લાવો તમારો હાથ મેળવીએ


લોગ ઇનઃ

લાવો તમારો હાથ મેળવીએ 
(કહું છું હાથ લંબાવી)
કહો શું મેળવી લેવું હશે મારે
?
તમારા હાથમાં તો કેટલુંયે ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
શું શું નથી હોતું તમારા હાથમાં
?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ...
ખાલી તમારો હાથ
?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ.
આપણા આ હાથ કેળવીએ
!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ મેળવીએ.
- નિરંજન ભગત
લાભશંકર ઠાકરે એક કવિતામાં કહેલું કે મારા હાથ પણ મારા હાથની વાત નથી. અહીં નિરંજન ભગતે માત્ર હાથ નહીં, હૈયું મેળવવાની પણ વાત કરી છે. કવિતાને સૂક્ષ્મ રીતે જોતા માત્ર હૈયું પણ નથી રહેતું, આત્મમિલન સુધી પહોંચાય છે અને એ પણ માત્ર પોતાના ઓળખીતા સાથે નહીં, તમે અજાણ્યા છો, તોય વાંધો નહીં. કવિ તો સહજભાવે હાથ માગે છે, પોતાના હાથ સાથે મિલાવવા માટે. કહે છે, લાવો તમારો હાથ મેળવીએ. વળી પ્રશ્ન પણ કરે છે કે કહો મારે શું મેળવી લેવું હશે? પ્રશ્ન એટલા માટે કરે છે કે કવિને કશું મેળવી નથી લેવું. જેને મેળવવું હોય તે પ્રશ્ન ઓછા કરે કે હું આવું કરું છું. બદઇરાદા ધરાવનારા તો રૂપાળો ડહોળ કરે, અહીં કવિ જે સ્પષ્ટતા કરે છે તે રૂપાળા ડહોળ જેવી નથી. નિતરતા નીર જેવી ચોખ્ખી છે.
રમેશ પારેખે એક જગ્યાએ લખ્યું છે,
હાથને ચીરો તો ગંગા નીકળે,
છેવટે એ વાત અફવા નીકળે.
એમણે તો આખું હસ્તાયણ લખ્યું છે. કહ્યું છે તકલાદી પોત ધરાવતા હાથમાં હસ્તરેખાના સળ પડેલા છે. આપણે આ સળને સીધા ભાગ્ય સાથે જોડીએ છીએ. ભગત સાહેબે આપણી આ માન્યતાનો અહીં બરાબર ઉપયોગ કર્યો છે. હાથ મિલાવનાર વ્યક્તિને કહ્યું છે, તમારા હાથમાં તો કેટલું ય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી તમારા હાથમાં.... લોકોને હાથના આધારે ઓળખવામાં આવે છે. માત્ર હાથની રેખાનો નકશો જોઈને આખું ભવિષ્ય ભાખી આપનારા આપણે ત્યાં ઓછા નથી. ભલે હાથમાં ધન, સત્તા અને કીર્તિ હોય, પણ કવિને અહીં એની કોઈ જ તમા નથી. તેમને તો હાથ હાથ મેળવવો છે. વળી પ્રશ્ન પણ કરે છે કે ખાલી હાથ? હા ખાલી હાથ!
ખાલી હાથ એટલા માટે કે હાથ ક્યારેય ખાલી નથી હોતા. તેમાં ઘણું બધું હોય છે. પરસ્પર હાથ મેળવવાથી એકમેકને ઉષ્મા મળે છે. મૈત્રી વધે છે. સંબંધ વધારે ગાઢ બને છે. નિદા ફાજલીએ કહ્યું છે તેમ- દુશ્મની લાખ સહી, ખત્મ ન કીજે રિશ્તા, દિલ મિલે યા ન મિલે, હાથ મિલાતે રહિયે. ભગત સાહેબે કહ્યું કે અજાણ્યા છો, તોય વાંધો નથી, આવો હાથ મેળવીએ. ઉર્દૂ શાયર હસન અબ્બાસીએ આ વાતને જરા જુદી રીતે વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે. ઉસ અજનબી સે હાથ મિલાને કે વાસ્તે, મહફિલ મેં સબસે હાથ મિલાના પડા મુઝે.ઘણી વાર આવું પણ થતું હોય છે. એક ગમતી વ્યક્તિ સાથે હાથ મેળવવાની લાહ્યમાં ઘણા બધા અણગમતાં વ્યક્તિઓ સાથે પણ હાથ મિલાવવા પડે છે. પણ અહીં સ્થિતિ અલગ છે. અજાણ્યા સાથે હાથ પરાણે નથી મેળવવાનો. આનંદથી, સુખેથી અને પોતાની ઇચ્છાથી મેળવવાનો છે. અને માત્ર હાથ મિલાવવાની ઔપચારિકતા જ નથી, એ અજાણ્યા હાથમાં રહેલ હૂંફ, થડકો અને ઉષ્મા પણ પામવાની છે. મૂળ વાત હૃદય જોડવાની છે, હાથ તો બહાનું છે.
ભગત સાહેબે કવિતા થકી ગુજરાતી ભાષા સાથે હાથ મિલાવ્યો છે અને તેની ઉષ્મા ગુજરાતી ભાષા અને સાહિત્યપ્રેમીઓ માણી રહી છે. તેમની કવિતામાં વિશ્વસાહિત્યના સ્વાધ્યાયલોકની મહેક અનુભવાય છે.  તેમની જ એક કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ.
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ.
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નદી આવશે વિદાયવેળા
તો કેમ કરીને ય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા,
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ.
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી.
ક્યાંકના માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ.
- નિરંજન ભગત
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

1 ટિપ્પણી: