મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં

લોગઇન:

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

સો વર્ષ કરતા પણ વધારે સમય પ્રગટેલી ગુજરાતી ગઝલની જ્યોત આજે એક મુકામે પ્રજ્વળી રહી છે, કે તેના અજવાળામાં અનેક શાયરો પોતાની કલમના પોતને પ્રકાશવા મથી રહ્યા છે. ગઝલ બાલાશંકર કંથારિયા અને કલાપીથી માંડીને વર્તમાન સમયના અનેક સર્જકોની કલમનું કામણ પામી છે, વધારે નિખરી છે, વિસ્તરી છે, ફુલી-ફાલી છે. આજનો કોઈ ફૂટડો નવયુવાન હોંશથી છંદોબદ્ધ ગઝલ રજૂ કરે ત્યારે વર્ષો સુધી જેઓ ગઝલને પ્રતિષ્ઠા આપવામાં જિંદગી ખર્ચી નાખી, તેમનો આત્મા ખૂબ રાજી થતો હશે. મરીઝે લખ્યુંં છે,
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

મરીઝ-ઘાયલ-શૂન્ય-સૈફ જેવા અનેક શાયરોના શ્વાસો આજની પેઢીને નવી આબોહવા આપી રહ્યા છે. આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, મનહર મોદી જેવા આધુનિક સર્જકોની કલમનું સત્વ વર્તમાન કલમવીરોને નવું જોમ પૂરું પાડી રહ્યું છે. બુઝુર્ગોના પગલે ચાલીને પોતાની આગવી કેડી કંડારનાર કવિઓએ માત્ર ગઝલને જીવતી નથી રાખી, ગુજરાતી ભાષાને પણ પ્રાણવંતી બનાવી છે. મુનવ્વર રાણાનો શેર છે-
ખુદ સે ચલકર નહીં યે તર્જ-એ-સુખન આયા હૈ,
પાંવ દાબે હૈ બુઝુર્ગો કે તબ યે ફન આયા હૈ.

હર્ષવી પટેલ પરપંરાના પથ પર ચાલવા છતાં પોતાના શબ્દના જોરે આગવી કેડી કંડારે છે. ગઝલ તેમને સહજસાધ્ય છે. કવિ ડૉ. વિવેક ટેલર તેમના વિશે લખે છે, “હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે.”

કવિને મળ્યા પછી તમે, તમે રહો કે નહીં તે ખ્યાલ નથી, પણ તેમની કવિતાને મળ્યા પછી ચોક્કસ તમે તમે ન રહી શકો. રમેશે પારેખે કવિતાએ શું કરવાનું હોય તે વિશે સુંદર કાવ્ય લખ્યું છે. “જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે / ત્યાં પંહોચવાનું હોય કવિતાએ / એ બધું તો ખરું જ / પણ સૌથી મોટું કામ એ કે / તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે / જગાડવાનો હોય કવિને…”

કવિનો આત્મા જાગ્રત હોવો જોઈએ. અંદરનું ઓજસ આથમી ગયેલુંં હોય ત્યારે તે બહાર રોશની ક્યાંથી રેલાવી શકે? જે કવિનો શબ્દ ભાવકના હૃદયની ભાવના, સંભાવના કે વિભાવનાને વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર નથી કરતો તેના શબ્દનું આયુષ્ય લાંબું નથી હોતું. એક સારો કવિ આ વાત સારી રીતે જાણતો હોય છે અને તે પોતાના હૃદયભાવ તો શબ્દની પ્યાલીમાં રેડતો જ હોય છે, પણ એ ભાવવ વાચકને પણ પોતાના લાગે તેની તકેદારી રાખે છે. હર્ષવી પટેલની કવિતામાં આ તકેદારી અનુભવાય છે. એટલે તે આત્મવિશ્વાસપૂર્વક ગઝલમાં કહી શકે છે કે, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

તેમની અન્ય સુંદર ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.

હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.

એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.

કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.

ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.

– હર્ષવી પટેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો