હું કવિ છું, જે છે તે કેવળ મારી આંખમાં!



લોગઇનઃ
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.
સિતાંશુ યશશ્ચંદ્ર
ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રનું નામ જુદું તરી આવે છે. તેમના નામે આખો યુગ ગણાય છે. આજે તેમનો જન્મ દિવસ છે. ત્યારે તેમની ઉપરોક્ત કવિતા વિશે થોડી વાત કરીએ.

આ કવિતા દ્વારા કવિએ સર્જનપ્રક્રિયાની વાત કરી છે. કવિ જ્યારે ભાષાના દરિયામાં ડૂબકી લગાવે છે ત્યારે તેના તળિયેથી રત્નરૂપી મોતી લઈને નથી આવતા. કવિતાનું મોતી લઈને આવે છે. આપણી પ્રાચીન કથામાં દેવો-દાનવો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું તે કથા આપણે બધા જાણીએ છીએ. કવિ એ જ કથાનો આધાર લઈને વાત કરે છે. તે કહે છે, મેં દેવો-દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાનો સમુદ્ર જોયો છે. વાસ્તવિક રીતે જોઈએ તો આવું થઈ ન શકે, પણ કવિ કલ્પનાની પાંખે ત્યાં જઈ શકે. વળી કવિ તો ભાષાના સમુદ્રની વાત કરે છે. દેવો-દાનવો અર્થાત સારા નરસા - અર્થસભર કે અર્થવીહિન શબ્દોથી આપણે બધું સરળ કરી નાખ્યું છે. ભાષાના દરિયાને વલોવીને આપણે અનેક શબ્દો શોધી કાઢ્યા અને જે તે વસ્તુને અનુરૂપ તેની પર ફિટ કરી દીધા છે. પણ આ કવિએ ભાષાના સમુદ્રને વલોવાઈને સરળ થઈ ગયા પહેલા જોયો છે. આમ પણ શબ્દના છેક તળિયે મૌન પડેલું હોય છે.

કવિતાને પામવા માટે ભાષામાં ઊંડા ઊતરવું પડે છે. જેણે કાંઠે છબછબિયાં કરવા છે તેમની વાત જુદી છે. તળિયે પહોંચ્યા વિના કાંઠેથી મોતી શોધનારો માત્ર છીપ-શંખલાં મેળવીને જ સંતોષ માનતો હોય છે. પણ આ કવિ તો ભાષાના દરિયાના તળિયે જઈને ત્યાં વડવાનલના પ્રકાશને માણે છે. વડવાનલ અર્થાત સમુદ્રના તળિયે ઢબુરાયેલો અગ્નિ. દરિયાના તળે રહેલ અગ્નિના પ્રકાશમાં પાણી નિહાળનાર વ્યક્તિ આગ અને પાણીને કઈ રીતે અલગ પાડી શકે? કવિતા માટે દાઝવું અને ભીંજાવું બંને જરૂરી છે. જે માણસ દાઝ્યો નથી, તેની કલમમાં ઊષ્મા ક્યાંથી હોવાની? વળી જે ક્યારેય ભીંજાયો જ નથી તેના શબ્દમાં ભીનાશ મળવાની આશા વ્યર્થ છે! કવિતા માટે બંને જરૂરી છે. માત્ર કવિતા માટે જ નહીં, કોઈ પણ સર્જનપ્રક્રિયામાં તે જરૂરી છે. એ રીતે જોઈએ તો ભીંજાવું અને દાઝવું બંને એક જ છે.

કવિ ભાષાના દરિયાતળે જઈને, વડવાનલમાં અગ્ની અને પાણીનો સંગમ જોઈને, આગ અને ભીનાશનું એકત્વ માણીને બહાર આવે છે. ત્યારે તે કહે છે કે- હું બહાર આવું ત્યારે તમે મારી પાસે મોતીની આશા ન રાખતા. મારા હાથમાં મોતીના મૂઠા નહીં હોય. હું મરજીવો નથી. હું તો કવિ છું. જે કંઈ છે તે મારી આંખમાં છે. આંખમાં એટલા માટે, કેમકે કવિ જે જુએ છે તેનું દર્શન અને દૃષ્ટિકોણ જગત સામે રજૂ કરે છે. કવિની આંખ સામાન્ય વ્યક્તિને દેખાતી વસ્તુને જુદી રીતે જુએ છે. સામાન્ય માણસ પરોઢે પાંદડી પર બાઝેલાં ઝાકળનાં ટીપાં જુએ, ત્યારે કવિ એ જ ટીંપાને ઈશ્વરનાં આંસુ તરીકે જુએ તો નવા નહીં!

વળી આ કવિ તો વાસ્તવથી પણ આગળ પરાવાસ્તવની વાત કરનાર શબ્દનો બંદો છે. તેમણે ગુજરાતી કવિતામાં સરરિયલ કવિતાના વિશિષ્ટ પ્રયોગો કર્યા છે. ઘણાને સરરિયલ શબ્દ સમજવામાં તકલીફ પડે એવું બને. સરરિયલ’માં મુખ્ય શબ્દ ‘રિયલ’ છે. રિયલ એટલે વાસ્તવિક, ખરેખરું, જેવું હોય તેવું. કો પણ શબ્દની આગળ  ‘સર‘ ઉપસર્ગ લાગે એનો અર્થ થાય તે પછીનું, વધારાનું, વિશેષ. આપણી બોલચાલની ભાષામાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમકે સરનેમ. સરનેમ એટલે નામથી કંઈક વિશેષ. એ જ રીતે સરરિયલ એટલે રિયલથી વિશેષ. વાસ્તવિકથી કંક વધારે. અતિવાસ્તવ અથવા તો પરાવાસ્તવ. સિતાંશુના આવા પ્રયોગોવાળી કવિતાને ઘણા ભાવકોએ દુર્બોધતાનું લેબલ લગાડીને વખોડી કાઢી છે. પણ જટાયુ, વખારથી લઈને અનેક ઉત્તમ કવિતાઓ તેમણે આપી છે એ ન ભૂલવું જોઈએ. ભારતીય સાહિત્યનો મોટો પુરસ્કાર સરસ્વતી સન્માન, પદ્મશ્રી, દિલ્હી સાહિત્ય અકાદમી જેવા અનેક સન્માનોથી તેઓ પુરસ્કૃત છે. માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં, સમગ્ર ભારતમાં તેમની કવિતા જુદી કેડી કંડારે છે.

મૃત્યુ એક સરરિયલ અનુભવ નામની કવિતામાં તેમણે સરરિયલનો પ્રયોગ સારી રીતે કર્યો છે, તેનાથી લોગઆઉટ કરીએ.

Top of Formલોગઆઉટ
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડધડ ધડધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.
~ સિતાંશુ યશશ્ચંદ્ર

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

1 ટિપ્પણી: