લોગઇનઃ
આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !
– જલન માતરી
આપણી શ્રદ્ધા બહુ વામણી હોય છે.
ઇચ્છાપૂર્તિ ન થતા શ્રદ્ધા ડગવા માંડે છે. આપણે પ્રાર્થના પણ આપણા સ્વાર્થ ખાતર
કરતા હોઈએ છીએ. ભગવાનમાં પણ એટલે શ્રદ્ધા રાખીએ છીએ કે આપણને કંઈક મળતું રહે.
જ્યારે ધાર્યું ન મળે તો તરત શ્રદ્ધાની નાવડીમાં કાણું પડે, અને આખી નાવ ડૂબી જાય.
અને આમ પણ પાયા ડગી જાય પછી ઉપરની ઇમારત ગમે તેટલી સુશોભિત હોય, ટકતી નથી.
મહેચ્છાની ઇમારત પડી ભાંગે તો આપોઆપ આંસુ સરી પડે છે. માણસનું રુદન આંસુ રૂપે સરે,
જ્યારે પહાડનું નદી રૂપે. નદી એ પહાડનું રૂદન છે તેવી કલ્પના સુંદર છે. પણ એ કલ્પનામાં
ભારોભાર પીડા છે.
જલન સાહેબનું આ મુક્તક ખૂબ જાણીતું
છે. ગુજરાતી ભાષામાં એવા શાયર ઓછા છે, જેમણે એક કરતા વધારે યાદગાર શેર આપ્યા હોય.
જલન સાહેબે અનેક ઉત્તમ અને અમર શેર આપ્યા. તેમના ઘણા શેર તો કહેવત સમા થઈ ગયા છે. એ
કચકચાવીને ગઝલ લખતા. ઈશ્વરને પણ આડા હાથે લઈ લેતા. પણ એમની નેકી અને આસ્તિકપણું
ગઝલમાં છલકાયા વિના ન રહેતું. નાસ્તિક-આસ્તિક બંનેને વિચારતા કરી મૂકે એવા શેર લખ્યા.
માત્ર ઈશ્વર વિશે જ નહીં, સમાજની કુરીતિઓ, આંતરિક મનોમંથન, જીવ અને જગત વિશે પણ ગઝલ
દ્વારા આકરા પ્રહારો કર્યા. તેમનો શેર તેમના મુખમાંથી સરે કે શ્રોતાઓના મુખમાંથી વાહ
સરી પડે. તાળીઓનો વરસાદ વરસી પડે. જલન સાહેબનો ઠસ્સો એ તો જલન સાહેબનો જ હતો.
ઘણા શેર તેમણે જીવનપ્રસંગોમાંથી
સાહજિક રીતે નિપજાવ્યા હતા. તેમણે જ એક કાર્યક્રમમાં કહેલું, ‘હું એક વખતે નમાજ
પૂરી કરી મસ્જિદમાંથી બહાર નીકળવા ગયો કે દરવાજા સાથે માથું અફળાયું અને શેર ઊતરી
આવ્યો...’
પજવે છે આમ શાને, અલ્લાહ તું સીધો રહેને,
શું જોઈએ છે તારે હાજર થઈને કહેને.
શું જોઈએ છે તારે હાજર થઈને કહેને.
વળી આવો જ એક પ્રસંગ તે અમેરિકા
ગયા તે વખતનો છે. એરપોર્ટ પર પહોંચ્યા તો આપોઆપ દરવાજો ખૂલી ગયો. તેમને નવાઈ લાગી,
કોઈએ ખોલ્યો નથી છતાં જાતે કઈ રીતે ખૂલી ગયો? પછી તેમને આધુનિક ટેકનિક સમાજાઈ
કે વૈજ્ઞાનિક વ્યવસ્થા જ એવી છે કે માણસ દરવાજા પાસે આવે એટલે તે ખૂલી જાય. પણ આવો
દરવાજો જોઈ તેમના મુખમાંથી શેર સરી પડ્યો.
વ્યક્તિને જોઈને એ ખુલી જાય છે તરત,
દ્વારો ઘણી જગાનાં સમજદાર હોય છે.
દ્વારો ઘણી જગાનાં સમજદાર હોય છે.
તારીખ 1-9-1973ના રોજ સાબરમતીમાં
ભયંકર પૂર આવેલું. પૂરનાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયેલાં. જલન સાહેબનું ઘર
સાબરમતીને કિનારે છે. તેમના ઘરમાં પણ ખૂબ પાણી ઘૂસી ગયું. આવું ઘોડાપૂર જોઈને
તેમને મૃત્યુની ઘડી દેખાવા માંડી. તેમણે શેર લખ્યો-
કમોતે મરવા નાહક આજ મૃત્યુની ઘડી આવી,
ઘણાં વર્ષો પછીથી શ્હેરમાં ફરવા નદી આવી.
ઘણાં વર્ષો પછીથી શ્હેરમાં ફરવા નદી આવી.
ઘણા લોકો પોતાના ઘરમાં પણ આમથી તેમ
ટહેલી શકે તેટલું મોટું ઘર હોય છે. અમુક લોકો તો ઘરમાં જ વૉક કરતા હોય છે. જલન
સાહેબનું ઘર ખોબા જેવડું. પોતાના ઘરની આ સ્થિતિ જોઈને તેમણે શેર કહ્યો,
એટલું મોટું મળ્યું છે ઘર જલન કે શું કહું?
સ્હેજ ચાલું છું કે ઘરની બ્હાર આવી જાઉં છું.
સ્હેજ ચાલું છું કે ઘરની બ્હાર આવી જાઉં છું.
“પૈસા હાથનો મેલ છે. પૈસો આજે છે ને
કાલે નથી. શું સાથે આવ્યું હતું ને શું સાથે લઈ જવાના છીએ.” આવું
કહેનાર માણસ પણ પૈસો જલદી છોડતો નથી. તેવા માણસોને પણ જલન સાહેબે આડેહાથે લીધા,
કહ્યું,
થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું.
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું.
માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. પછી તો
ચંદ્ર પર રહેઠાણ કરવા સુધી વાતો થઈ. ઘણા ધનવાન લોકોએ તો ચંદ્ર પર પ્લોટ પણ બુક કરી
નાખ્યા. આવી બધી સાચીખોટી વાતો ચોતરફ ફેલાઈ ત્યારે પણ જલન સાહેબે ધનવાનો પર કટાક્ષ
કરતો શેર લખ્યો-
ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.
આજે તેમની જન્મતિથિ છે. આવા મુઠ્ઠી
ઊંચેરા શાયરને દિલથી સલામ. એમણે ઓછું લખ્યું છે, પણ મજબૂત લખ્યું છે. તેમના ઓછા
લખાણ વિશે તેમણે જ કહ્યું છે, 'હું
ક્વોન્ટિટિમાં માનતો નથી, ક્વોલિટિમાં
માનતો હોઈ મારું ગઝલ-લેખન ખૂબ જ મર્યાદિત રહ્યું છે.'
લોગઆઉટ
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી
જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે
‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
~ જલન માતરી
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો