ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ



લોગઇનઃ

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ,
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

સગપણના સૂતરથી સમણાંઓ ટાંક્યાં
પણ આભલામાં ઝબકારો નૈ,
કાપડે ભરી ભાત ભારે સોહામણી
પણ મોરલામાં ટહુકારો નૈ
સખદખના ટેરવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં
ચાકળાને ચંદરવા જોતી,
ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા
હું આણાં અભાગિયાંને રોતી
વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

ભરત ખેની

જીવતરિયું ગૂંથવા મથતી આ કવિતા પહેલી નજરે જ ગમી જાય તેવી છે, સાથે સાથે તેમાં ઝિલાયેલું સંવેદન પણ વાંચનારના હૃદયને સંવેદનશીલ બનાવી દે છે. લોકગીતના લયમાં લીન થયેલું આ ગીત આપણને એના લયમાં જ નહીં, તેની વયમાં પણ ખેંચી જાય છે. કાવ્યનાયિકા જીવતર ગૂંથવા મથી રહી છે... તેનો ઉપાડ તો જુઓ, ટેભો ગુંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નહીં... હકીકતમાં તો એક સ્ત્રી ટેભા દ્વારા જીવનતરને જ સાંધતી હોય છે. કેટલાય એવા ટેભા વણસાંધ્યા રહી જાય છે. મૃત્યુના ઊંબરે પહોંચીને જ્યારે જીવનના વસ્ત્રની મૂલવણી કરીએ ત્યારે ખબર પડે કે ઓહોહો આટઆટલું સાંધ્યા પછી, વસ્ત્ર તો હજી સાંધ્યા વિનાનું જ રહી ગયું છે. આ કવિતામાં જીવતરને ગૂંથવા મથતી એક સ્ત્રીની વાત હૃદયને સ્પર્શી જાય એ રીતે આલેખાઈ છે.

આ સ્ત્રી સગપણના સૂતરથી પોતાના જીવતરમાં આભલાઓ ટાંગવા મથી રહી છે. તેણે આભલું ટાંક્યું ય ખરું, પણ કરૂણતા એ છે કે આભલામાં ચમક નથી. વળી તે કાપડામાં સુંદર ભાત ઉપસાવે છે. ભાતમાં મોર ટાંકે છે. પણ આ મોર ટહુકતો નથી. કોઈને વળી થાય કે કાપડામાં ભરેલો મોર ક્યાંથી ટહુકે? ગુજરાતીમાં એક લોકગીત પણ છે કે- મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે? આપણે ત્યાં આ પંક્તિને જુદી રીતે લેવાઈ છે. ઘણા એમ કહે છે કે મોર ટોડલે બેઠો છે, તોય પ્રશ્ન કરે છે, ક્યાં બોલે? પણ અહીં ક્યાં બોલે એવો અર્થ નથી, તેમાંથી સરતો અર્થ તો એવો છે કે ટોડલા પર બેસતો મોર બોલતો નથી. એ જ પ્રશ્ન અહીં પણ છે. ભરતમાં ભરાયેલો મોર ટહુકતો નથી. કાપડામાં ભરેલો મોરમાં જ્યાંરે હૃદય નિચોવીને લાગણી ભરેલી હોય છે, ત્યારે આપોઆપ તેની સંવેદના ટહુકી ઊઠતી હોય છે. અને આ મોર કદાચ એટલા માટે નથી ટહુકતો કેમકે જીવતરિયું પૂરેપૂરું ગૂંથી શકાયું નથી. જીવતર ગૂંથવા માગતી આ સ્ત્રી પાસે એના ટેરવાંઓ હિસાબ માગે છે કે જીવતર ગૂંથાયું કે નહીં? તેના જવાબમાં તેની પાસે લોહીઝાણ ઝૂરવા સિવાય કશું જ નથી.

એ નિરાશ થઈને ઝાંખા અજવાળામાં ઘરના ચાકળા અને ચંદરવાને જોયા કરે છે. અંતરને ઓરતા સાવ બૂઝુંબૂઝું થતા દીવા જેમ ફફડી રહ્યાં છે. ઝમરખિયા દીવાનો ઉપયોગ પણ બહુ સારી રીતે કર્યો છે કવિએ. અહીં પંક્તિ છે, ‘ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા હું આણા અભાગિયાને રોતી.’ એને બે રીતે લઈ શકાય એમ છે, એક તો આ કાવ્યનાયિકા આણાની વાટ જુએ છે, કે આણું થાય તો પિયના ઘરે જઈ શકાય, અને જીવતરની ગૂંથણી પૂરી થાય. ત્યાં સુધી ગમે તેટલા ટેભા લેવાય, પણ જીવતર ગૂંથવાનું નથી. બીજી વાત એમ છે કે કાવ્યનાયિકા જીવતરના એક મુકામ પર બેસીને જોઈ રહી છે કે આટઆટલાં વર્ષો વીત્યાં પછી પણ જીવનને ગૂંથવાના અંતરના જે ઓરતા હતાં એ તો સાવ અધૂરાં જ રહ્યાં છે. જીવતર તો ગૂંથાયું જ નથી. સગપણના સૂતરથી સમણાં ટાંક્યાં, કાપડે મોર ટાંક્યા, પણ મોરનો ટહુકો તો મૂંગો જ રહ્યો. બંને અર્થમાં સ્ત્રીની સંવેદના અહીં ભારોભાર ઝીલાઈ છે. જીવનની ગૂંથણીના પ્રયત્નોમાં વરણાગી સપનાની એક લાંબી વણઝાર આંખ આંખમાં થઈ ગઈ છે. આ વણઝાર કણાની જેમ ખૂંટી રહી છે. એક સમયે જે સપનાં સુખની આશાએ સેવ્યાં હોય, એ જ સપનાં પૂરાં ન થતા સમય આવ્યે દુઃખનું કારણ બની જાય છે.

પ્રત્યેક સ્ત્રી સંવેદનની કોઈ અજાણી સોયથી પોતાના જીવતરને ગૂંથવા મથતી હોય છે. તે ઇચ્છે છે તેની લાગણીના મોર ટહુકી ઊઠે. પણ મોટેભાગે સ્ત્રીના ભાગ્યમાં તૂટેલા રહીને જીવનભર સાંધ્યા કરવાનું જ લખાયું છે. ભરત ખેનીએ સ્ત્રીના મનોભાવને બહુ સારી રીતે વ્યક્ત કર્યા છે.
જાણીતા કવિ અનિલ જોષીએ પણ પોતાની કલમથી ગુજરાતી ભાષાના કમખામાં કવિતારૂપી મોર ભર્યો છે. તેમની આવી જ એક રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો.

પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહ્યો
હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહ્યો.

બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહ્યો.
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહ્યો.

અનિલ જોશી

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

1 ટિપ્પણી: