ઊંડા રે કૂવા જળ છીછરાં

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઇનઃ​​

ઊંડા રે કૂવા જળ છીછરાં વાલીડા
ઘોર રે અંધારાં ગયાં ઘેરાઈ જી,
જીવડો જીવે નહીં એમાં આયખું આવે નહીં
રાખ્યા અધવચ્ચે રઘુરાયજી.

સમદરની બાંધી તેં તો સંસારની બાંધી નહીં રે
વાહ રે બાંધનારા તારો વિવેકજી,
આવડો અંતરો તારે રાખવો નો’તો વાલા
અમે રે ઘણાં ને સીતા એક જી.

ડાળીએથી છૂટ્યાં વાલા ફફડીને પાંદડાં
કરવાં ક્યાં જઈને મુકામજી,
ઘાંઘા રે કરીને તેં ઘરમાંથી કાઢ્યા
કીધા રે વાહોલિયા કૂડા કામજી.

મનસા કરોળિયે બાંધ્યા તૃષ્ણાના તાંતણા ને
ફરતી ગૂંથી માંહી વેલ્યજી,
પોતે રે પુરાયો જીવડો બીજાને નીરખે એવી
જુગ રે બંધન કેરી જેલજી.

– કવિ દાદ

ગુજરાતી કવિતાના કાળજાનો કટકો એટલે કવિ દાદ. તેમની રચના સાંભળીને તેમનું ઉપનામ આપોઆપ સાબિત થઈ જાય. આપણાથી વાહ બોલાઈ જાય! તેમના લહેજામાં સાંભળીએ તો તો રીતસર આપણે એ બાની અને રજૂઆતમાં તણાઈ જઈએ. તેમના સર્જનમાં રહેલી લોકકવિતાની છાંટે તેમને લોકજીભે ચડાવ્યાં. કાઠિયાવાડી રંગે રંગાઈને આવતી તેમની રચનાઓ પાછળ ગુજરાત ઘેલું છે. આ કાળજાના કટકો હમણા જ દેહ નામની ગાંઠથી છૂટ્યો. પણ તેમણે જે કવિતાની ગાંઠ બાંધી છે તે તો છૂડ્યે ન છૂટે એવી છે. એ કાયમ માટે ગુજરાતી ભાષાના કાળજે સચવાઈ રહેશે. ભજન, લગ્નગીત, દૂહા, છંદ રૂપે તેમણે જે સરવાણીઓ વહાવી છે, તેમાં ગુજરાત ભૂમિ, ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા ત્રણે પાવન થયા છે.

શબ્દ શોધવાથી સંહિતા નીકળે તે વાત તે સારી રીતે જાણતા હતા. તેમનો શબ્દ તો પાળિયામાં પ્રાણ પૂરતો હતો. એમની બાનીની પ્રવાહિતા રૂપાળી, નખરાળી નદી જેવી હતી. આ નદીમાં આપણને પણ સતત ખળખળ વહ્યા કરવાનું મન થાય. તેમની રચનાઓ એટલી બધી લોકપ્રિય છે કે ઘણા તો અમુક રચનાઓને લોકગીત ગણે છે. આજ તો દાદની કલમનો કમાલ છે. જીવનનું ઊંડું દર્શન પણ એમણે ખૂબ સહજતાથી આલેખ્યું છે. તેમનાં ભજન આપણને સ્વજન જેવા લાગે છે.

આ ઉપરની કવિતા જ લ્યો ને. પહેલી પંક્તિમાં જ જુઓ, ‘ઊંડા રે કૂવા જળ છીછરાં વાલીડા...’ આ ઊંડો કૂવો કયો? કયું છીછરું જળ? ઊંડો કૂવો એટલે આ સમગ્ર સંસાર... આ જગત... આ વિશ્વ... અને છીંછરાં જળ તે આપણું જીવન... સીમાબ અકબરાબાદીનો બહુ જ જાણીતો શેર યાદ આવે છે,

ઉમ્ર-એ-દરાજ માંગ કે લાઈ થી ચાર દિન,
દો આરજૂ મેં કટ ગયે, દો ઈંતેઝાર મેં.

ખોબા જેવડી જિંદગીમાં કેટલી હાયવોય! એવી કેવી વિકટ સ્થિતિમાં જીવવાનું છે! કવિ દાદે તો અહીં સંસારને ઊંડો કૂવો કહ્યો છે. વળી આ કૂવામાં પાણી ઓછું ને પથરા ઝાઝા છે. આવા કૂવામાં કોઈ આપણને ધકેલી દે તો શું વલે થાય? એમાં તો પછી માત્ર ઘવાવા-રિબાવાનું જ રહેને! આપણે આ સંસારના કૂવામાં અધવચ્ચે સલવાયા છીએ, હવે જીવ્યું જીવાય નહીં અને મર્યા મરાય નહીં એવી સ્થિતિમાં સર્જનહારે મૂકી દીધાં છે. જીવનની આ કેવી વિમાસણ છે!

જેમને જગત મર્યાદાપુરુષોત્તમ કહે છે, એવા પ્રભુ શ્રી રામે માત્ર એક સીતાજીને ખાતર કેટલા મોટા સાગર પર પુલ બાંધ્યો! પણ આ સંસારસાગરમાં અનેક જીવો ડૂબકાં ખાઈ રહ્યાં છે તેમની માટે તેમને કાંઈ પુલ બાંધવાનું ન સૂજ્યું? પ્રભુએ આ ખરો વિવેક દાખવ્યો! કવિ દાદે કટાક્ષ કર્યો, પ્રભુ તમારે અમારી સાથે આવો ભેદ નહોતો રાખવો જોઈતો. પ્રભુ રામ પોતે જ આમ કરશે તો બીજાનું શું?

જે પાંદડાં ફફડીને ડાળીએથી છૂટી ગયાં તે બાપડાં ક્યાં જઈને પોતાનો મૂકામ કરશે? પૃથ્વીનો છેડો ઘર, પણ જેને પોતાના છેડેથી કાપી નાખવામાં આવે, પોતાના ઘરથી જ હડધૂત કરીને કાઢી મૂકવામાં આવે તે ક્યાં જાય? કવિએ અહીં ‘ઘાંઘા’ શબ્દ વાપર્યો છે, તેમાં જ ઘણો મૂંઝારો અને રઘવાયાપણું દેખાઈ આવે છે.

મનનો કરોળિયો તુષ્ણાના તાંતણા બાંધીને મોટું જાળું રચી લે છે. રોજ ઇચ્છાના નવા નવા તાંતણા આપણું મન રચતું જાય છે. આ જાળું દિવસે ને દિવસે મોટું થતું જાય છે. આ જાળામાં આપણો જીવ પુરાઈ ગયો છે. જાતે કરીને જુગજુગની જેલ વેઠી છે. પોતે પુરાયો છે, પણ આ રીતે બીજાને પુરાયેલા જોઈને જીવડો રાજી થાય છે. આપણે તુષ્ણાના તાંતણે આજીવન બંધાઈ રહેવાનું છે.

સરળ ભાષામાં દાદે કેટલી મોટી વાત કરી દીધી! દાદનો ફિલસૂફીભર્યો આ સાદ ગુજરાતી ભાષામાં કાયમ ગૂંજતો રહેશે. તેમની નખરાળી નદી જેવી ભાષામાં લખાયેલી રચનાની થોડી પંક્તિથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

– કવિ દાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો