‘ભવિષ્ય’ શબ્દ બોલું તરત ભૂતકાળ થઈ જાય

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

હું જ્યારે ‘ભવિષ્ય’ શબ્દ બોલું છું,
ત્યારે એ જ ક્ષણે બોલાયા બાદ
એ ભૂતકાળ થઇ જાય છે.

હું જ્યારે ‘મૌન’ શબ્દ બોલું છું,
એ જ વખતે એ તૂટી જાય છે.

હું જ્યારે ‘નથિંગ’ શબ્દ બોલું છું,
ત્યારે હું કશુંક એવું બનાવી બેસું છું,
જે અનસ્તિત્વની પકડની બહાર છે.

– વિસ્લાવા ઝિમ્બોર્સ્કા (અનુવાદઃ અજ્ઞાત)

ઓશોએ એક વખત કહેલું સત્યને ક્યારેય શબ્દોમાં પૂર્ણ રીતે વ્યક્ત નથી કરી શકાતું. જેવા તેને શબ્દના વાઘા પહેરાવવા જઈએ કે તરત તે દુબળું પડી જાય છે. એના વસ્ત્રોનો ભાર તે સહન નથી કરી શકતું. તે નિર્વસ્ત્ર હોવું જોઈએ. એટલે જ કદાચ આપણે “નગ્ન સત્ય” એવો શબ્દ પ્રયોજવા ટેવાયેલા છીએ. શબ્દ ભળતાની સાથે જ આપોઆપ તે બીજું ઘણું સામેલ થવા માંડે છે. સત્ય બહુ નાજુક છે અને સાપેક્ષ પણ. વિસ્લાવા ઝિમ્બોર્સ્કાએ આવી નાજુક વાતને કવિતામાં સહજ રીતે વણી બતાવી છે. પોલિશ કવયિત્રી વિસ્લાવા ઝિમ્બોર્સ્કાને 1966માં વિશ્વના સર્વોચ્ચ સન્માન નોબેલ પારિતોષિકથી નવાઝવામાં આવેલા. કવિતા ઉપરાંત અનુવાદ, નિબંધો જેવા વિવિધ ગદ્યસ્વરૂપોમાં પણ કામ કર્યું છે.

આપણે સમયને ત્રણ ખંડમાં વહેંચીએ છીએ. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. વર્તમાનમાં જિવાઈ રહેલી પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક ક્ષણે ભૂતકાળ થઈ રહી છે. જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે એ જ ક્ષણે એ ભૂતકાળના પગથિયાં ચડી રહ્યો છે. તમે જ્યારે આ પંક્તિ વાંચી રહ્યા હશો ત્યારે આગળની પંક્તિઓ ભૂતકાળ બની ગઈ હશે. ભવિષ્ય ઝાંખું ધુમ્મસ છે. નજીક આવતાની સાથે સ્પષ્ટ થાય છે અને બીજી જ ક્ષણે એ પણ ભૂતકાળ બની જાય છે. એક રીતે આપણે ભવિષ્યને વર્તમાનમાં ખેંચી લાવીને તેને ભૂતકાળમાં રૂપાંતરિત કરતું કારખાનું છીએ. અથવા તો એમ કહો કે સમય નામના મહામશીનમાં આપણે ઓરાયા છીએ, એ આપણને દળે છે. તેની ઘંટીના પડમાં જન્મ નામના દ્વારેથી પ્રવેશી બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા જેવી વિવિધ અવસ્થાઓમાં દળાતા, પિસાતા, ઘસાતા, જીવનનો દાણો મૃત્યુ નામની બારીએ પહોંચે છે અને જીવનનો આ દાણો જાણે કે લોટ બનીને વિખેરાઈ જાય છે કોઈ અનન્ય ચેતનામાં.

જ્યારે તમે એમ કહો કે હું મૌન છું, એ જ વખતે તમારું મૌન તૂટી જાય છે. એ અવ્યક્ત છે. તમે લખીને કે ઇશારાથી જણાવો ત્યારે પણ પૂર્ણમૌનની ભીંતનાં પોપડાં ખરે છે. તમારી અભિવ્યક્તિના લસરકા પડે છે તેની પર. અને મૌનની મૂર્તિ ખંડિત થઈ જાય છે.

તમે જ્યારે એમ કહો “કંઈ નથી” ત્યારે કમ સે કમ “કંઈ નથી” શબ્દનું એક ઝૂંડ તો બની જ ગયું, એટલે કંઈ નથી એવું કઈ રીતે કહી શકાય? જ્યારે વિશ્વમાં મોબાઇલ બન્યો જ નહીં હોય ત્યારે કોઈ એમ કહેતું હશે ખરું કે મારી પાસે ‘મોબાઇલ’ નથી? ના. કારણ કે તે વખતે તેવો શબ્દ પણ નહીં હોય. શબ્દ એટલા માટે ઉદભવ્યો કેમ કે તેવી વસ્તુ સર્જાઈ. જગતમાં બધી જ વસ્તુઓ કે શબ્દો કશાક ને કશાક સાથે જોડાયેલા છે. જ્યારે આપણે ‘નિરાકાર’ કહીએ છીએ ત્યારે પણ મનમાં નિરાકારનો કોઈ જાણ્યો-અજાણ્યો, ઝાંખોપાંખો, સાચો-ખોટો, નાનો કે મોટો આકાર સર્જાતો હોય છે. જે સંપૂર્ણપણે કે સ્પષ્ટતાથી કદાચ ન પણ દેખાતો હોય પરંતુ તેનો અહેસાસ થાય છે. જેમ ટીવી શબ્દ બોલતાની સાથે એક ચોક્કસ આકાર મનમાં રચાય છે. તેમ શ્વાસ શબ્દ બોલતાની સાથે પણ એક ક્રિયા અને અદૃશ્ય આકાર રચાય છે મનમાં. દરેક શબ્દ પરિચિત કે અપરિચિત આકાર સાથે જોડાયેલો છે. ‘નથિંગ’ શબ્દ બોલતાની સાથે જ ‘નથિંગ’ સર્જાઈ જાય છે, તેથી ‘નથિંગ’ નથિંગ નથી રહેતું.

લોગઆઉટ:

અવાજને ખોદી શકાતો નથી!
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો!
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી.
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષર ભૂમિની કાંટાળી વાડને?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એ ય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો!
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

- લાભશંકર ઠાકર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો