મૃત્યુ એવી પ્રક્રિયા છે, જે જન્મ સાથે જ શરૂ થઈ જાય છે!


લોગઇનઃ
સૃષ્ટિને જોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી,
ને સતત રોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી!
રોજ નીકળું છું ઘરેથી, રોજ પાછો આવું છું,
રોજ મોં ધોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી.
મારો છેડો આવશે કઈ તારીખે કોને ખબર,
જિંદગી ખોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી.
મારા જીવનમાં નથી ચમકારો વીજળીનો છતાં,
મોતીઓ પ્રોયા કરું છું ઓગણીસો ત્યાંસીથી.
આપને શીખવા મળી વ્યવહારની સાચી અદબ,
હું તો બસ યો-યા કરું છું ઓગણીસો ત્યાંસીથી.

મેહુલ પટેલ ઈશ
જીવનનાં બે દ્વાર છે, જન્મ અને મૃત્યુ. જન્મ નામના બારણાંમાંથી માણસ જગતમાં પધારે છે અને મૃત્યુના દ્વારેથી પાછો ફરે છે. મૃત્યુ એક એવી પ્રક્રિયા છે, જે જન્મની સાથે જ શરૂ થઈ જાય છે. ઈશ્વરમાં માનતો કે ન માનતો માણસ પણ મૃત્યુમાં તો માને જ છે. તેના વિના છૂટકો નથી. કાર્લ ડગ્લાસ નામના અંગ્રેજી લેખકનું એક સુંદર વાક્ય છે, જીવનને હળવાશથી લેવું, આમેય તમે એમાંથી જીવતા બહાર નીકળવાના નથી. પણ આપણે જિંદગીને હળવાશથી લેવાનું ચૂકી જઈએ છીએ. આપણે ચિંતનપુરુષ બનવું જોઈએ, એના બદલે ચિંતાપુરુષ બની જઈએ છીએ.
ઉપરની ગઝલમાં કવિએ રદીફ જન્મની રાખી છે, પણ વાત મૃત્યુની કરી છે. જન્મવર્ષને રદીફ તરીકે રાખીને નહીં કહીને પણ ઘણું કહી દીધું છે. ઓગણીસો ત્યાંસી તો માત્ર પ્રતીક છે, ત્યાં દરેક વ્યક્તિ પોતાની જન્મતારીખ ધારી શકે છે. જન્મીને માણસ શું કરે છે, સૃષ્ટિને નીરખ્યા કરે કરે છે, તેને અનુભવે છે, શીખે છે. બીજું શું કરે છે? તો કહે, બસ જીવનનાં રોદણાં રોયા કરે છે. માણસ પાસે ફરિયાદો સિવાય છે શું? તમે જન્મ્યા ત્યારથી આજની તારીખ સુધી તમે શું કર્યું? એનો જવાબ કદાચ આ ગઝલમાંથી તમને મળી જાય તો નવાઈ નહીં.
માણસની જિંદગી ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધીમાં પતી જાય છે. બેફામ સાહેબે અદ્ભુત લખ્યો છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.માણસનો ખરો પ્રવાસ તો ઘરથી કબર સુધી જ હોય છેને? એટલામાં પણ હાંફી જવાય છે. રોજ પોતાના રહેઠાણથી નીકળવાનું અને પાછા ફરવાનું. આ જ જાણે કે પરિક્રમા છે. આ પ્રવાસમાં સમયના જળથી રોજેરોજ મોઢું ધોયા કરવાનું છે. ક્યારે મૃત્યુની બેલ વાગશે, દરવાજો ખૂલશે અને એક અજાણ્યા ઘરમાં પ્રવેશ થશે તે કહેવાય નહીં. ચીનમાં એક કહેવત છે, મૃત્યુ એટલે એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું. આપણે ઓરડો ક્યારે બદલવાનો છે, એની કોઈને ખબર નથી હોતી, પણ એક વાત નક્કી છે કે જિંદગી દરરોજ ઓછી કરતા જવાનું છે. આપણે ઉંમરના વર્ષ વધારતાં જઈએ છીએ અને આયુષ્યનાં ઘટાડતાં જઈએ છીએ. જ્યારે આપણે મોટાં થઈએ છીએ, ત્યારે ખરેખર તો નાનાં થતાં હોય છે. એટલી આપણી જિંદગી ટૂંકાતી હોય છે.
ગંગાસતીએ વીજળીના ચમકારે મોતીડાં પરોવવાની વાત કરી હતી. પણ દરેકના નસીબમાં એવી વીજળીના ચમકારા ન પણ હોય. ઘોર અંધારે પણ મોતીડાં પરોવવા પડે. એનું નામ જ તો જિંદગી છે. બધાનાં જીવન સરખાં હોય તો એનો અર્થ શું? મેહુલ પટેલ આ વાત સારી રીતે જાણે છે, એટલે જ કહે છે મારા જીવનમાં વીજળીનો ચમકારો નથી, પણ મોતીઓ પ્રોયા કરું છું. એક વ્યક્તિ વ્યવહારુ હોય તો બીજી ન પણ હોય. છતાં આપણે જીવવાનું બંધ નથી કરી દેતા.
જન્મ્યા ત્યારથી આજ સુધી તમે શું કર્યું તેની પર આછી નજર કરજો. તમને આ કવિતામાં છુપાયેલાં ઘણાં રહસ્યો પામવા મળશે. છેલ્લે જે વર્ષ લખ્યું છે, તેની જગ્યાએ તમારી જન્મતારીખ લગાડીને પણ આ ગઝલને ફરી વાંચી જોજો. શક્ય છે તમારી અંદર કંઈક નવું સ્ફૂરી જાય. કવિતા આમ પણ માંહ્યલાને ખંગાળવાનું કામ કરતી હોય છે. રોજના દોઢ કે બબ્બે જીબી ફ્રી ઇન્ટરનેટના સમયમાં અંતરનેટની ડાળી પર મીઠો ટહુકો કરે એવી એકાદ કવિતા વાંચવા મળી જાય તો માંહ્યલો રાજીરાજી થઈ જાય. જીવનને કશુંક નવું તથ્ય પામવા મળે...  આ કવિતા અંતરને ખંગાળે એવી છે. મેહુલ પટેલની કવિતામાં કલ્પના, પ્રતીકો અને તેની રજૂઆત નવીનતા ઊડીને આંખે વળગે તેવી છે. સરળતા તેનો પ્રાણ છે. ચીવટતાથી કરાતી શબ્દગોઠવણી પણ ધ્યાન ખેંચે છે. નવા કવિઓમાં આવું કૌવત જોવા મળે તે ગુજરાતી કવિતા માટે સારી નિશાની છે.
Top of Formલોગઆઉટ
નાનકડી એક જગામાં પક્ષી મરી ગયું,
રીબાઈ પાંજરામાં પક્ષી મરી ગયું!
ઘરમાં રહ્યું સુશોભન માટેની ચીજ થઇ,
માણસની સરભરામાં પક્ષી મરી ગયું.
બેઠું હતું મજાથી આંબાની ડાળ પર,
આવ્યું જ્યાં બંગલામાં પક્ષી મરી ગયું.
કેવી હતાશા સાથે ઉગી સવાર આજ–
ભાણીએ કીધું મામા પક્ષી મરી ગયું.
પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું,
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું.
નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા,
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું.
મેહુલ પટેલ ‘ઈશ’
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો