જીવનમાં સુખ વધુ કે દુખ, કે બંને, કે એક પણ નહીં?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…

– વિપિન પરીખ

એક વાચકમિત્રએ પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં સુખ વધુ કે દુખ, કે બંને, કે એક પણ નહીં?’ જવાબમાં એક વાર્તા કહેવાની ઇચ્છા છે. 

એક સંન્યાસી પહાડ ચડી રહ્યા હતા. પહાડ સીધા ચઢાણવાળો, ચડવામાં ખૂબ મુશ્કેલ હતો. તેમણે જોયું આવા મુશ્કેલ ચઢાણમાં પણ એક બારેક વર્ષની છોકરી પોતાના નાના ભાઈને કેડમાં તેડીને આરામથી પહાડ ચડી રહી હતી. તેમને નવાઈ લાગી, જઈને પૂછ્યું, “દીકરી હું નાની પોટલી લઈને ચડું છું તોય થાકી જઉં છું, તેં તો તારા ભાઈને ઉપાડ્યો છે, તને ભાર નથી લાગતો?” છોકરી ચિડાઈ ગઈ, “ભાર? સ્વામીજી, ભાર તો તમે ઉપાડ્યો છે, આ તો મારો ભાઈ છે!” જોકે નાનાભાઈને ત્રાજવામાં મૂકવામાં આવે તો એનો ભાર સંન્યાસીની પોટલી કરતા વધારે નીકળે. પણ પ્રેમના ત્રાજવામાં એ ભાર ઓગળી ગયો. જ્યાં પ્રેમ છે, ત્યાં ભાર નથી. પ્રેમના જાદુએ ગુરુત્વાકર્ષણના નિયમને તોડી નાખ્યો. એ બાળકીનું મન એ સ્વીકારી જ નહોતું શકતું કે ભાઈનો ભાર હોય!એ બાળકીને સંન્યાસીની પોટલી આપવામાં આવે તો એ હલકી હોવા છતાં ભાર લાગી શકે. આ ભાર વજનનો નથી, મનમાં એ વસ્તુ પ્રત્યે રોપાયેલી સમજણનો છે. સુખ અને દુઃખનું પણ જીવનમાં આવું જ છે.

બીજી પણ એક કથા પણ યાદ આવે છે. એક બ્રહ્મચારી ગુરુ પોતાના શિષ્યોને લઈને યાત્રા કરતા હતા. વચ્ચે નદી આવી. એક મહિલા નદી પાર કરવા પ્રયત્ન કરતી હતી, પણ કરી શકતી નહોતી. ખૂબ ભયભીત હતી. પાણીની ખૂબ બીક લાગતી હતી તેને. ગુરુએ કહ્યું, “બહેન જો તમને વાંધો ન હોય તો મારા ખભે બેસી જાવ, હું તમને નદી પાર કરાવી દઉં.” આ જોઈને શિષ્યોમાં તો હાહાકાર મચી ગયો. બ્રહ્મચારી ગુરુ અને ભીંજાયેલી મહિલાનો સ્પર્શ... આ તો ઘોર અનર્થ છે. ગુરુ પોતાના કામમાં લીન હતા. શિષ્યો અંદર અંદરો બબડાટ કરવા લાગ્યા. ઘણાને અફસોસ થયો કે આવા દંભી ગુરુની દીક્ષા શા માટે લીધી?

નદી પાર કરી, મહિલાને ઉતારી ગુરુ ચાલવા લાગ્યા. શિષ્યોમાં ગણગણાટ ચાલુ હતો. ઘણા માઇલો ચાલ્યા પછી એક શિષ્યથી રહેવાયું નહીં. તે પૂછી બેઠો. “ગુરુજી તમે ધૂર્ત છો, બ્રહ્મચારી હોવાનો ઢોંગ કરો છો. તમે તો મહિલાને ખભે બેસાડો છો.” ગુરુએ પૂછ્યું, “કઈ મહિલા?” શિષ્યએ આખી ઘટના યાદ કરાવી. ગુરુ હસીને કહે, “મેં તો એ મહિલાને ત્યાં જ ઊતારી દીધેલી, તમે તો હજી ખભે ઉપાડીને ચાલી રહ્યા છો.”

સમજવાની વાત એટલી જ છે કે ઘણી વાતો અમુક ઘટનાની નદીના કાંઠે ઉતારી દેવાની હોય, છતાં આપણે મનમાં એનો ભાર લઈને ચાલ્યા કરીએ છીએ, આ જ દુઃખ છે. 

હજી બીજું એક ઉદાહરણ આપું. તમે એક પાણીનો અડધો ગ્લાસ ભરો. ચલો, અડધો પણ નહીં, ખાલી ગ્લાસ લો. તે પકડીને ત્રીસ મિનિટ ઊભા રહો. શું થશે? હાથ દુઃખવા લાગશે. ચાલો એને બે કલાક પકડી રાખો. શું થશે? હાથ જકડાઈ જશે. પાંચ કલાક પકડી રાખો. શું હાલત થાશે? હાથમાં ખાલી ચડી જશે. કદાચ હાથ ખોટો પણ પડી જાય. એવું કેમ? ગ્લાસ તો ખાલી છે. તેમાં વજન પણ નથી. ભાર જેવું છે જ નહીં. તો કેમ આવું થયું? એવું થવાનું કારણ એ જ કે તમે તેને એક જ સ્થિતિમાં સતત પકડી રાખ્યો. જો ખાલી ગ્લાસ પકડી રાખવાથી શરીરની આ હાલત થતી હોય તો આપણે મનમાં કેટલી બધી નિરર્થક વાતો આ રીતે પકડીને બેસી રહીએ છીએ, આપણા મનની શી અવદશા થતી હશે? આવા ખાલી ગ્લાસ જેવા વિચારો એકધારા પકડી રાખવાથી વજન ન હોવા છતાં પણ આપણું મન જકડાઈ જાય છે. આ દુઃખનું મૂળ કારણ છે. 

વિપિન પરીખે કહ્યું છે, સુખ ચાલીના નળમાંથી ટપકતા પાણી જેવું છે. અર્થાત્ બહુ જ ઓછું છે. જ્યારે દુઃખ મુંબઈની ટ્રેનમાંથી લોકોના ઉતરતા ધાડાં જેવું અર્થાત પુષ્કળ છે. જેમણે મુંબઈ લોકલ ટ્રેનનો અનુભવ કર્યો હશે તે આ વાત વધારે સારી રીતે સમજી શકશે. સૌમ્ય જોશીએ ‘સુખ અને દુઃખ’ની સરખામણી કરતી કવિતા લખેલી, તેમાં પણ સુખ માંદલું અને દુઃખ તગડું એવી વાત કરેલી. જીવનનો દુઃખમાં અતિરેક છે, એ જ વાત મોટાભાગનાં સર્જકો કરતાં હોય છે. એમાં ખોટું પણ નથી. પણ એ અતિરેક કેમ છે? એ જાણવું જરૂરી છે. એના કારણમાં આપણે પોતે છીએ. આપણે જ ઘણી નિરર્થક વાતોનો ભાર મનમાં ઊંચક્યા કરીએ છીએ. ‘જીવનમાં સુખ વધુ કે દુઃખ, કે બંને, કે એક પણ નહીં?’ આ પ્રશ્નનો જવાબ એ જ કે જીવનમાં તમે જે માનશો તે વધુ છે. આમ જોવા જઈએ તો કશું વધુ કે ઓછું નથી. બધું માત્ર ‘છે’. આ વાતને જાતુષ જોશી ખૂબ તટસ્થતાથી કહે છે. 

લોગ આઉટઃ

સુખ અને દુ:ખને તપાસ્યા તો થયું,
એક મનના બે અલગ ફોટા હતા!
— જાતુષ જોષી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો