પરવરદિગારે જીભ દઈને બોલતો કર્યો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:
પરવરદિગારે જીભ દઈને બાલતો કર્યો,
ત્યારે પૂછ્યું એ જીભથી: પરવરદિગાર કયાં?
- અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

શેક્સરપીઅરનું નાટક છે - ધ ટેમ્પેસ્ટ. તેમાં એક પાત્ર છે કેલિબાન. તે બોલી શકતો નથી. જો કે તે મૂંગો નથી. પણ તેને ભાષાનું જ્ઞાન નથી. જેમ રુડયાર્ડ ક્લિપિંગના સુપ્રસિદ્ધ પુસ્તક ‘જંગલબુક’માં મોગલી નામનો છોકરો બાળપણથી વરુઓ સાથે ઊછર્યો છે, તેથી તેને માનવભાષાનું ખાસ જ્ઞાન નથી. શેક્સપીઅરના નાટકમાં આવતો કેબિલાન ભાષાથી અજ્ઞાત છે, તેથી તે બોલી શકતો નથી. નાટકનું એક બીજું પાત્ર પ્રોસ્પેરા તેને ભાષાની સમજણ આપીને બોલતા શીખવાડે છે. ભાષા શીખી ગયા પછી કેબિલાન ભાષાનો સૌથી પહેલો ઉપયોગ પ્રોસ્પેરાને ગાળો આપવા માટે કરે છે.

આપણે ઘણે અંશે કેબિલાન જેવા છીએ. જો કોઈ આપણને બોલતા શીખવાડશે તો આપણે તેને જ ભાંડીશું, જો કોઈ ચાલતા શીખવાડશે તો સમય આવ્યે આપણે તેને જ ધક્કે ચડાવીશું, પ્રશ્ન કરતા શીખવાડનાર સામે જ આપણે પ્રશ્ન કરવા માંડીશું. જો કોઈ કામમાં નિષ્ફળ જઈએ તો આપણી નિષ્ળતાને આપણે કિસ્મત નામની ડાળી પર લટકાવી દઈએ છીએ. હશે જેવા નસીબ. એની ઇચ્છા વિના પાંદડું હલતું નથી. મેં તો ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રભુને મંજૂર નહીં હોય. આવાં આશ્વાસનોનાં અત્તર છાંટીને બચાવ કર્યા કરીએ છીએ. જોકે એ વાત પણ ખરી કે અમુક કિસ્સામાં આવાં આશ્વાસનો મોટી હામ પણ પૂરી પાડે છે. જગતનાં તમામ દ્વાર બંધ થઈ જાય પછી માત્ર આશ્વાસનોનો આસરો હોય છે. પણ ન રહે તો માણસનું જીવવું મુશ્કેલ થઈ જાય. પણ પોતાની અણઆવડતથી નિષ્ફળ જઈએ ત્યારે પણ આપણે નસીબને જ દોષ દેવા ટેવાયેલા છીએ. એ વખતે ભીતરથી તો આપણને ખબર હોય જ છે કે દોષ ક્યાં હતો, કોનો હતો, કેમ હતો. મનોમંથનના દરિયામાં ડૂબકી મારીને બહાર આવીએ એટલે આપોઆપ સમજાઈ જાય છે કે વહાણ કેમ ડૂબ્યું.

આપણે બધું જ ઈશ્વર પર નાખવા ટેવાયેલા છીએ. જેણે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે જ. કીડી ને કણ અને હાથીને મણ ભગવાન આપી જ દે છે. આવી કહેવતોની રચનાના પાયામાં પણ કદાચ આ પ્રકારની ફિલસૂફી હોવી જોઈએ. ઈશ્વર આપણને આંખો આપે છે, દૃષ્ટિ આપે છે, પણ દૃષ્ટિકોણ તો આપણે જ વિકસાવવાનો હોય છે. પણ આપણે તો એની આશા પણ પ્રભુ પાસે જ રાખીએ છીએ. ઉમાશંકર જોશીએ લખેલું,
દેનાર તો દે નયનો જ માત્ર,
શું દેખવું તે કથવા ન પાત્ર’.

પ્રકૃતિ આપણને તમામ સ્વતંત્રતા આપે છે. તમે આસ્તિક હો કે નાસ્તિક પરમ શક્તિને ગાળો ભાંડો કે વંદન કરો, તેને કશોય ફર્ક નથી પડતો. તેને તો માત્ર હૃદયની પવિત્રતાનો પરિચય છે. ધર્મ, અધર્મ, આસ્તિકતા, નાસ્તિકતા, પાપ પુણ્ય એ બધું આપણા માનવમગજની નિપજ છે. આપણે બાંધેલા ધારાધોરણોમાં આ બધું આપણે ફિટ કર્યું છે. જેથી માનવજીવન વધારે સરળ બને, વ્યવહારુ બને, સુસંગત બને. પણ એવું કરવામાં ક્યારેક જિંદગી વધારે મુશ્કેલ અને ગૂંચવણભરી બનાવી મૂકી છે આપણે.

સદીઓ પહેલાં આપણે જંગલમાં રહેતા, શિકાર કરીને ખાતાં, ધીમે ધીમે એકતાની શક્તિ જાણી, ઝૂંડમાં વસતા થયા. ઝૂંડમાં વધારે સેફ્ટિનો અનુભવ થયો. નાના નાના કબીલાઓ બન્યાં, જે તે કબિલાના રીતરિવાજો, ભાષા વગેરે બનતા ગયા, પ્રથાઓ પગલાં પાડતી ગઈ. તેથી જ બાર ગામે બોલી બદલાય તેવી કહેવત પણ છે. તેમાં માત્ર બોલી જ નથી બલદાતી, રીતરિવાજ, પ્રથાઓ, માન્યતાઓ, પરંપરાઓ ઘણુંં બધુંં બદલાય છે. આપણા પ્રદેશમાં જે વાત ખૂબ ધૃણાભરી ગણાતી હોય તે જ વાત અન્ય પ્રદેશમાં ગૌરવભરી ગણાતી હોય તેવું બને. આપણે ત્યાં માંસ ખાનારને વિચિત્ર રીતે જોવાય છે, જ્યારે અમુક દેશોમાં જ્યારે તમે માંસ ન ખાતા હોવ જાણે કોઈ ઘાસ ખાતું પ્રાણી હોવ તે રીતે લોકો તમને જોઈ રહે. આ વર્ષે નોબેલ પારિતોષિક વિજેતા કોરિયન લેખિકા હાન કાંગની નવલકથા ‘વેજિટેરિયન’ આ જ વિષય પર છે. નવલકથાની નાયિકા માંસ ખાવાનું બંધ કરી દે છે, વેજિટેરિયન થઈ જાય છે. તેમાંથી પરિવારમાં જે ઘર્ષણ ઊભું થાય છે તે જ આ નવલકથાનું મુખ્ય વિષયવસ્તુ છે. ત્યાં માંસ ન ખાવું એ નવાઈભરી વાત છે, આપણે ત્યાં માંસ ખાવું એ નવાઈભરી વાત છે.

લોગઆઉટઃ
સલિકા હમને જિસકો શીખાયા થા ચલને કે,
વો લોગ આજ હમે દાંયેબાંયે કરને લગે.
- રાહત ઇન્દૌરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો