BOOK REVIEW: ઓતરાદી દીવાલો । કાકાસાહેબ કાલેલકર

પુસ્તક ખરીદવા માટે આ લિંક પર ક્લિક કરો.
કોઈ માણસને ગુજરાતી વાંચનમાં રસ હોય અને એ કાકાસાહેબ કાલેલકરને ન ઓળખતો હોય તેવું સંભવ નથી. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતીમાં તેમણે એટલું સુંદર-સરળ-સચોટ લેખન કર્યું છે કે તમે તેમના લેખનના પ્રેમમાં પડી જાવ. કદાચ એટલે જ ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપેલું. આ સવાયા ગુજરાતી એવા કાકાસાહેબે અનેક ઉત્તમ પુસ્તકો આપીને ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. ‘જીવવાનો આનંદ’ હોય કે ‘રખડવાનો આનંદ’; ‘હિમાલયનો પ્રવાસ’ હોય કે ‘બ્રહ્મદેશનો પ્રવાસ’; ‘જીવનસંસ્કૃતિ’ હોય કે ‘જીવતા તહેવારો’ દરેક પુસ્તકમાં તેમના આગવા લેખનની સુગંધ તમને અનુભવાશે. તેમનાં લખાણો પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા સમાન છે.

કોઈ માણસને ગુજરાતી વાંચનમાં રસ હોય અને એ કાકાસાહેબ કાલેલકરને ન ઓળખતો હોય તેવું સંભવ નથી. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતીમાં તેમણે એટલું સુંદર-સરળ-સચોટ લેખન કર્યું છે કે તમે તેમના લેખનના પ્રેમમાં પડી જાવ. કદાચ એટલે જ ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપેલું. આ સવાયા ગુજરાતી એવા કાકાસાહેબે અનેક ઉત્તમ પુસ્તકો આપીને ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. ‘જીવવાનો આનંદ’ હોય કે ‘રખડવાનો આનંદ’; ‘હિમાલયનો પ્રવાસ’ હોય કે ‘બ્રહ્મદેશનો પ્રવાસ’; ‘જીવનસંસ્કૃતિ’ હોય કે ‘જીવતા તહેવારો’ દરેક પુસ્તકમાં તેમના આગવા લેખનની સુગંધ તમને અનુભવાશે. તેમનાં લખાણો પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા સમાન છે.

કાકાસાહેબે જેલમાં રહીને પ્રકૃતિની જીવનલીલાનું જે દર્શન કર્યું તેનું રસપ્રદ અવલોકન એટલે ‘ઓતરાદી દીવાલો’.

એ વખતે ગાંધીજીના આશ્રમથી ઉત્તર તરફ રહેલી સાબરમતી જેલની દીવાલો સ્પષ્ટ દેખાતી. દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન દેખાતું. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદની મિલોનાં ભૂંગળાં દેખાતા. કાકાસાહેબ રખડુ જીવ, વખત મળે એટલે બધે રખડી આવે. પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે એનો જવાબ એમને મળ્યો નહીં. પરંતુ સરકારની કૃપાથી એ સવાલનો જવાબ મળ્યો. થયું એવું કે સ્વતંત્રતાની લડતના ભાગરૂપે તેમને જેલમાં જવાનું થયું. આશ્રમથી દેખાતી આ ઓતરાદી દીવાલોની અંદર શું ચાલી રહ્યું છે તે નજરે જોવાનું તથા અનુભવવાનું થયું.

જેલ-અનુભવોની વાત થાય એટલે ચોક્કસ મનમાં એક છબી રચાઈ જાય. વાચક આપોઆપ ધારવા માંડે કે લેખકે જેલમાં તેમની પર થયેલા અત્યાચાર વિશે લખ્યું હશે, “જેલમાં મારા પર બહુ આફતો પડી, જેલર બહુ આકરો હતો, સાવ બેસ્વાદ ભેજન હતું, ભૂખ્યા રહેવું પડતું, માર સહન કરવો પડતો, આકરી મજૂરી કરવી પડતી, અન્ય કેદીની કનડગત વેઠવી પડતી વગેરે વગેરે...” કાકાસાહેબ તો રખડુ જીવ, શહેરથી દૂર પ્રકૃતિના ખોળે આનંદ લેતા માણસ.... આવા રખડુ મુસાફરને જેલની ચાર દીવાલોમાં પૂરી દેવામાં આવે ત્યારે તેની શી વલે થાય? ચોક્કસ જીવ મુંઝાય.... પરંતુ જેલમાં પડતાં નાનાં-મોટાં કષ્ટો સાથે પશુપંખી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ, ઝાકળ અને ધૂમસ સાથેના અનુભવો પણ ઓછા નથી હોતા. કાકાસાહેબે એ વાત પ્રત્યક્ષપણે જાણી. જેલમાં પણ તેમણે કુદરત સાથે જુદી રીતે નાતો જોડી લીધો. જેલના આકરા સમયને પ્રકૃતિ સાથે જોડીને તેમણે રમણીય બનાવી દીધો. માણસ ધારે તો કાળકોટડીમાં પણ આનંદ શોધી શકે છે.

સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું કાકા કાલેલકરનું આ પુસ્તક વાચકોને એક જુદા જ પ્રકારનો અનુભવ કરાવે છે. આ પુસ્તકમાં એક કુદરતઘેલા લેખકની ચાર દીવાલો વચ્ચેની આનંદયાત્રા છે, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ નથી. અહીં તો વિદ્રત્તાને સ્થાને અનુભવની, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. બંધિયાર જેલજીવનનીમાં પણ લેખકે કીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોક સાથે દોસ્તી બાંધી લીધી છે. તેમનું જીવન પણ એક રીતે માણસો જેવું જ છે. આ બધા જ જીવોની નીતિ-રીતિ, જીવવાની ઢબ, સંઘર્ષ વગેરે દ્વારા માણસના સ્વભાવની પણ એક ઝાંખી થાય છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકો માત્ર લેખકના જ નહીં, વાચકના મનમાં પણ કુતૂહલ જગાડે છે.

કારાવાસનો સમયગાળો આ આનંદશોધક જીવનમરમી કેવી અનોખી રીતે કંટાળામાંથી આહલાદકતામાં ફેરવી નાંખે છે તે આ પુસ્તકનાં લખાણોમાંથી જોવા મળે છે. ઓતરાતી દીવાલોની સૃષ્ટિમાંથી પસાર થતાં આપણને વાચક તરીકે એમ લાગે છે કે કાકાસાહેબે કારાવાસની બધી જ દીવાલો કુદાવીને પોતાના મનને અને કલ્પનાને પંખીની જેમ અવકાશમાં મોકળાશથી વિહરતી કરી દીધી છે. તેમની રમૂજીવૃત્તિ, વિનોદવૃત્તિ એમાં ઘણો મોટો ભાગ ભજવે છે.

પુસ્તક વિશે કાકાસાહેબ પોતે લખે છે કે, “આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે, પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઇન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે.”

કાકાસાહેબ જેલમાં બાર બાર કલાક ઓરડીમાં પુરાઈ રહ્યા પછી પણ રુંધાવાને બદલે દૂધ જેવા ચાંદરણા સાથે રમત માંડે છે. આકાશમાં અગત્સ્યના તારાને ખોજે છે.... જેલમાં તેમની બદલી ફાંસીખોલીમાં થઈ. ફાંસીખોલી એટલે ફાંસી દેવાની જગા પાસે જ આવેલી, ફાંસીની સજાવાળા કેદીઓને રાખવાની ઓરડી. આવી ઓરડીમાં આવીને પણ કાકાસાહેબ બિલાડીઓ સાથે દોસ્તી કરી લે છે. જેલમાં તેમને મળતાં કાચાંપાકાં ભોજનમાંથી પણ તે આ જીવો માટે ખોરાક બચાવે છે. તેમના અન્ય મિત્રો પણ આ જીવો પ્રત્યે એટલો જ પ્રેમ રાખે છે. જેલમાં રહેલી ઘણી દયાવિહીન કઠોરતામાં ક્યારેક આવી દયાનું મિશ્રણ પણ જોવા મળે છે.

જેલની ખોલી સામે રહેલા લીમડાને નવાં પાન ફૂટે તો કાકાસાહેબના કુદરતઘેલા જીવને પણ આનંદ થાય છે. લીમડાના કડવા ફૂલની મીઠી સુગંધ માણી તે રાજી થઈ જાય છે. અને બધા સાથે મળીને કહે છે, ‘સરકારને શી ખબર કે અમે આટલો આનંદ લૂંટી રહ્યા છીએ!’ પરંતુ આ આનંદમાં ગંદકી કરતાં કબૂતરો પર સાહેબો ફાયરિંગ કરે ત્યારે તેમનો જીવ કકળી ઊઠે છે. તેમના મોઢામાંથી હાય નીકળી જાય છે.

એ જ રીતે એક રાત્રે ખિસકોલીની એક કારમી ચીસ સંભળાઈ. થોડી જ વારમાં કોઈ ખાતું હોય એવો અવાજ કાને પડ્યો બિલાડીનો વિશિષ્ટ આનંદોદ્ગાર સંભળાયો. એક ખિસકોલી બિલાડીના પેટમાં જઈ કાયમની સૂતી. એટલું જાણ્યા પછી કાકાસાહેબને ઊંઘ ન આવી. સાંજે થાકીપાકી પોતાના માળામાં સૂઈ ગઈ ત્યારે ખિસકોલીને શી ખબર કે આ તેની આખરની નિદ્રા છે? પણ ભૂખી બિલાડીને કેટલો આનંદ થયો હશે! રોજ રોજ કંઈ તેને આવી ઉજાણી ઓછી જ મળતી હશે? બિલાડીએ વિધાતાને અનેક આશીર્વાદ આપ્યા હશે!

ત્યારબાદ જે થયું તે કાકાસાહેબના શબ્દોમાં જ સાંભળો,
બિલાડીએ ખિસકોલીનો શિકાર કર્યો તે જ અરસામાં એક જુવાન કેદી ફાંસીએ ચડ્યો. તે દિવસે મને ખાવાનું ભાવ્યું નહીં. હિંસા એ શી વસ્તુ છે? સ્ટવબત્તીથી આપણે માકણ મારીએ છીએ, બિલાડી ખિસકોલીને મારી ખાય છે, અને ન્યાયદેવતા એક જુવાન ગુનેગારનો બળિ લે છે! આનો અર્થ શો? શું સમાજને આ જુવાનનો બીજો કશો આથી ચડિયાતો ઉપયોગ સૂઝ્યો નહીં? મૅજિસ્ટ્રેટ, જજ, દાક્તર, સુપરિન્ટેન્ડેન્ટ, જેલર, ડેપ્યુટી જેલર બધા ભેગા થયા. લાંચ ન મળે ત્યારે વીસ રૂપિયાની અંદર જ ગુજરાન ચલાવનાર દસ-બાર પોલીસો ભેગા થયા. એક જણે કાગળ વાંચી સંભળાવ્યો, બીજાએ ઈશ્વરનું નામ લીધું, અને બધાએ મળીને પછવાડિયે બાંધેલા એક અસહાય તરુણનું ખૂન કર્યું. જેલનો મોટો ઘંટ વાગ્યો અને દુનિયામાંથી એક માણસ ઓછો થયો. જેલના ઘંટે શું કહ્યું? તેણે માણસની બુદ્ધિનું પોગળ જાહેર કર્યું. તેણે કહ્યું, ‘ મનુષ્યજાતિએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે, મરી જનાર માણસનું શું કરવું એ સમાજને સૂઝ્યું નહીં એટલા જ માટે આટલા લોકોએ ભેગા થઈને એક માણસને આ દુનિયામાંથી વિદાય આપી અને તેના સરજનહારને બેવકૂફ ઠરાવ્યો!’ આજે સુપરિન્ટેન્ડેન્ટ જ્યારે આવશે ત્યારે શરમથી ઝંખવાણો પડેલો હશે એમ મેં ધારેલું. પણ તેને કંઈ એ પહેલો જ પ્રસંગ ન હતો.

આપણે મોટેભાગે પ્રાણીસંગ્રહાલયોમાં વિવિધ પશુ-પંખીઓ-પ્રાણીઓને પાંજરામાં પૂરાયેલાં જાયાં છે; તેમનું વર્ણન બહારના લેબલ પર વાંચી સંતોષ પણ વ્યક્ત કર્યો છે. પણ કાકાસાહેબને આનાથી ઊંધો અનુભવ થયો. તે જેલની કોટડીમાં પુરાયેલા હતા ત્યારે એક ઘોઘર બિલાડો બહારથી તેમને જોઈ રહ્યો. તેમને તપાસી ‘ગુર્ ર્ ર્’ ‘મ્યાઉં’ કરી એણે પોતાનો સંતોષ જાહેર કર્યો! આ બધું જોઈ કાકાસાહેબે લખ્યું, બિલાડીઓનું કોમી છાપું ચાલતું હોત તો પેલો ઘોઘર આ પ્રસંગ પર જરૂર એક લાંબો વર્ણનાત્મક લેખ લખત.

કાગડાઓના માળાની ગૂંથણી, સમડીઓ અને કાગડાઓ વચ્ચે થતું મહાભારત યુદ્ધ, ખિસકોલીના માળામાંથી છુટ્ટું પડેલું બચ્ચું અને તેના ફરી માળામાં પાછું પહોંચાડવાની જહેમત, ઝાડ પર કૂદાકૂદ કરતા વાંદરાના ટોળાં, તેમને નવડાવવા અને ખાવાનું આપવા માટે થતી રમતો આ બધું કાકાસાહેબે એટલું સરસ રીતે લખ્યું છે કે તે માત્ર પ્રસંગ ન બની રહેતા જીવનનો બોધપાઠ પણ બની જાય છે. તેમની વિશિષ્ટ લેખનશૈલીને લીધે તે માત્ર એક અનુભવ ન રહેતા નવલકથાના પ્રકરણ જેટલો રસપ્રદ બને છે.

*
એક દિવસ ખેરલ નામના એક સિંધી ભાઈએ એક વાંદરાને લલચાવી બરાકમાં પૂરી દીધો અને પછી માટીનાં ઢેફાં તેના પર ફેંકવા લાગ્યા. કાકાસાહેબે ખેરલને કહ્યું, ‘છોડ દો બિચારે કો. ગરીબ કો ક્યોં સતાતે હો?’ ખેરલ કહે, ‘યે તો હમારે દુશ્મન હૈં. ઉનકો મારના ચાહિયે.’ કાકાસાહેબે પૂછ્યું, ‘બિચારે બંદર તુમારે દુશ્મન કહાં સે બન ગયે?’ આનો તેમને જે જવાબ મળ્યો તેમાં તો માણસજાતની તર્કશક્તિની સીમા જ હતી. ખેરલે કહ્યું, ‘અંગ્રેજ હમારે દુશ્મન હૈં, હમ અંગ્રેજો કો બંદર કહતે હૈં, ઇસલિયે બંદર હમારે દુશ્મન હૈં! ઉનકો જરૂર મારના ચાહિયે!’ આ તર્કશાસ્ત્ર આગળ તો કાકાસાહેબ આભા જ બની ગયા. તેમણે કહ્યું, ‘તુમ અંગ્રેજ કો બંદર કહતે હો ઇસ મેં બંદરોં કા ગુનાહ ક્યા હૈ? ક્યા વે તુમારે પર રાજ કરતે હૈં? ક્યા બંદરો ને ખિલાફત સે દુશ્મની કી હે? ક્યા બંદર ઇસ દેશ કો લૂટ રહે હૈં?’ ખેરલ કહે, ‘લેકિન યે બંદર તો હૈં ના? બસ ઇસી લિયે યે હમારે દુશ્મન હૈં, જૈસે અંગ્રેજ વૈસે યે?’

આવા નાના-મોટા અનેક પ્રસંગો વચ્ચે વાચક પણ કાકાસાહેબની સાથે જેલનો અંતેવાસી હોય તેમ તેને લાગવા માંડે છે. લીમડાનું ઝાડ હોય કે અરીઠાનું, વાંદરા હોય કે બિલાડા, ઉંદર હોય કે ખિસકોલી, કીડી-મંકોડા હોય કે ગરોળી, કાગડા હોય કે સમડી, વરસતો વરસાદ હોય કે તાપ બધામાં કાકાસાહેબને કુદરતની વિશિષ્ટ લીલાના દર્શન થયા કરે છે. અને આ દર્શન વાચક પણ પોતાની આંખે કરે છે. વાચક પણ અગવડ ભૂલીને પ્રકૃતિના આનંદમાં ખોવાઈ જાય છે. આ આનંદ ક્યારેક તોફાની વાંદરાઓમાંથી મળે છે તો ક્યારેક દોડતી ખિસકોલીઓમાંથી, ક્યારેક મંકોડાના ઊતરી આવેલા કટકમાંથી તો ક્યારેક કબૂતરની ઊડાઊડમાંથી. ક્યારેક બિલાડીની પ્રાકૃતિક સ્વભાવમાંથી તો ક્યારેક ખિસકોલીની રમતમાંથી. અહીં પશુ-પંખીઓમાં રહેલી માનવતા અને માનવીઓમાં રહેલી પાશ્વતાના પણ દર્શન થાય છે.

જેલમાં પીડા છે, અગવડ છે, પરંતુ તેની કોઈ ફરિયાદ વિના તે આ પ્રકૃતિની નાની નાની વાતોમાં મોટા આનંદ લઈ લે છે. જે માણસ નાની વાતોમાંથી પણ મોટું સુખ શોધી શકે તેને કોઈ દુઃખી કરી શકે નહીં. કાકાસાહેબનું આ પુસ્તક વાંચીને વાચક પણ સૂક્ષ્મ વસ્તુમાંથી વિશાળ આનંદ મેળવવાની છુપી ચાવી મેળવે તો નવાઈ નહીં.

- અનિલ ચાવડા

1 ટિપ્પણી: