રંગમાં રંગતાળીઃ શૂન્યમાં શાશ્વતનો સાક્ષાત્કાર

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

એક વાગી અજાણી તાળી કે રંગમાં રંગતાળી,
એક અણદીઠ સૂરત ભાળી કે રંગમાં રંગતાળી.

કેમ રોકાય તાળી રોકે, પળમાં જ પહોંચી ત્રિલોકે,
સાવ અમથી જરા ઉલાળી કે રંગમાં રંગતાળી.

દ્વાર દસ દસ દિશાનાં ઝૂલે કૈં અવનવાં દૃશ્ય ખૂલે,
હું તો બેઠો પલાંઠી વાળી કે રંગમાં રંગતાળી.

રંગબેરંગ આખીય સૃષ્ટિ કે માત્ર મારી જ દૃષ્ટિ?
ઓગળી ગઈ કે પાછી વાળી કે રંગમાં રંગતાળી

– જવાહર બક્ષી

વલ્લભ ભટ્ટનો જાણીતો ગરબો ‘રંગમાં રંગતાળી’ની ધ્રૂવપંક્તિને ગઝલની રદીફ બનાવીને ગુજરાતી ભાષાના સમર્થ ગઝલકાર જવાહર બક્ષીએ એક વિરલ અનુભૂતિવાળી ગરબા-ગઝલ રચી છે. ગઝલમાં પ્રયોગો માટે તેઓ જાણીતા છે. લાંબી બહેરની ગઝલ હોય, ભજન-ગઝલ હોય, કે ગરબા-ગઝલ… બધામાં તેમનું સર્જનપોત આગવું અને ઊંડું છે.

નવરાત્રીનો માહોલ છે, ત્યારે ગુજરાતી ભાષાના આંગણામાં રચાયેલ ગઝલ-ગરબાના અજવાળે થોડીક વાત માંડીએ. જવાહર બક્ષીની આ કવિતાની રસપ્રદ વાત એ છે કે કવિ ક્યાંય જતા નથી, છતાં ત્રિલોકની યાત્રા કરી આવે છે. કોઈને જોતા નથી, છતાં કોઈ અણદીઠ સૂરતનો સાક્ષાત્કાર થાય છે. કોઈ દ્વાર ખોલતા નથી, છતાં દસેદિશાનાં દ્વાર ઝૂલવા લાગે છે. કવિએ માત્ર તાળીની વાત નથી કરી, રંગતાળીની વાત કરી છે. આપણા ભક્તકવિઓએ ધ્યાનની વાત તાળીના સંદર્ભે કરી છે, જેમકે, ‘ત્રિકુટીમાં લાગી મુંને તાળી’.

તાળી બે હાથના મિલનથી જન્મે છે. એક હાથ તાળી પાડી શકે નહીં. અહીં જે તાળી વાગી તે અજાણી છે. કોણે? કોના માટે પાડી? ક્યાંથી અવાજ આવ્યો? તે વિશે કવિ કહેતા નથી. કેમકે કેટલીક ઘટનાઓને કારણ હોય છે, જ્યારે કેટલીક ક્ષણો પોતે જ કારણ બનીને આવતી હોય છે. કવિ કહે છે, ‘અણદીઠ સૂરત ભાળી.’ આ કેટલો સુંદર વિરોધાભાસ! જે દેખાયું જ નથી, તેને ભાળી કેવી રીતે શકાય? અહીં જોવું અને ભાળવું એ બે જુદી ક્રિયાઓ છે. જે તાળીનો અવાજ બે હાથ વચ્ચે જન્મ્યો હોય, તે ત્રણેય લોક સુધી કેવી રીતે પહોંચી શકે? ભૌતિક જગતના નિયમો પ્રમાણે એ અશક્ય છે, પણ અનુભૂતિના જગતમાં એ સહજ છે.

માણસ દૂરબીન લઈને તારાઓ શોધે, વિમાન લઈને વાદળોને વીંધે, વહાણ લઈને સમુદ્રો ખૂંદે, છતાં અંદરના આકાશથી અજાણ રહે છે. જ્યારે કવિ એક જ જગ્યાએ બેસીને દસેય દિશાનાં દ્વાર ખોલી નાખે છે. અહીં પલાંઠી બેસવાની શારીરિક મુદ્રા નથી, અંતર્મુખ થવાનું પ્રતીક છે. સામાન્ય રીતે આપણે માનીએ કે જગતને જોવા માટે બહાર નીકળવું પડે, પણ કવિ સૂચવે છે કે જગતને સાચી રીતે જોવા માટે અંદર ઊતરવું પડે છે. આંખ બહારના પ્રકાશથી દૃશ્ય જુએ છે, પણ દૃષ્ટિ અંદરની જાગૃતિથી અર્થ પામે છે. આપણે જે જગત જોઈએ છીએ, તે ખરેખર એવું જ છે કે આપણી દૃષ્ટિ તેને એવું બનાવે છે? સંગીતમાં મધુરતા છે કે આપણા ચિત્તમાં? સૌંદર્ય વસ્તુનો ગુણ છે કે જોનારની અનુભૂતિ?

વરસાદ ખેડૂત માટે આશીર્વાદ બની શકે, તો ઘરવિહોણા માણસ માટે આફત. સાંજ પ્રેમીને સુંદર લાગી શકે અને વિરહીને અસહ્ય. એકાંત સાધકને સમૃદ્ધ કરી શકે અને દુઃખી માણસને વ્યાકુળ. સૃષ્ટિ એ જ રહે છે, પરંતુ દૃષ્ટિ બદલાતાં તેનો અર્થ બદલાઈ જાય છે. તો પછી રંગ ક્યાં છે? બહારની દુનિયામાં કે અંદરના અનુભવમાં?

કવિતાની રચનાકળા ખૂબ જ નોંધપાત્ર છે. પ્રથમ શેરમાં શ્રવણ અને દર્શનની અનુભૂતિ છે. બીજા શેરમાં ગતિ અને વિસ્તાર છે. ત્રીજામાં દિશાઓ અને દૃશ્યોનો ઉઘાડ છે. ચોથામાં દૃષ્ટિનું જ વિસર્જન છે. આમ કવિતા બહારથી અંદર તરફ, અનુભવથી અનુભવનાર તરફ અને રંગથી રંગના મૂળ તરફ આગળ વધે છે. ચાર જ શેરમાં કવિ આખી આધ્યાત્મિક યાત્રા રચી દે છે. ક્યાંય ઉપદેશ નથી, ક્યાંય ભારે તત્ત્વજ્ઞાનભરી શબ્દાવલિ નથી, ક્યાંય જટિલ વ્યાખ્યા નથી. છે તો માત્ર તાળી, રંગ, દ્વાર, દિશા, દૃશ્ય અને પલાંઠી જેવા અત્યંત સરળ શબ્દો. પરંતુ આ સરળ શબ્દોમાંથી જે અર્થ પ્રગટે છે, તે અસાધારણ છે.

અને જીવનનો સૌથી મોટો ચમત્કાર એ જ છે કે ચમત્કાર માટે કશું અસાધારણ બનવું જરૂરી નથી. એક અજાણી તાળી પૂરતી છે. એક અણદીઠ સૂરતનો અણસાર પૂરતો છે. એક સહેજ ઉલાળ પૂરતો છે. એક પલાંઠી પૂરતી છે.

લોગઆઉટઃ

રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી
માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યુ રે રંગમાં રંગતાળી
— વલ્લભ ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો