લોગઇનઃ
ભટકે ભૂખના ટોળાં,
જીવન જેવી ચીજ પડી ગઈ, કરતાં ખાંખાખોળા!
કાલ હતાં જે સાથ અમારી હૈયું, મસ્તક, હાથ,
ખપમાં આવ્યા એ જ હવે શું ભરવી બીજે બાથ?
સપનાનું છે બચકું માથે, ને હાથે શિશુ ભોળાં!
ભટકે ભૂખના ટોળાં...
દૂરદૂરથી કરચલિયાળા ચહેરા કરતા સાદ,
ડગલે-પગલે વચ્ચે નડતાં ગામસીમના વાદ,
ક્યાંક છાંયડો માંડ મળે ત્યાં કાળ કાઢતો ડોળા!
ભટકે ભૂખના ટોળાં...
– વિપુલ
પરમાર
કવિ ઉમાશંકર જોશીની ખૂબ જાણીતી કાવ્યપંક્તિઓ છે,
ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ;
બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું.
માણસને જીવવા માટે શું જોઈએ? ધબકતું કોમળ હૈયું, કે
જેથી કોઈને ચાહી શકાય. મસ્તક કે જેથી ઉન્નત વિચારો રાખી શકાય. બુદ્ધિ છે તો
બ્રહ્માંડ હાથમાં છે એ વાત ખોટી નથી. અને કામ કરી શકે તેવા બે મજબૂત હાથ છે તો
જીવન જીવવા બીજું શું જોઈએ. આ ત્રણ પવિત્ર વસ્તુ માણસ પાસે હોય તો જગ જીતી શકે છે.
ઉમાશંકર જોશીએ તો ચપટીક શબ્દોમાં ચારેય વેદનું જ્ઞાન આપી દીધું. પણ અત્યારની
પરિસ્થિતિ કંઈક જુદી છે. લોકો પાસે હૈયું છે, મસ્તક છે, હાથ પણ છે. છતાં લાચાર છે.
કોરોનાની મહામારીએ વિશ્વએ અગાઉ ન અનુભવ્યા હોય, ન સંવેદ્યા હોય તેવા અનેક વિકટ પ્રશ્ન
ઊભા કર્યા છે. તેમાંય મજૂરોની લાચારીએ હૈયું વલોવી નાખે એવાં દૃશ્યો સર્જ્યાં છે. વિપુલ
પરમારે આ કવિતામાં સાંપ્રત સમયમાં થયેલી મજૂરોની દયનીય હાલતને સુપેરે વર્ણવી છે. આ
કવિ જાગ્રત છે. સાંપ્રત સ્થિતિને કવિતાના મણકામાં પરોવી કલાકીય માળા સર્જવાની તેમની
ઊંડી સૂજ છે. આ કવિતા વાંચ્યા પરથી આપોઆપ તેનો ખ્યાલ આવે.
કવિતાની શરૂઆતમાં આવતો ભૂખના ટોળાં શબ્દથી જ કરૂણતા વ્યાપી
જાય છે. વળી આ ભૂખનાં ટોળાં ખોવાયેલી જિંદગીને શોધવા માટે ખાંખાંખોળા કરે છે.
જિંદગીને શોધવા મથે છે. એટલા માટે ભટકે છે. જિંદગી ક્યાં ખોવાઈ? શું
કામ ખોવાઈ? તો તેનાથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. ચાર-ચાર લોકડાઉનમાં મજૂરો જે રીતે
આર્થિક, માનસિક, સામાજિક અને શારીરિક રીતે પરેશાન થયાં છે, તેનું વર્ણન મુશ્કેલ
છે. કામધંધા બંધ છે, આવક આવતી અટકી ગઈ. ઘરમાં ખાવા ધાન નથી. વળી અહીં કામ વિના
બેસી પણ ક્યાં સુધી રહેવું?
ખાવા તો જોઈશેને? ઘણા લોકોએ પોતાનાં ચરણોને જ
વાહન બનાવ્યાં. પગપાળા વતનભણી ઊપડ્યા. આ યાત્રા કંઈ ચાલીને ડાકોર કે ચોટીલા જવા
જેવી નથી, કે જેમાં આનંદ-કલ્લોલ સાથે ગાણાં ગવાતાં હોય, સ્થાને-સ્થાને માર્ગમાં
પ્રસાદો વહેંચાતા હોય. અહીં તો ભૂખની ભૂતાવળો પેટમાં નાચી રહી છે, પ્રસાદની તો વાત
જ ક્યાંથી હોય? આવા રઝળતાં ભૂખનાં ટોળાની વાત કવિ કરે છે,
તેની જિંદગી ખોવાઈ ન જાય તો બીજું શું થાય? એ બાપડા તો રઝળપાટમાં
ફાંફા મારે છે જિંદગીને શોધવા.
અગાઉ કહ્યું તેમ હવે તો માત્ર હૈયું, મસ્તક, હાથ જ છે લડવા
માટે. એ જ આ વિકટ પરિસ્થિતિમાં કામમાં આવ્યા છે. ક્યાંક કોઈ વૃદ્ધ છે, ક્યાંક કોઈ
વિધવા બાઈ, ક્યાંક વિકલાંક પુરુષ તો ક્યાંક સગર્ભા પત્ની, ક્યાંક માતાની કમરે
લટકેલું નવજાત શિશુ... બધા ભૂખી લાચારીમાં પોતપોતાના ઘરે જવાં નીકળી પડ્યાં છે. જે
સપનાં લઈને તે અહીં આવ્યાં હતાં, તે સામાનનું પોટલું થઈને માથા પર પડ્યાં છે.
ઘણા યુવાનો કમાવા પોતાનું રાજ્ય છોડીને દૂરદૂર સુધી આવ્યા,
પણ અહીં આવ્યા પછી આ દિવસ જોવો પડશે તેવી તો કલ્પના પણ ક્યાંથી હોય. વતનમાં વૃદ્ધ
માતાપિતા રાહ જોતા હોય કે મારો દીકરો કમાઈને કશુંક લાવશે. પણ એ આશા હવે વ્યર્થ છે,
એ વૃદ્ધ ચહેરા તો માત્ર પોતાનું સ્વજન ઘરે હેમખેમ પરત આવે એટલું જ ઝંખે છે, પણ વળી
આ રાજ્યની સરહદો, વિવિધ તપાસ, વતન પહોંચવાની મંજૂરી, જીવનની આંટીઘૂંટીમાંથી બ્હાર
નથી નીકળી શકતા, ત્યાં આ બધી જંજાળો! છતાં હિંમત
કરી નીકળી પડ્યા. કાળઝાળ ઉનાળાનો તાપ જોયા વિના, મારગમાં માંડ ક્યાંક છાંયડો મળે
છે તો સૂરજ ડોળા કાઢીને તડકો વેરે છે. કાળને આટલો છાંયડો પણ સોરવાતો નથી.
વર્તમાન સમયમાં પોતાનું વતન છોડી દૂર આવેલા મજૂરો-કામદારોની
જીવનમાં ઊભી થયેલી હાલાકીને આ કવિએ બખૂબી રજૂ કરી છે. આવી કવિતા વાંચી કોઈના
હૈયામાં રામ જાગે, અને પોતાનાથી બનતી મદદ આફતગ્રસ્તોને કરે તો એમાં કવિનું મોટું
સાર્થક્ય અને એ કવિતા પામનારનું પણ અને મારા જેવા લેખકે કવિતા વિશે લખ્યાનું પણ...
લોગઆઉટ
કલ નુમાઇશ મેં મિલા થા ચિંથડે પહને હુએ,
હમને પૂછા નામ તો બોલા હિન્દુસ્તાન હૈ.
- દુષ્યંત કુમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો