પ્રેમને ન શોધશો, આપોઆપ પ્રેમ તમને શોધી લેશે.

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇનઃ

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો!
ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો!

– મુકુલ ચોકસી

હિન્દીના સુપ્રસિદ્ધ કવિ કેદારનાથની એક નાનકડી કવિતા છે-

“ઉસકા હાથ
મૈંને હાથ મેં લેતે હુએ સોચા
દુનિયા કો
હાથ કી તરહ ગર્મ ઔર સુંદર હોના ચાહીએ.”

પ્રેમીના નરમ અને સુંદર હાથ જેવી દુનિયા હોય તો કેટલું સારું હતું. નાનકડી વાતોમાં મોટો પ્રેમ રહેલો હોય છે એ વાત મુકુલ ચોક્સીએ પોતાના ગીતમાં સુંદર રીતે કહી છે. મુકુલ ચોક્સી મૂળે સાઇકિયાટ્રિસ્ટ છે, પણ પ્રેમની સાઇકોલોજી તે ખૂબ સારી રીતે જાણે છે. અને એટલે જ તે બખૂબી કવિતામાં ઉતારી શકે છે. પ્રેમ કાયદામાં બંધાતો નથી, પણ એમાં કુમાશ ઉમેરાય તો બંધન ઉત્સવ બની જાય. અને કાયદો તો સપનામાં પાળવાનો હોય છે. વળી પ્રેમીના ગાલના ખંજનમાં તો ચોર્યાસી લાખનાં વહાણોનો કાફલો પણ સમાઈ શકે!

અચાનક મોસમના કલરવનું સાંભરવું, દાઢી કરતાં લોહી નીકળે ને પાલવનું યાદ આવવું... પ્રેમ નાની નાની ઘટનાઓમાં રહેલો હોય છે. કદાચ એટલા માટે જ ‘પ્રેમ’ શબ્દ આટલો નાનો છે. ‘એન્સાઇક્લોપીડિયા’ જેવો મોટો નથી. આમ પણ જ્ઞાનનો ભાર વધારે હોય ત્યાં પ્રેમ રહી શકતો નથી. પ્રેમ તો હળવાશ માગે છે. પ્રેમ પોતે જ અઢી અક્ષરની ગીતા છે. એક શબ્દનું બ્રહ્માંડ છે. પ્રેમ એટલે એક એવો શબ્દ જેમાં તમામ સંબંધો ઓગળીને અમૃત થઈ જાય. તે શિશુની નાનકડી આંખોમાં વિસ્મય થઈ ચમકતો જોઈ શકાય છે. બાળકોની ધીંગામસ્તીમાં ઉછળતો પામી શકાય છે. સ્કૂલમાં નોટબુક આપીને નજરની બુકમાં સ્થાન પામવાની ઘેલછામાં પણ મળી આવે છે. મુગ્ધાવસ્થામાં લખાયેલ લાગણીનિતરતા પત્રમાં શાહી થઈને રેલાતો જોઈ શકાય છે. એ દામ્પત્યજીવનની નાની-નાની મજાકોમાંથી પણ પુષ્પ બનીને પ્રગટી ઊઠે છે. વેલેન્ટાઇન ડેના દિવસે ગુલાબ બનીને તમારી આંખ સામે આવી શકે છે. બર્થડે કે એનિવર્સરીના દિવસે ગિફ્ટપેકનું સ્વરૂપ ધરીને પણ તમને મળી શકે. તેને કાંડા પર રાખડીના તાંતણામાં બંધાતો જોઈ શકાય છે. તે દીકરાના માથા પર ફરતા માના વહાલ નિતરતા હાથમાંથી પણ જડી જાય છે. પુત્રીના વિદાયટાણે બાપના હૃદયમાં ઘૂઘવાતો લાગણીનો દરિયો પણ થઈ જાય છે... રસ્તો ઓળંગતા વૃદ્ધની લાકડી પણ બની જાય છે પ્રેમ. ક્યારેક તે માતાપિતાની ગુસ્સાની ચાદર ઓઢીને પણ આપણી પાસે આવે છે. તે રીસ કે હઠનું પહેરણ પહેરીને પણ મળી શકે. અબોલાનું આવરણ રાખીને દૂર છતાં પાસે જેવું વાતવરણ સર્જીને તે આપણી ચોમેર પ્રસરી શકે.

પણ જો તમે તમારા માટે પ્રેમ શોધતા હોવ તો રહેવા દેજો. પ્રેમને ન શોધશો, જ્યારે તમે લાયક થઈ જશો ત્યારે આપોઆપ પ્રેમ તમને શોધી લેશે.

પ્રેમ વિશે શું કહીએ? કેટલું કહીએ? ક્યાં સુધી કહીએ? હજારો વર્ષોથી તેના વિશે કહેવાતું આવ્યું છે, જ્યાં સુધી માનવજાત છે ત્યાં સુધી આ વિષય સનાતન છે. કોઈ પ્રેમ વિશે ટૂંકમાં બોલવાનું કહે તો શું બોલી શકાય હેમેન શાહના આ શેર સિવાય?

લોગઆઉટ

દરિયા તરફ મેં આંગળી ચીંધી દીધી હતી,
એણે કહ્યું કે પ્રેમ પર બોલો ટુંકાણમાં.
- હેમેન શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો