તેનાથી કઈ રીતે બાકાત રહી શકે? તેમની આ ગઝલમાં પણ આવી અસર જોવા મળે છે. તેમની આ ગઝલ ખૂબ જાણીતી છે. ભરપૂર ચોમાસામાં આકાશનું ઘર બળે તે કલ્પના જ કેટલી કવિતાસભર છે. તેમાં ભોરાભાર પીડા પણ છુપાઈ છે. ઊડતાં પંખીની પાંખો બળવી, ફરિયાદ કરવા જાય તો જીભ અને હોઠ બળવા... વગેરેમાં સરસ કાવ્યાત્મકતા દેખાય છે. તેમની કવિતામાં ખંજરની કાતિલતા પણ છે અને ચોમાસુ વરસાદની ઝડી પણ છે. તેમના સર્જનમાં અભિનય, કથા અને કવિતાનો સંગમ જોવા મળે છે.

તેમના નામે અમદાવાદ-મુંબઈ જેવા શહેરોમાં રોડ બંધાયેલા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે અમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં દુર્ગામાતાની પોળ પાસેથી નીકળતા માર્ગને ‘અમૃત કેશવ નાયક માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. ટૂંકમાં, આપણે સર્જકના રસ્તે ચાલવાનું હોય છે. તેમની જ એક અન્ય ગઝલથી લોગઆઉટ કરી આ સર્જકની પૂણ્યતિથિએ તેમને સ્મરી લઈએ.

લોગઆઉટઃ

કદી તલવારની ધમકી, કદી કર માંહી ખંજર છે,
ગઝલમાં જીવ આશકનો ડગે, ડગ દિલમહીં ડર છે.

ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જીંદગી ભયમાં,
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે.

ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે,
પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે.

જીગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે,
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે.

તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે,
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે.

હૃદય ચાહે સદા જેને દયા આવે નહીં તેને,
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે.

નહીં ભૂલું અમૂલું મુખ કદી ડૂલું થયું તો શું,
કપાઈ સર સરાસર બોલશે બસ, તું જ સરવર છે.

ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો,
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.

ન કર અમૃત શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ,
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે.

– ‘અમૃત’ કેશવ નાયક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો