લોગ ઇનઃ
આંખને ઓપન કર,
નજરના મેનુમાં જા,
ઇચ્છા સિલેક્ટ કરી,
સ્પર્શને ડાઉનલોડ કર
વિશ્વાસનું એન્ટી-વાઇરસ ઇન્સ્ટોલ થવા દે,
ડાયરેક્ટ કોઈના હૃદય પર ક્લિક કરે
તો માણસ હેંગ જ થઈ જાય ને!!
- ભાવેશ ભટ્ટ
અત્યારનો સમય ઇન્ટરનેટની કવિતાનો છે. ફેસબુક, વોટ્સઅપ જેવાં માધ્યમો દ્વારા સતત કવિતાઓના મારા ઝીંકાતા રહે છે. માત્ર કવિતા જ નહીં, વાર્તા અને નવલકથાનાં પ્રકરણો સુધ્ધાં આ નહેરમાંથી વહેતાં વહેતાં આવે છે. મધ્યકાલીન સમયમાં ધીરાભગત નામે એક કવિ થઈ ગયા. વડોદરા પાસેનું ગોઠડા નામનું ગામ તેમનું વતન. તેમના નામે એક લોકવાયકા છે કે તે પોતાનાં કાવ્યો લખીને પછી તેને વાંસની એક ભૂંગળીમાં ભરાવીને મહિસાગર નદીમાં તરતી મૂકી દેતા. વાંસની આ ભૂંગળી તરતી તરતી આગળના ગામ જતી અને ગ્રામજનો એ વાંસની ભૂંગળીમાંથી ધીરા ભગનાં કાવ્યો, ભજનો કે પદ વાંચતાં. અને આ રીતે તેમની કવિતા અનેક લોકો સુધી પહોંચતી. આજે આપણી પાસે સોશિયલ સાઇટ્સના વાંસની ભૂંગળીઓ આવી ગઈ છે, તેમાં આપણે આપણા પદ્ય અને ગદ્યના તરાપા વહેતા મૂકી દઈએ છીએ. સીધા જ મોબાઈલ દ્વારા તે જે-તે વ્યક્તિના બારણે ટકોરા મારે છે. જે આ તરાપાને સ્વીકારે છે તેમની માટે તો ઘેરબેઠા ગંગા છે. ઇન્ટરનેટના વહેતા ઝરામાંથી ક્યારેક અંતરનેટને ગમે એવું કશુંક મળી જાય ત્યારે ભયોભયો થઈ જાય છે.
આમાં મુખ્ય ભય એ રહે છે કે તેમાં ઘણું ભળતું પણ આવી જાય છે, જે વાંચવા જેવું નથી હોતું. અથવા તો આપણે વાંચવું નથી હોતું. પણ ક્યારેક ઘણું બધું ઉત્તમ આવી જતું હોય છે. જે આપણે બધે જ ફંફોસીને થાકી ગયા હોઈએ, તે ક્યારેક આપણને સરળતાથી આપણા જ ફોનમાંથી મળી જાય છે.
આજના સમયના યુવાનો અધડી અંગ્રેજી અડધી ગુજરાતી ભાષા બોલવામાં પાવરધા છે. આજની ભાષા ગુજરેજી થઈ ગઈ છે. થેન્ક્યુ, સોરી, બાય જેવા અંગ્રેજી શબ્દો તો સાવ અભણ માણસો પણ બોલતા થઈ ગયા છે. 'શિરામણ' અને 'વાળુ'ની જગ્યા હવે 'લંચ' અને 'ડીનર'એ લઈ લીધી છે.
ભાવેશ ભટ્ટની આ કવિતા આજના સમયની ભાષામાં લખાયેલી છે. આજે આપણે આંખો ખોલતા નથી, પણ ઓપન કરીએ છીએ. કવિતા જેટલી સરળ અને સહજ છે, તેટલી ઊંડી પણ છે. આપણે એકબીજાના નજરના મેનુમાં જવાનું ચૂકી જઈએ છીએ. આપણે ઉપરછલ્લા માણસો થઈ ગયા છીએ. આપણે આરે ઊભા રહીને મજધારનો આનંદ મેળવવા માગીએ છીએ. બાલમુકુન્દ દવેએ એક જગ્યાએ લખેલું,
છીછરા નીરમાં હોય શું ન્હાવું, તરવા તો મજધારે જાવું,
ઓરગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
પણ અત્યારે સ્થિતિ થોડી અલગ છે. આપણે પ્રીતનું ગાણું ગાવું છે ખરું, પણ છીછરા નીરમાં ઊભા રહીને ગાવું છે. આપણે સીધા જ મોતી સુધી પહોંચી જવું છે. મરજીવા જેવો સંઘર્ષ નથી કરવો. ટૂંકમાં પતી જાય તો વધારે મહેનત કરવી નહીં એવી માનસિકતામાં આજે દરેક માણસ જીવે છે. કેમકે કોઈની પાસે વધારે વાત કરવાનોય સમય નથી. પણ જે કામ કરવું પડતું હોય તે કરવું જ પડે છે. રોટલી વણવા માટે જે પ્રોસેસ કરવી પડે તે કરવી જ પડે છે. ડાયરેક્ટ ઘઉંના છોડ પર રોટલી નથી ઊગતી, ત્યાં તો ઘઉં જ ઊગે છે. તે ખળામાં જાય છે, ફોતરામાંથી અલગ થાય છે, દળાય છે, લોટ બને છે, એ લોટ બાંધવો પડે છે, બાંધેલા લોટમાંથી રોટલી વણાય છે, એ તાવડી પર ચડે છે, શેકાય છે અને પછી પાક્કી રોટલી તૈયાર થાય છે. જે લોકો પ્રોસેસમાંથી પસાર નથી થતા તે પાકી રોટલી સુધી નથી પહોંચી શકતા. અર્થાત તે પોતાની જિંદગીના તથ્યને ખરી રીતે પામી નથી શકતા. અને કાચી રોટલીનું મૂલ્ય ખાસ હોતું નથી. જિંદગી તો એ છે જેમાં આપણે ઘસાઈને ઊજળા થઈએ. ઘસાયા પહેલાં તો હીરો પણ પથ્થર જ હોય છે!
ભાવેશ ભટ્ટ હૃદય સુધી પહોંચવાની વાત સરળ રીતે કરે છે. આંખને ખોલવાની છે, નજરના મેનુમાં જવાનું છે, સ્પર્શને સિલેક્ટ પણ કરવાનો છે. આ બધું કર્યા પછી પણ જો વિશ્વાસનું એન્ટીવાઇરસ નહીં હોય તો તમારા જીવનમાં બીજા અનેક વાઇરસો ઘૂસી જવાની શક્યતા છે. માત્ર કમ્પ્યુટરમાં જ નહીં, જીવનમાં પણ અમુક એન્ટીવાઇરસ જરૂરી છે, સંબંધોમાં પરસ્પરનો વિશ્વાસ એ ખરેખર એન્ટીવાઇરસનું કામ કરતો હોય છે. શંકા નામના વાઇરસને તે પેસવા દેતો નથી. વિશ્વાસના આ એન્ટીવાઇરસને પૂરેપૂરું ઇન્સ્ટોલ થયા પછી જ કોઈના હૃદય પર ક્લિક કરવું. ડાયરેક્ટ ક્લિક કરવામાં ખતરો છે. હેંગ થઈ જવાનો ભય છે. ઘણા માણસો હેંગ થઈ ગયેલા કમ્પ્યુટર જેવા હોય છે. કદાચ, કોઈકે તેમના હૃદય પર ડાયરેક્ટ ક્લિક કરી નાખ્યું હોય છે!
હેંગ ન થવા માટે વિશ્વાસનું એન્ટીવાઇરસ જોઈએ. એ હશે તો અંદરથી ઊઘડી શકાશે. આંગળીઓનો સ્પર્શ મોબાઈલની સ્ક્રીનની બારી ખોલી આપતો હોય છે. માણસ પણ આવો જ ટચસ્ક્રીન હોય છે. માત્ર તેના ભીતરના સંવેદનને સ્પર્શવાની જરૂર હોય છે.
લોગ આઉટઃ
અડકો જરીક ને પછી ઊઘડે પૂરેપૂરો,
કોઈક ખૂણે આદમી ટચસ્ક્રીન હોય છે.
- પંકજ મકવાણા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો