રવિવાર, 22 સપ્ટેમ્બર, 2024

એકમેકમાં ઘૂઘવતાં આ ચોમાસાને મળીએ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

આવ પલળીએ,
એકમેકમાં ઘૂઘવતાં આ ચોમાસાને મળીએ.

પરબીડિયાનું વાદળ ગમતાં સરનામાને તલસે,
બીજ અષાઢી આવે ને મન વ્હાલું વ્હાલું કણસે,
બારસાખને પકડી આંખો શ્રાવણ થઈને વરસે,
વરસે નહીં તો ડૂમાને કોઈ ઘંટી વાટે દળીએ.
આવ પલળીએ.

લવિંગ કેરી લાકડીએ હું પરપોટાને તોડું,
ઈચ્છાઓની બંધ પોટલી ચોક વચાળે છોડું,
તમે કહો તો શેરી આખી માથે લઈને દોડું,
કુંવારી આંખ્યુંનાં વ્રતને સૌની સામે છળીએ.
આવ પલળીએ.

- જયંત ડાંગોદરા

વિજય પુરોહિતના મૂશળધાર વરસાદ જેવા ગીતનું મુખડું છે-
બળબળતી ધરતી થઇ પળમાં જળથી માલામાલ
ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ પલળીએ, ચાલ

બીજી પંક્તિમાં રહેલું પુનરાવર્તન ભીંજાવાની ઉત્સુકતાને અણી કાઢે છે. ચોમાસું આવે કે તરત હૃદયના ટોડલે આપોઆપ મોર ટહુકી ઊઠે અને એ ટહુકો પણ પાછો કોઈ એક ચોક્કસ નામનો હોય. ભાવ હોય કે અભાવ વાદળની ગર્જના થશે એટલે ટહુકો તો થવાનો જ. મનોજ ખંડેરિયાનો શેર યાદ આવ્યા વિના ન રહે.
મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.

ચોમાસું તો પ્રિયજને મિલનનો મોકો આપે છે. વરસાદના પડતાવેંત દાળવડાની લારી તરફ દોડી જતાં ચરણોની આ વાત નથી, આ તો એ જે પ્રેમની પગદંડી પર હરખભેદ દોડવા તત્પર હોય તેની વાત છે. આ એમની વાત છે જેમના મનમાં વરસાદ સાથે વહાલ પણ વરસતું હોય. પવનના સૂસવાટા પણ વાંસળીના સૂર બની જતા હોય, વાદળની ગર્જના પિયુમિલનનો દુંદુભીનાદ જેવી લાગતી હોય. ગોરંભાતા નભની સાખે જેમની આંખો ઉતાવળી થઈ હોય પ્રિયુદર્શન માટે.

કવિ જંયત ડાંગોદરાએ આવા પાત્રની મનોકામનાને વરસાદરૂપે ઝીલી છે કવિતામાં. બહારનું ભીંજવાનું તો પ્રતીકમાત્ર છે, કવિ તો અહીં એકમેકમાં ઘૂઘવતા ચોમાસાને મળવાની વાત કરે છે. હૃદયનું મળવું જ તો ખરુ મિલન છે. ત્યારે જ તો પ્રિયપાત્રને પામી શકાશે. બહારનું બધું તો દેખાડો છે માત્ર. તમે કરોડ રૂપિયાની કિમતની કાર ખરીદો પણ હૃદયમાં હરખ કોડીનો પણ ન થાય તો એ કારની કિંમત કોડી પણ નથી. સામાન્ય સાઇકલ પામીને પણ લાખોની લોટરી જેટલો જેનો આનંદ હોય, તે સાઇકલની કિંમત આપોઆપ લાખોમાં અંકાઈ જાય છે. બજારભાવો તો નફાનુકસાની ધાર પર ચાલતા હોય છે, તે ભાવને હૃદયના ભાવ સાથે લેવાદેવા નથી. વરસતા વરસાદમાં પણ જડસું ઠૂંઠા જેમ પડી રહેલા માણસોને વરસાદી વધઘટ કરતા બજારભાવની ચડઉતર વધારે અસર કરતી હોય છે. તેમને ચોમાસું આવે કે ઉનાળો, કશો ફેર પડતો નથી. તેમને મન વાદળમાંથી કે ફુવારામાંથી વરસતા પાણીના આનંદમાં રતિભાર પણ ફર્ક નથી.

જોકે વરસમાં છત્રી ગોતતો માણસ વરસાદને ધિક્કારે જ છે એવું નથી હોતું. શક્ય છે કે ઓફિસના અગત્યના કાગળો ભીંજાઈ જવાની બીક હોય. સ્કૂલમાં ભીંજાયેલા પહોંચીશું તો ટીચર ક્લાસમાં નહીં આવવા દે તેવો ભય હોય. કોઈ સામાજિક અવસરમાં ભીંજાઈને જવામાં બીજાને નડતર થશે એવું વિચારીને પણ અમુક વરસાદથી દૂર ભાગતા હોય. લાખો કારણો હોય છે. જો કે આ બધું એકબાજુ અને પ્રણયની અનુભૂતિ એકબાજુ. ઉદયન ઠક્કરે કહ્યું છે ને- ભીંજાવામાં નડતર જેવું લાગે છે, શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે. આ બધાં જ બહાના ભીંજવામાં નડતર ઊભું કરે છે. બહાનાની વાડ કૂદે એ જ વરસાદી સરોવરમાં ધૂબાકા મારી શકે.

કવિ જયંત ડાંગોદરની કવિતાના દરેક અંતરે પલળવાનું આહ્વાન છે, ભીંજાવા માટેની ભીની ટપાલ મોકલે છે તે પ્રિયપાત્રને. ચોમાસું ચાલ્યું જાય તે પહેલા ગમતુંં પાત્ર આવી પહોંચે તો વરસાદ સાર્થક. આંખો શ્રાવણ થાય એ પહેલાં હૃદય વીણા થઈ જાય તો વાદળનું ગરજવું લેખે લાગે. એટલે જ પ્રિયપાત્રને ભીંજાવાનું ભાવભયું નિમંત્રણ આપે છે, નિમંત્રણ જ નહીં આગ્રહ પણ કરે છે.

લોગઆઉટ:

પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.

એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.

સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું;
સૂર્યને માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ;

માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.

છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ;
પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.

માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો?
છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.

આવી પહોંચ્યું છે જળાશય આંખનું; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

- ભગવતીકુમાર શર્મા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો