આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઈન:

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.

જેને માટે મેં ખલીલ, આખી ગઝલ માંડી હતી,
એ જ આખી વાત ક્હેવાનું તો હું ભૂલી ગયો.

— ખલીલ ધનતેજવી

ખલીલ ધનતજેવી એટલે ગુજરાતી ગઝલનું ગર્વીલું નામ. વર્ષો સુધી મંચ ગજવનાર આ શાયરની ગઝલો આજે પણ લોકમુખે રમે છે. તેમનો ઘેરો અવાજ કાનમાં પડતાની સાથે જ સાંભનાર ઉત્સાહિત થઈ જતા. આજે તેમની એક સુંદર ગઝલ માણવી છે.

જીવનમાં ઝેર હંમેશાં પ્યાલામાં આવતું નથી. ક્યારેક તે વિશ્વાસમાં ભેળવેલું હોય છે, ક્યારેક વહાલમાં, ક્યારેક સહાનુભૂતિમાં. મુશ્કેલીના દિવસોમાં કેટલાક કહેવાતા સ્વજનો આપણો હાથ પકડે છે, પણ તેમની નજર આપણા ઘા પર હોય છે. તેમના મોં પર દયા હોય; પણ દયાની પાછળ દંભ હોય છે. આપણે કડવા ઘૂંટ ગળે ઉતારીને પણ હસીને જવાબ આપીએ, ત્યારે તેમને હાશકારો થવાને બદલે આશ્ચર્ય થાય છે. જેની હારની રાહ જોઈ હોય, તે હારે તો તેમનો અંદાજ સાચો ઠરે. જેને દુઃખ આપ્યું હોય, તે ભાંગી પડે તો તેમનું કામ સફળ થતું લાગે. આપણે ફરી ચાલવા માંડીએ તો તેમની ધારણા લંગડી થઈ જાય છે. આપણે પીડામાં પણ હસતા રહીએ તો એમનાથી સહન નથી થતું. ઝેર પીધા પછી જો જીવી જઈએ તો વાંધો ઊઠાવે છે.

બીજા શેરમાં કવિ પૂછે છે: હું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી, તો પછી તૂટ્યો કેવી રીતે? કાચ તૂટે તો કરચો દેખાય. વાસણ તૂટે તો ટુકડા થાય. દીવાલમાં તિરાડ પડે તો આંગળી ફેરવીને જાણી શકાય. પરંતુ માણસની અંદર પડેલી તિરાડ કઈ રીતે જાણવી? તે ચિક્કાર પીડામાં પણ મહેમાન માટે ચા મૂકે છે. પોતાને પ્રિય વ્યક્તિના તરછોડવાનો ઘા હજી તાજો હોય તોપણ ઘરમાં આવેલા બાળકને હસીને આવકારે છે. ઘણીવાર માણસ પોતે પણ નથી જાણતો હોતો કે તે શેનાથી તૂટ્યો. મોટો આઘાતથી કે નાના પ્રહારોથી? કોઈએ છોડ્યો ત્યારે? કે પોતે જ પોતાની ઇચ્છાઓને વારંવાર પાછળ ધકેલતો રહ્યો ત્યારે? માણસ તૂટે ત્યારે, કોઈ ભૌતિક વસ્તુ જેવો અવાજ થતો નથી, પણ તે તૂટવું અવાજ કરતા પણ વધારે ભયાનક હોય છે.

ત્રીજો શેર ગઝલને મૃત્યુની નજીક લઈ જાય છે, પણ ભારે અવાજે નહીં. અંતિમ શ્વાસ પર પહોંચેલો માણસ મોતને વાતોમાં રોકી રાખે છે અને સરકી જાય છે. આ કલ્પનામાં એક અજબ ચપળતા છે. જાણે દરવાજા સુધી આવેલો અણગમતો મહેમાન કોઈ વાતમાં એટલો અટવાઈ ગયો હોય કે ઘરના માલિકને પાછળની બારી મળી ગઈ. અહીં વાત માત્ર મૃત્યુને હરાવવાની નથી. માણસ રોજ પોતાના મોતને હરાવતો હોય છે. મૂળ વાત આઘાતમાંથી સિફતપૂર્વક બહાર આવવાની છે. કોઈનું મેણું, કોઈની ટીકા, કોઈનો વિરહ, કે સ્વજનનું મૃત્યુ. આ દૈનિક મૃત્યુઓ છે, જેનો સામનો કાયમ કરવો પડે છે. હૃદયમાં પડેલા કારમા ઘાને વિસરાવવા માટે વાતોની કૂંપળો ખીલવવી પડે છે. એ કૂંપળોની મીઠી ગંધમાં આપણા આઘાતોને રમમાણ રાખવા મડે છે, જેથી આપણા પર ત્રાટકી પડતી જીવલેણ સ્થિતિથી બચીએ શકીએ.

અંતિમ શેરમાં કવિ કહે છે જેના માટે આખી ગઝલ માંડી હતી, તે મૂળ વાત જ કહેવાની ભૂલી ગયો! ઘણીવાર આપણે ઘરેથી જે વસ્તુ લેવા માટે નીકળ્યા હોઈએ, તે લેવાની જ રહી જાય અને બીજું ઘણું બધું લઈને આવીએ, જેની જરૂર જ ન હોય. જિંદગીમાં પળેપળ આવું થાય છે. કોઈની માફી માગવી હોય, કોઈને રોકાવાનું કહેવું હોય, તો કોઈના હાથમાં હાથ મૂકીને કહેવું હોય કે ‘તું હતો એટલે હું ટકી શક્યો.’ છતાં મુલાકાત થાય ત્યારે આપણે બીજી ઘણી વાતો કરીએ… તબિયત પૂછીએ, ચાની પ્રશંસા કરીએ, બહાર પડેલા વરસાદની વાત કરીએ. પણ જે કહેવાનું હોય તે કહીએ જ નહીં. આખી મુલાકાત જેના માટે હોય, તે વાક્ય હોઠ સુધી આવતું જ નથી.

લોગઆઉટઃ

दर्द सीने में छुपाए रक्खा,
हम ने माहौल बनाए रक्खा।
मौत आई थी कई दिन पहले,
उस को बातों में लगाए रक्खा।
— मदन मोहन 'दानिश'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો