અંતર મમ વિકસિત કરો...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇનઃ

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર

ટાગોર માત્ર ભારતીય સાહિત્યનું જ નહીં, વિશ્વસાહિત્યનું ઘરેણું છે. તેમણે કાવ્યસર્જન દ્વારા પોતાનું અંતર તો વિકસાવ્યું, સાથે લાખો લોકોના અંતરમાં શાતા આપી. તેમનાં ગીતો અંજલિ સમાન છે.

એક વખત ટાગોર કવિતા લખવા બેઠા હતા. બારી પાસે ટેબલ ગોઠવાયેલું હતું. ગાઢ અંધારું ને ઉપરથી પવન સૂસવાટા મારતો હતો. અચાનક એક જોરદાર પવનનું ઝાપટું આવ્યું અને બારી ખુલી ગઈ. મીણબત્તી ઓલવાઈ ગઈ, બધા કાગળ ઊડી ગયા. શાહીનો ખડિયો ઢોળાઈ ગયો. ટાગોરનું મન ખિન્ન થઈ ગયું. પવનના ઝાપડાએ કવિતાના વિચાર પણ પાણી ફેરવી દીધું. ટાગોર વસવસા સાથે ખુરશી પર બેસી રહ્યા.

હવે ઊભા થઈને કાગળ વીણવા, મીણબત્તી પ્રગટાવી, ઢોળાયેલો શાહી સાફ કરવી, ખડિયો ભરવો, પેન લેવી આ બધું કરવામાં તો કવિતાનો વિચાર ક્યાંય અદૃશ્ય થઈ જાય. કવિતા તો ક્ષણ માત્રનો ખેલ હોય છે, ક્ષણ ચૂક્યા તો પત્યું. ગંગાસતીએ લખ્યું છે ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ એમ કવિના મનમાં વિચારની વીજળી ઝબકતી હોય છે, જે ક્ષણે એનો ચમકારો થાય એ જ વખતે કાવ્યનું મોતી પરોવી લેવાનું હોય. અબ્બાસ તાબીશનો શેર છે-
डूबती नाव में सब चीख़ रहे हैं 'ताबिश'.
और मुझे फ़िक्र ग़ज़ल मेरी मुकम्मल हो जाए

વહાણ ડૂબી રહ્યું હતું, લોકો જીવ બચાવવા બૂમાબૂમ કરતા હતા, ત્યાં કવિને કવિતા પૂરી કરવાની ચિંતા હતી! આટલી લગની લાગે તો કવિતાનો અગનિ પ્રગટે. ઘણી વાર અધૂરી કવિતા ડૂમા જેમ બાઝી જતી હોય છે, પછી એ ડૂમો ઓગળતા વર્ષો નીકળી જાય. શેરબજારમાં લાખ ગુમાવવાથી થતા દુઃખ કરતા હજાર ગણુ દુ:ખ કવિને એક શેર ગુમાવીને થતું હોય છે.

પવનનું ઝાપટું ટાગોરની કવિતાને ઉડાવીને લઈ ગયું. પણ જેવી બારી ખૂલી કે તરત ઠંડા પવન સાથે ચાંદની ઘરમાં પ્રવેશી. એમને થયું કે આપણે ઘણી વાર અહમની બારીઓ ભીડી દેતા હોઈએ છીએ. જો અહમની બારી ખુલી જાય તો આપોઆપ પરમેશ્વરની ચાંદનીનો અનુભવ થાય. આપણે આપણા હુંપણામાં અટવાયેલા છીએ. હુંપણાની બારીને સજ્જડ રીતે સ્ટોપર મારી દીધી છે. એટલા માટે જ અંતરને વિકસિત કરવાની જરૂર છે. જો એ વિકસે તો આપોઆપ જગતમાં રહેલી ઠંડા પવનની લહેરખી જેવી ઘટનાઓ અનુભવાય.

આજે આપણે એકબીજા વચ્ચે રહેલા અંતરને વિકસાવવામાં પડ્યા છે, અને અંતરાત્માને અભરાઈએ ચડાવી દીધો છે. લોગઇનમાં આપવામાં આવેલી રવીન્દ્રનાથની આ પ્રાર્થના આપણને ઘણું કહી જાય છે. ટાગોરે હૃદય નિચોવીને પ્રાર્થનાઓ લખી છે. કવિ સુરેશ દલાલે આ કવિતાને ભગવદ ગીતા સમકક્ષ મૂકી છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હું હું ન રહું, બધામાં ઓગળી જાઉં.. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે… અને અંતરાત્મા વિકસિત થાય.

‘અંતર’ શબ્દ બહુ લપસણો છે. આમ તો એકસરખા બે શબ્દો છે. બંનેમાં નથી કાના-માત્રા કે હ્રસ્વ ઈ – દીર્ઘ ઈ કે અનુશ્વારનો ફર્ક. એક ફિલ્મમાં એક સરખો ચહેરો ધરાવતા બે પાત્રો જેવા છે આ શબ્દો. જોતા બંને એક જ લાગે, પણ જ્યારે વપરાશમાં આવે ત્યારે અસલી રૂપ બતાવે. એક વ્યક્ત કરે અંતઃરકરણ, મન-હૃદયની ભાવના. જ્યારે બીજો વ્યક્ત કરે છેટાપણું, વેગળાપણું, જુદાઈ.

શબ્દ બહુ સાચવીને વાપરવા જોઈએ, ક્યારે કયા શબ્દમાંથી કયો અર્થ ખરી પડે કહેવાય નહીં. કબીરના દુહાથી વાત અટકાવીએ.

લોગ આઉટઃ

શબ્દ સંભાલે બોલિયે શબ્દ કો હાથ ન પાંવ,
એક શબ્દ કરે ઔષધિ ઔર એક શબ્દ કરે ઘાવ.
-
એસી બાની બોલિયે, મન કા આપા ખોય,
ઔરન કો શીતલ કરે, આપ હી શીતલ હોય.

- કબીર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો