સહાનુભૂતિ દોતા સત્તાધીશો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

પ્રત્યેક ઘટનાને દૂઝણી ગાયની જેમ જોતા દૂધવીરો 
પ્રસંગોના આંચળ પકડીને તેની નીચે મૂકી દે છે પોતાનું ડોલચું
અને દોવા માંડે છે વોટ, સહાનુભૂતિ, લોકચાહનાનું દૂધ
ભરવા માંડે છે ડોલોની ડોલો 
પછી બનાવે છે એમાંથી મીઠાઈ, ચોકલેટ, કેક, પેસ્ટ્રી
સિત્તેર પેઢી ખાય તોય ન ખૂટે એટલી...
અને ખુરશી પર બેઠાં બેઠાં ખાય છે નિરાંતે
બાપડી રંક પ્રજા 
દૂઝણી ગાયની વાછરડી જેમ
છાણમૂતરથી ગંધાતી ગમાણમાં, 
સાંકળથી બંધાઈને 
પડી પડી ભાંભરે છે પોતાના દૂધ માટે
જાહેરાત થાય છે
બધાને મળશે પોતાના હકનું દૂધ
એક ટીપું પણ વેડફાશે નહીં!

પણ દૂધ માટે તરસતી વાછરડી હવે ગાય બની ગઈ છે 
અને તેને દોવાની તૈયારી ચાલે છે

~ અજ્ઞાત

મધ્યપ્રદેશના એક જિલ્લામાં પ્રવેશ શુક્લ નામની વ્યક્તિએ એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કર્યો. બીજી એક ઘટના આ જ જિલ્લામાં બની. તે વિસ્તારના પત્રકારોને નગ્ન કરીને પોલીસ ચોકીમાં ઊભા રાખવામાં આવ્યા. આ બંને ઘટનામાં એક સામ્ય હતું. બંને ઘટના ભાજપ સાથે જોડાયેલી હતી. પત્રકારોએ ભાજપ વિરુદ્ધ સમાચાર લખ્યા તો નગ્ન કરીને પોલીસ ચોકીમાં ઊભા કરી દેવામાં આવ્યા. અને તમામ સમાચારો કહે છે કે પેશાબ કરનાર વ્યક્તિ ભાજપનો માણસ હતો. વાત ભાજપની, કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની નથી. વાત છે સત્તા પર બેસેલા લોકોની જોહુકમીની, તેમના તોરની, તેમની તુમાખીની. 

આદિવાસી, દલિતો, દરિદ્રો, શૂદ્રો, ગરીબો કે રંકોનું શોષણ કરવા માટે સત્તા ધરાવતા લોકો પાસે કોઈ ઉચિત કારણ હોય તે જરૂરી નથી. પાંચ કિલો રેશનના અનાજની થેલી ભૂખી પ્રજાને પેશાબ, લાત જેવાં અપમાનો સહન કરવાની તાકાત તો આપી જ દે છે. 

મને એક જોક યાદ આવે છે. એક વખત એક ગામનો રાજા ગામમાંથી પસાર થતો હતો, સામે એક વાણિયો મળ્યો, સીધો સાદો વેપારી. રાંક ગાય જેવો. રાજાએ એને પાસે બોલાવીને એક જોરથી લાફો માર્યો. વાણિયો કહે, પણ રાજાજી મારો કંઈ વાંક? રાજા કહે મારે તને મારવો હોય તો વાંકની રાહ જોવાની? તું તો ક્યારેય વાંકમાં જ ના આવે, એટલે શું મારે તને મારવાનો જ નહીં?

ઉપરોક્ત કવિતા સત્તાધીશોની સત્તાલાલસા પર ધારદાર કટાક્ષ કરે છે. આદિવાસી પર પેશાબ હોય કે દલિતના લગ્નનો વરઘોડો આવી ઘટના ઘટે કે તરત જે તે પાર્ટીના માણસો તરત પહોંચી જાય છે સહાનુભૂતિ ઉઘરાવવા. “અમે તમારી પડખે છીએ, ચિંતા ના કરતા, તમને ન્યાય મળશે જ. આવી ઘટના ખૂબ શરમજનક છે, આવું થવું જ ન જોઈએ.” આવું આવું કહીને ચેનલો, છાપાંઓમાં ઇન્ટરવ્યૂ આપતા રહે છે. ત્યારે એ ભોગ બનેલાએ કહેવું જોઈએ કે, અરે ભઈ તમે અમારી પડખે હોત તો આવું થાત જ શું કામ? પણ એ બિચારા નહીં કહી શકે. એની સામે લાચારીની લાલ ઝાઝમ બિછાવી દેવામાં આવશે. અને વ્યૂહરચના એવી ગોઠવાશે કે તેમાં ચાલ્યા વિના છૂટકો ન રહે. તેમને એવું લાગવા પણ માંડશે કે અમારો સાથ આપવા માટે કોક છે, પણ આ ‘કોક’ ક્યારે ફોક થઈ જાય છે તે ખબર નથી પડતી. 

પ્રજા ગાય જેવી છે. સત્તાધીશો ટેક્સરૂપે સતત દોતા રહે છે તેને. ટેક્સના પૈસા પ્રજાના હિતમાં વપરાય છે તેવી મોટી મોટી જાહેરાતો થાય છે. વિકાસના કામોની યોજનાઓ ઘડાય છે. પણ વકાસ થાય છે કોનો? ખુરશીમાં બેસેલા લોકોનો? તેમના ઓળખીતા-પાળખીતાઓનો, તેમના મિત્રો-સગાસંબંધીઓનો? સામાન્ય નાગરિક તો હજી ફાંફા જ મારે છે, છેવડાનો માણસ હજી છેલ્લે જ પડ્યો છે. ગાયની વાછરડી દૂધની રાહ જોતી જોતી પોતે ગાય થઈ જાય છે, તેને દોહવાનું ચાલુ થઈ જાય છે અને એને ખબર પણ નથી પડતી. 

સત્તાધીશો વિશે અટલ બહારી વાજપેયીની આ કવિતા ઘણું કહી જાય છે.

લોગઆઉટઃ

मासूम बच्चों, 

बूढ़ी औरतों, 
जवान मर्दों की लाशों के ढेर पर चढ़कर 
जो सत्ता के सिंहासन तक पहुंचना चाहते हैं 
उनसे मेरा एक सवाल है : 
क्या मरने वालों के साथ उनका कोई रिश्ता न था? 
न सही धर्म का नाता, 
क्या धरती का भी संबंध नहीं था? 
पृथिवी मां और हम उसके पुत्र हैं। 
अथर्ववेद का यह मंत्र क्या सिर्फ जपने के लिए है, 
जीने के लिए नहीं? 

आग में जले बच्चे, 
वासना की शिकार औरतें, 
राख में बदले घर 
न सभ्यता का प्रमाणपत्र हैं, 
न देश-भक्ति का तमगा, 

वे यदि घोषणा-पत्र हैं तो पशुता का, 
प्रमाण हैं तो पतितावस्था का, 
ऐसे कपूतों से 
मां का निपूती रहना ही अच्छा था, 
निर्दोष रक्त से सनी राजगद्दी, 
श्मशान की धूल से गिरी है, 
सत्ता की अनियंत्रित भूख 
रक्त-पिपासा से भी बुरी है। 

पांच हजार साल की संस्कृति : 
गर्व करें या रोएं? 
स्वार्थ की दौड़ में 
कहीं आजादी फिर से न खोएं।




- अटल बिहारी बाजपेयी


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો