સડકના ખુંદનારાને સડક ઝાલી નથી શકતી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇનઃ

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.
દિશા જાણ્યા વિનાના છે, દશાથી ધ્રૂજનારાઓ,
કહી દો એમને કે, હે દશાના પૂજનારાઓ!
દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકના ખુંદનારાને સડક ઝાલી નથી શકતી.

- વેણીભાઈ પુરોહિત

વેણીભાઈ પુરોહિત એટલે આંખનો અફિણી કવિ, રૂપની પૂનમમાં પાગલ થનારો કવિ! 1 ફેબ્રુઆરી 1916માં જન્મી 3 જાન્યુઆરી 1980માં જીવનલીલા સંકેલી લેનાર આ કવિ રચિત ગીત ‘આંખનો અફિણી’નું સમગ્ર ગુજરાતીઓને ઘેલું છે. આ ગીતે લોકપ્રિયતાના સીમાડા વટાવ્યા છે. સુગમસંગીતના ગાયકો માટે તો આ ગીત જીવાદોરી સમાન છે. તેમનું ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં’ પણ એટલું જ અદ્ભુત કાવ્ય છે! આ સિવાય મુક્તક, ગઝલ, ગીત, છંદોબદ્ધ કવિતા, સોનેટ, પ્રસંગકાવ્યો, વાર્તાઓ ઇત્યાદિમાં પણ હાથ અજમાવ્યો છે. ભજનો અને ગીતોમાં તેઓ વિશેષ ખીલ્યાં છે. આમ તો તેમની અનેક કાવ્યપંક્તિઓ લોકહૈયામાં વસેલી પણ, આ એક શેર તો અદ્ભુત છે.

આપણી આ અલવિદાનાં આંસુઓ લો સાચવી,
કોકના સેંથાનું હું સિંદૂર થાતો જાઉં છું.

પ્રણયની નિષ્ફળતા અને એક પાત્રથી છૂટીને અન્ય પાત્ર સાથે જોડાયાની વાત આમાં કેટલી ગાઢ રીતે ઉલ્લેખી આપી છે. વેણીભાઈની કલમમાં એ તાકાત હતી. ઊર્મિ તેમની કવિતામાં આડખીલી નથી બનતી, પણ ઉપકારક બને છે. તેમનો જુસ્સો પણ ઊર્મિસભર હોય છે. ઉપર આપવામાં આવેલી કવિતાથી તેની પ્રતિતિ થશે. આવતી કાલે તેમની જન્મતિથિ છે, આજે આ કવિતાથી તેમને વંદન કરીએ.

સેલ્ફહેલ્પ, પ્રેરણાત્મક અને પોઝિટિવ વાતોનાં સેંકડો પુસ્તકો વિશ્વમાં છપાય છે. કરોડો લોકો વાંચે છે અને તેમાંથી પોતાને રુચે એવી પ્રેરણા મેળવે છે. પણ ક્યારેક પોઝિટિવ થિંકિંગનું પાંચસો પાનાનું પુસ્તક ન કહી શકે તેવી વાત એક પાંચ શબ્દની કવિતા કહી જતી હોય છે. કવિતા રાઈ જેટલી સાઇઝમાં રહીને પણ પહાડ જેટલી ઊંચાઈ ધરાવી શકે છે. જે કહેવા માટે નવલકથામાં બસો પાનાં ભરાય તે વાત કવિતા તેની કરતાં પણ વધારે માર્મિક રીતે બે લીટીમાં કહી દે છે. વેણીભાઈની આ કવિતા પણ એવું જ કામ કરે છે. અવદશાની અડાબીડ ગલીમાં ગૂંચવાયેલા લોકો પરિસ્થિતિના પથ પર વારંવાર ઠેસ ખાધા કરે છે. તેમનામાં આત્મવિશ્વાસનો અહાલેક જાગતા વાર લાગે છે. વિપરીત સ્થિતિના પવનો ફૂંકાયા કરે છે અને પ્રાણનો દીવો તે પવનની સામે ધ્રૂજ્યા કરે છે. સામા પુરે તરનારો માણસ જ વહેતા વેણમાં પાર ઊતરી શકે છે. જિંદગી તો આવા ધસમસતા વહેણ જેવી છે. એમાં આપણે તરવાનું છે. કવિએ દશાને સડક જેવી કહી. સડક ચાલી નથી શકતી. આપણે ત્યાં એક પ્રશ્ન કાયમ પૂછાય છે, “આ રસ્તો ક્યાં જાય છે?” ત્યારે પૂછનાર અને જવાબ આપનાર બંને જાણતા હોય છે કે રસ્તો ક્યાંય જતો નથી, પણ તેની પર ચાલનાર મુસાફરે જ જવાનું છે. છતાં આ પ્રશ્ન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે મુસાફર પૂછે છે. જીવનની દડમજલમાં અટવાયેલા લોકો આ રસ્તાની ગૂંચમાં જ રહી જાય છે. પણ જે સડકના ખૂંદનારા છે, તે રસ્તાના મોહતાજ નથી. પોતાની કેડી જાતે કંડારે છે. એ તો પવનની પીઠ પર સવાર થઈને પણ ચાલી નીકળે છે. હિંમતનાં હલેસાં જેની પાસે હોય તેને સમંદરનો સામનો કરતાં કોણ રોકી શકે?

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકના ખુંદનારાને સડક ઝાલી નથી શકતી.

આ પંક્તિઓ આજની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ જોવા જેવી છે. જનતાની દશા સડક જેવી છે, અને રાજનેતાઓ તેને કુંભાર માટી ખુંદે તેમ ખુંદી રહ્યા છે. બાપડી પ્રજા ગારા જેમ ગુંદાઈ રહી છે. અને સત્તાધીશો માટીને મનગમતા આકાર આપવામાં પડ્યા છે. આવી પ્રજા નામની સડકને ખુંદનારા નેતાઓને પ્રજા બાપડી ઝાલી નથી શકતી, એ નાનકડા હક માટે પણ સરકારી કચેરીઓનાં પગથિયાં ઘસ્યા કરે છે. જોકે, આ તો એક ઊભો કરેલો અર્થ થયો. કવિતા તો દરેક વાચકને તેનો સ્વતંત્ર અર્થ કરવાની મોકળાશ આપે છે.

જીવનમાં ઘણી અંધકારભરી રાત આવતી હોય છે. એ રાત વીતાવીએ પછી સવાર આવતી જ હોય છે. આવી દુઃખભરી રાત વીતાવી નાખવાની વાત કરતી એક સુંદર કવિતાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જીવનમાં હોય દિવસ ને રાત,
રાત ગુજારી નાખો,
અદબ અલગારી રાખો.

નીરવતા મનમાં નયનોમાં કરે પિશાચી પ્યાર,
અંધકારનો પાગલ હાથી, ધસે આર ને પાર,
જરા હુશિયારી રાખો, રાત ગુજારી નાખો.

ભલે કલેજું કૂણું, એના વજ્જર હો નિરધાર,
ફાગણમાં ડોલર કેસૂડા, મસ્ત ચટાકેદાર,
ચટાકેદારી રાખો, રાત ગુજારી નાખો.

શિલ્પી ચાહે છે પ્રતિમાને, પણ પૂજે હથિયાર,
રાત કહે જે સપનાં તેને, દિન આપે આકાર.
ધરમને ધારી રાખો, રાત ગુજારી નાખો.

વનની વાટે મજલ દિવસના રણની વાટે રાત,
માલિકનો રસ્તો છે બંદા, માલિકની જ મિરાત,
સફરને જારી રાખો, રાત ગુજારી નાખો.

- વેણીભાઈ પુરોહિત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો