પાણીને લાગી તરસ તો શ્હેર આખું પી ગયાં!


લોગઇનઃ

દોડતાં આવ્યાં અને પળમાં જ ડૂબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શ્હેર આખું પી ગયાં!

સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયાં.

આમ જોકે મૃત્યુથી તો સ્હેજ પણ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયા.

પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

દોસ્ત, ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયાં.

આ તબાહી ભૂલવી સ્હેલી નથી પણ તે છતાં,
તે છતાં સદભાગ્ય છે કે બસ અમે જીવી ગયાં.

કિરણસિંહ ચૌહાણ

કાવ્યલેખન કપરું કામ છે, તેમાં ય લાંબા સમય સુધી સાતત્ય જાળવીને લખવું તો એનાથી ય કપરું છે. ઘણા સર્જકો અમુક ગાળામાં ઉત્તમ કાવ્યો લખતાં હોય છે, પણ સમય જતાં તેમની કલમ વસૂકી જતી હોય છે. અથવા પછીના સર્જનમાં પહેલા જેવો કસ નથી રહેતો. પણ કિરણસિંહ ચૌહાણ એવો સર્જક છે, જે વર્ષોથી સાતત્યતા જાળવીને લખે છે. ચોમાસાની ઋતુ છે. વરસાદ ગુજરાત પર ખાંગો થયો છે. બરોડામાં વરસાદે જે માઝા મૂકી તેની પર હજી કોઈ કવિએ કવિતા નથી લખી. પણ સુરતમાં 2006માં થયેલી પૂરહોનારતે જે તારાજી સર્જેલી, તેના પર કિરણસિંહ ચૌહાણે અદભુત ગઝલ લખી છે. આ ગઝલ બરોડાની મનોવ્યથાને પણ આલેખે છે. લખાઈ છે સુરતની પૂર-તારાજીને ધ્યાનમાં રાખીને, પરંતુ કોઈ પણ પૂરપીડિત શહેરની વ્યથાને આ ગઝલ ભારોભર રજૂ કરે છે. અહીં કવિએ પોતે અનુભવેલી વ્યથાનો દસ્તાવેજ છે. આમ પણ કવિ પીડાનું કલામાં રૂપાંતર કરતો હોય છે.

માણસ પાણી પીએ છે, પણ પાણીને તરસ લાગે ત્યારે તે ગામ કે શ્હેર આખું પી જાય છે. સૂરતમાં પૂર આવ્યું ત્યારે કવિને કંઈક આવું અનુભવાતું લાગ્યું. ધસમસતું પૂર આવે ત્યારે પળમાં હતું ન હતું થઈ જાય છે. નગરમાં પાણી ઘૂસ્યાં ત્યારે ઘણાને ખબર નહીં હોય કે આ પાણી શું શું તાણી જવાનાં છે. જે ઘરમાં લાખો સપનાં સેવ્યાં હોય તે આંખ સામે તારાજ થવું નાનીસૂની વાત નથી. લોકો દિવસો સુધી ધાબા પર જીવ્યા. ચોતરફ પાણી હતું, છતાં પીવાના પાણી માટે ટળવળતાં હતાં. સપનાં આંખનું સરનામું ભૂલી ગયાં હતાં. ઊંઘ હરામ થઈ ગઈ હતી.

આવા સમયે માણસને મૃત્યુ આંખ સામે દેખાય. મૃત્યુની બીક કરતા સ્વજનોની પીડાનું દુઃખ વિશેષ હોય છે. એટલે જ કવિ કહે છે મને મૃત્યુની બીક નહોતી, પણ દીકરી ભૂખી થઈ હતી અને મારી પાસે અન્નનો દાણો સુધ્ધાં નહોતો, એને લીધે હું ખૂબ ડરી ગયો. સંતાનથી વિશેષ માતાપિતા માટે શું હોઈ શકે? અને સંતાન માટે માબાપ શું નથી કરતા? મૃત્યુ સામે બાથ ભીડી લઈએ, પણ બટકુંક રોટલો ક્યાંથી લાવવો આ પૂરતારાજીમાં?

નદી જાણે શહેરમાં ફરવા આવી હતી. કવિને ચિંતા થઈ કે એક તો શ્હેરમાં આટલું પાણી ભરાયું છે, અમે રડીશું તો એમાં વધારો થશે. તેથી આવેલાં આંસુને પણ આંખમાં જ રોકી રાખવા પડ્યાં. આનાથી વધુ વ્યથા બીજી કઈ હોઈ શકે? પૂરમાં માત્ર ઘરવઘરી નહોતી તણાઈ, તેની સાથે કેટલીય યાદો જોડાયેલી હતી, સ્મરણો વણાયેલાં હતાં, એ બધું તણાઈ ગયું. કોઈ વસ્તુ માત્ર વસ્તુ નથી હોતી, તેની સાથે આપણી લાગણી પણ ગૂંથાયેલી હોય છે. પૂરમાં તણાતી વસ્તુ સાથે આપણી યાદો પણ તણાતી હોય છે.

અંતે કવિ કહે છે કે આ તારાજી જીવનભર ભુલાય એવી નથી, પણ એક આશ્વાસન છે. આટલી તારાજી પછી હું જીવંત રહ્યો છું. એ મારું સદભાગ્ય છે. હિન્દીમાં કહેવત છે, જાન બચી તો લાખો પાયે. જીવતા રહીશું તો ફરીથી બધું ઊભું કરીશું. બરોડામાં થયેલી પૂરતારાજીમાં લોકો ઘરમાં હતા અને મગર રસ્તામાં વિહરતા હતા. નદીએ પોતાના પ્રતિનિધિઓને જાણે નગરદર્શન કરવા મોકલ્યા હતા! પણ બરોડા સયાજીરાવની મહેનત અને ખંતનું શહેર છે. વર્ષો પહેલાં મોરબીમાં થયેલી હોનારત આજે પણ લોકો ભૂલી શક્યાં નથી. મચ્છુ નદીએ વેરેલો વિનાશ હજી પણ યાદ આવે તો તેમાં જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા તેમના હૈયા કકળી ઊઠે છે. માણસોએ આવી અનેક આપત્તીઓ જોઈ છે, તેનો સામનો કર્યો છે, ફરી બેઠા થયા છે. આ જ જીવનચક્ર છે.

2006માં સુરતે જે હાલાકી ભોગવી તે આજેય ભૂલાય એવી નથી. જોકે સુરતની ધરતીમાં ગજબની ખુમારી છે. તેમનું વ્યક્તિત્વ પાણીદાર છે. સુરતની માત્ર ઘારી જ નહીં, ખુમારી પણ વખણાય છે. પાણીને પાણી બતાવનાર આ પ્રજાની ખુમારીથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

સંઘર્ષ કેવો હોય છે જાણી બતાવશું,
ઝરણું કહે પહાડને તાણી બતાવશું.
ડૂબી જવાની પળને ડૂબાડીશું આપણે,
પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું.
~ કિરણસિંહ ચૌહાણ

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો