![]() |
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ |
ઊડી ગયું કો
પંખી કૂજતુઃ રવ
હજીયે નભે.
- સ્નેહરશ્મિ
ગાંધીયુગના મહત્ત્વના સર્જક એટલે ઝીણાભાઈ દેસાઈ – સ્નેહરશ્મિ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક એમ સાહત્યનું ભાગ્યે જ કોઈ ક્ષેત્ર તેમણે બાકી રાખેલું. 6 જાન્યુઆરી 1991ના રોજ જગતને અલવિદા કરનાર આ સર્જકની આજે જન્મતિથિ છે, 16 એપ્રિલ 1903માં ચીખલીમાં જન્મનાર આ સર્જકનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અવિચળ છે. કવિની જન્મતિથિ અને મરણતિથિ યાદ કરી શકીએ, પણ કઈ તારીખે તેમનામાં કવિ જન્મ્યો તે કહેવું એટલું જ મુશ્કેલ છે, જેટલું ફૂલમાં સુગંધ જન્મવાની તારીખ કહેવી.
સ્હેરશ્મિએ અનેક સ્વરૂપોમાં પોતાને સિદ્ધ કરેલા, પણ હાઇકુમાં તેમની વિશેષ ફાવટ. માત્ર સત્તર અક્ષરમાં એવી વાત કરવી, જેમાં શાબ્દિક ચિત્ર બનતું હોય અને કવિતા પણ સર્જાતી હોય, એ કામ ખૂબ મુશ્કેલ છે. જેવા તેવાનું તેમાં ગજું નહીં. ચિત્ર બને તો કવિતા ન થાય અને કવિતા થાય તો ચિત્ર રહી જાય, ઘણી વખત આ બેમાંથી કશું ન પણ થાય. પણ ઝીણાભાઈ, નામ પ્રમાણે ઝીણું કાંતનારા હતા. તેમના કાવ્યોનો અભ્યાસ કરશો તો આપોઆપ ખ્યાલ આવશે. અહીં લોગઇનમાં સત્તર અક્ષરમાં ગૂંથેલું હાઇકું જોઈ લ્યો તો પણ ખ્યાલ આવી જશે.
નભમાંથી એક પંખી ઊડી ગયું છે, પણ તેનો રવ અર્થાત્ અવાજ હજી પણ આકાશમાં ગૂંજી રહ્યો છે. આંખો મીંચીને આટલા શબ્દો સાંભળો એટલે બંધ આંખે પણ તમને ખાલીખમ આકાશ, ઊડી ગયેલા પંખીનો અભાવ, અને કશું ન હોવા છતાં કશુંક હતું આકાશમાં, તેનો આભાષ – આ બધું જ ચિત્રરૂપે મનમાં ઊભું થવા લાગશે. આ જ તો કવિની કમાલ છે. ચીનમાં કહેવત છે કે એક ચિત્ર હજાર શબ્દો બરોબર છે. જો આ કહેવતને સંપૂર્ણ સાચી માનીને ચાલીએ તો આ હાઇકુમાં ચિત્ર પણ છે અને કવિતા પણ. તો આ એક શબ્દચિત્ર બરોબર કેટલા શબ્દો તમે ગણશો? એમાં રહેલા 5-7-5ના બંધારણીય અક્ષરો કે શબ્દોને ભૂલી જાવ, તેમાં રહેલા ભાવ અને ભાવનામાંથી નીકળેલા શબ્દો ગણી જુઓ.
પંખી તો પ્રતીક છે, આપણા જીવનનું. જિંદગીમાંથી કોઈ ગમતી વ્યક્તિ હંમેશાં માટે ઊડી જાય, પછી તેની ખાલી જગ્યા શેનાથી પૂરશો? એ સંભવ જ નથી. એ તો પડતા મકાનને પીલર બાંધવા બરોબર છે. જર્જરિત મકાનને ગમે તેટલા પીલર બાંધો, તેનાથી કદાચ તે ટકી રહેશે, પણ તેમાં રહેલું ખંડેરપણું ક્યાંથી દૂર કરશો? ખલીલસાહેબને ગઝલની પંક્તિ છે, ‘તમને દુઆ તો મળશે અસર ક્યાંથી લાવશો?’ આ અસર ખૂબ મહત્ત્વની છે. જુબૈર અલી તાબીશનો શેર પણ યાદ આવે છે,
અંગૂઠી તો મુઝે લૌટા રહે હો,
અંગુઠી કે નિશાં કા ક્યા કરોગે?
આંગળી પર રહેલાં બાહ્ય નિશાનો તો સમય જતાં ઝાંખાં થશે, કદાચ વર્ષો પછી સાવ અલોપ પણ થઈ જશે, પણ હૃદય ઉપર જે લાગણીની વીંટી પહેરાઈ છે, તેનાથી દિલમાં જે જે નિશાનીઓ બની છે, તેનું શું?
જીવન એક વિશાળ આકાશ છે, તેમાં અનેક પંખીઓ વિહરી રહ્યાં છે, પણ આપણી માટે કોઈ એક ખાસ પંખી છે, જેના સથવારે આકાશ આંબવાનું છે, પાંખો વીંઝવાની છે, ટહુકાથી નભને સૂરીલું બનાવવાનું છે, તેને એક ખાસ વ્યક્તિની સંગે રહીને રંગવાનું છે. આપણે પ્રેમ, લાગણી, સ્નેહ, મતત, ત્યાગ, જેવી અનેક ભાવનાઓના રંગોથી જીવનના આકાશને રંગી રહ્યા હોઈએ અને અચાનક સાથી પંખી ઊડી જાય પછી રહી ગયેલા અધૂરા ચિત્રના રંગો આપણા બાકીના જીવનને સાવ બેરંગ બનાવી દે છે. એ વખતનો અભાવ કેવો હોય છે એ જાણવું હોય તો સરહદે લડવા ગયેલ પતિનું શબ અચાનક ઘરે આવેલું જોયું હો તેવી નવોઢાને પૂછજો. નવપરણેતર ઓફિસથી પતિના ઘરે આવવાની રાહ જોતી હોય અને અચાનક તેનું મૃત શરીર આગણે પ્રવેશતું જોય હોય તેને પૂછજો. જિંદગીભર સાથે રહેવાના કોલ આપ્યા હોય એ વ્યક્તિને અચાનક ઈશ્વર કોલ કરીને બોલાવી લે, પછી એકલી પડી ગયેલી વ્યક્તિને પૂછજો. આ અભાવને કેવી રીતે દૂર કરવો? એ સંભવ જ નથી, છતાં આવા અભાવને સ્વભાવમાં વણીને જીવન જીવવાનું હોય છે. અભાવનો સ્વભાવ છે, સમયાંતરે આપણા ઘાવને તાજા કરવાનો. જ્યારે પણ આવો અભાવ આવે ત્યારે તેને પ્રેમથી આવકારવો, કહેવું કે ભલે મારું આકાશ ખાલી છે, પણ તેમાં કોઈ વ્યક્તિના રંગો હજી હયાત છે, તેની પગલીઓ હજી અકબંધ છે મારા હૃદયમાં.
સ્નેહરશ્મિએ તો સત્તર અક્ષરમાં અભાવનો પ્રભાવ શબ્દાંકિત કરી આપ્યો છે. કવિ બધું કહેવા ન બેસે. એ તો જીવનની જુદી જુદી ભાવનાઓને કવિતાના બિબામાં ઢાળીને આપણી સામે મૂકે છે. જીવનના તથ્યને કલાત્મક રીતે રજૂ કરવાના પ્રયાસો કરે છે. તેમાંથી આપણું સત્ય આપણે શોધી લેવાનું હોય છે.
જીવન આમ પણ અભાવોથી સ્વભાવથી ભર્યું છે. કયા સંબંધમાં અભાવ નથી? બધા સંબંધમાં હૃદય તૂટવાનો ખતરો છે. આજીવન આ ખતરા વચ્ચે જ જીવવાનું છે. પણ પ્રેમનો સંબંધ સર્વશ્રેષ્ઠ હોય છે. પવિત્ર લાગણી સાથે થયેલા પ્રેમનો અભાવ પણ પવિત્ર હોય છે. અભાવ રાખવો તોય મોરના ટહુકા જેવો, મનોજ ખંડરિયાનો પેલો શેર છેને-
લોગ આઉટઃ
મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.
- મનોજ ખંડેરિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો