(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
- મરીઝ
પૂરું નામ અબ્બાસઅલી વાસી, અટક વાસી, પણ ગઝલો આજે ય એકદમ તાજી - ફ્રેશ ફ્રેશ… તખલ્લુસ મરીઝ, પણ તેમનો શબ્દ આજે પણ એટલો જ તંદુરસ્ત અને સ્વસ્થ છે, જેટલો લખાયો ત્યારે હતો. ગુજરાતી ગઝલને આકાશ આંબતી કરવામાં મરીઝની કલમનો ફાળો અનન્ય છે. જીવવના અનેક રંગો તેમની ગઝલમાં ગૂંજ્યા કરે છે. જીવનની અમુક વણસ્પર્શાયેલી બાબતોને તેમની કલમ એટલી સહજતાથી અને ગહન રીતે સ્પર્શી શકતી કે આપણે આશ્ચર્ય અને અચંભામાં મુકાઈ જઈએ. અનેક ઊંડી વ્યથાને તેમણે ખૂબ સરળતાથી આપણી સામે મૂકી આપી. ઘણા શેરમાં તો તેમનુંં પોતાનું જીવન પણ પડઘાયા કરે.
જાણીતા કવિ શોભિત દેસાઈ મરીઝના અનેક કિસ્સાઓ અવાર નવાર શેર કરતા હોય છે. મરીઝની એક પ્રેમિકા હતી. એની તરફ એમને એક તરફી પ્રેમ હતો. એમની પ્રેમિકાનાં લગ્ન થઇ ગયા. પ્રેમિકાનું નામ ‘રબાબ’. એક દિવસ પ્રેમિકાએ કહ્યું, મેં તો સાંભળ્યું છે કે મારી યાદમાં તમે મોટા શાયર થઇ ગયા. તો મારું નામ આવે એવી ગઝલ લખોને. એમણે ગઝલ લખી નાંખી.
હવે ગમે તે કહે કોઈ હુનર બાબત
કરી રહ્યો છું મારી સમજથી પર બાબત
ગઝલ સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે, પણ આમાં મારું નામ ક્યાં છે? નામ તો ગઝલમાં હતું જ, કાફિયામાંથી છેલ્લો અક્ષર ‘ર’ લો અને રદિફમાંથી પહેલા બે અક્ષર ‘બાબ’ લો, એટલે પ્રેમિકાનું નામ બની જાય, પણ મરીઝે જવાબમાં બીજો શેર કહ્યો,
જુઓ શી કલાથી તમને છુપાવ્યા
ગઝલમાં આવ્યા તો નામે ન આવ્યા
એક વખત મરીઝ તેમની પત્ની સાથે મુંબઇની લોકલ બસમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેની મુગ્ધાવસ્થાની પ્રેમિકા તેમને તે જ બસમાં જોવા મળી. એકદમ નિખાલસતાથી પત્નીને પોતાના ભૂતકાળ વિશે જણાવતા કહ્યું કે, "આ છોકરી જે સામે બેઠી છે તે એ જ છે... " થોડો સમય જોયા પછી પત્ની બોલી, "કેવી પ્રેમિકા છે, બોલાવવાની વાત તો દૂર એ તો તમારી સામે પણ જોતી નથી." મરીઝ બોલ્યા "રાહ જો. હમણા જોશે" પણ લાંબા સમય સુધી પેલી છોકરીએ આ તરફ નજર પણ ન કરી. ફરી પત્નીએ કહ્યું. તમે ગપ્પાં મારો છો. થોડા સમય પછી એક સ્ટોપ આવ્યું. ઉતરતા પહેલા પેલી છોકરીએ ત્રાંસી નજરે મરીઝ સામે જોઈ લીધું અને જતી રહી. ત્યારે મરીઝે એક શેર કહ્યો-
બધો આધાર છે તેની જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવા.
શાયરો-સાહિત્યકારોના પ્રયણરંગી કિસ્સાઓ ગજબના હોય છે. મને વિનોદ ભટ્ટે કહેલો એક કિસ્સો યાદ આવે છે. ચંદ્રવદન ચી. મહેતાનો એક દોસ્ત તેમની પત્ની વિલાસ સાથે પ્રેમમાં પડ્યો. તે સમયે સ્ત્રી માટે એક બીજા સામે તલવાર ખેંચાઈ જાય. જોકે આજે પણ એવું ક્યાં નથી થતું? પણ આ તો લેખક નાટ્યકાર ચંદ્રવદન મહેતા. એમણે એ જમાનામાં સામે ચાલીને પોતાની પત્નીને મિત્ર સાથે પરણાવી. થોડાં વર્ષો પછી વિલાસનું અવસાન થયું. ચંદ્રવદન મહેતા પણ ત્યાં ગયા. એ વખતે અવસાન પામેલ પત્નીનો એક હાથ વર્તમાન પતિના હાથમાં હતો ને બીજો હાથ ચંદ્રવદનના હાથમાં! પેલો મિત્ર ચંદ્રવદનના ખભા પર માથું મૂકી પોક મૂકીને રડવા લાગ્યો. ત્યારે ચંદ્રવદને તેને આશ્વાસન આપેલું કે, “ દોસ્ત રડીશ નહીં હું હજી બીજું લગન કરવાનો છું.”
લોગઆઉટઃ
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
– મરીઝ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો