શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી.

તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.

એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી.

આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

– ભરત વિઝુંડા

ભરત વિંઝુડા ગુજરાતી ગઝલનો એવો આગવો મુકામ છે, જેમણે એમ લખ્યું,
અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા.

પોતાના ઉમદા શેર ગાલિબ નથી વાંચી શક્યા તેનો અફસોસ એક માત્ર આ ગુજરાતી કવિને થયો છે. ટૂંકી બહેરની ગઝલો દ્વારા લાંબી મજલ કાપનાર આ શાયરની બાની નોખીઅનોખી છે.

જિંદગી એક એવી નદી છે, જેને આનંદ અને શોક નામના બે કનારા છે. ક્યારેક આપણું વહાણ નિરાશાના ઘાટ પર આવીને ઊભું રહે છે તો ક્યારેક આનંદના કાંઠે ઉત્સાહપૂર્વક લાંગરે છે. નદીમાં પોતાના અસ્તિત્વની નાવ લઈને નીકળેલો કવિ શબ્દના હલેસા મારી અર્થના ઊંડાણને તાગવા મથે છે. ભરત વિંઝુડાની ઉપરોક્ત ગઝલમાં અર્થનું ધીરગંભીર આકાશ ઊઘડે છે. તો નિરાશાના પડીકામાં બંધાયેલી આશા પણ અનુભવાય છે. ભૌતિક જિંદગીની ભૂમિ પર ડગલા માંડતી આધ્યાત્મિકતાનું અજવાળું ઉઘડતું લાગે તો આકારથી નિરાકાર ભણી થતી ગતિ પણ દેખાય.

લાખ પ્રયત્નો પછી પણ ઘણી વાર કહેવા ધારતા હોઈએ તે વાત શબ્દમાં સમાતી નથી. વિચાર શબ્દદેહ ધારણ નથી કરી શકતો, મનમાં જ ધુમ્મસની જેમ ધૂંધવાતો રહે છે. વિચારનો પિંડ શબ્દનો આકાર ધારણ કરવામાં નિષ્ફળ નિવડે ત્યારે સંકેતનો સહારો લેવાતો હોય છે, ઘણી વાર એમાં પણ સફળતા નથી મળતી. હૃદય ગીત ગાવા ચાહતું હોય છે, પણ વ્યવહારુ વાતચીતની વાડ ઓળંગી નથી શકાતી. એ ઓળંગવામાં ધારદાર કાંટા ભોંકાતા હોય છે, ચિત્ત લોહીલુહાણ થઈ જતું હોય છે. ભાવનાઓ પથરાળ ભોંય પર પટકાતી હોય છે. હૃદય તો ઘણું ઇચ્છતુંં હોય છે, પણ હૃદયની મહેચ્છા મુજબ બધું થતું હોય તો શું જોઈતું તું. તેવું બધું થાય તો જિંદગી સ્વર્ગ જેવી થઈ જાય. પણ સ્વર્ગ એટલું સહેલું નથી. એની માટે મરવું પડે. સ્વર્ગ બધાને જોઈએ છે, પણ મરવું કોઈને નથી. એની કરતા બહેતર એ કે જિંદગીને જ સ્વર્ગ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે. જોકે આવુંં બધું કહેવામાં સરળ લાગે છે, પણ જ્યારે મંચ પર હાજરી ન હોય અને શ્રોતામાં પણ ક્યાંય ગોઠવાઈ શકાય તેમં ન હોય ત્યારે સમજાતું હોય છે. ઘણી વ્યક્તિઓ - ખાસ કરીને એકદમ નજીકની વ્યક્તિઓ આપણને સતત ચોવીસે કલાક યાદ નથી આવતી, પણ તે ચોવીસે કલાક સતત સાથે જ હોય છે, એક પળ માટે પણ ભુલાઈ ગઈ હોય તેવું પણ નથી હોતું.

છેલ્લા શેરમાં ભરત વિંઝુડાએ જાત ત્યજી નિરાકાર થવાની વાત કરી. વળી શોધવામાં આવે તો તરત મળી જાય, છુપાઈ ન શકાય તેમ પણ કહ્યું. અહીં આકારામાં રહીને નિરાકાર થવાની કે ખોવાયેલા રહીને પણ જડવાની વાત સુપેરે કરાઈ છે.

આ જ રદિફ પર આપણા ઓલિયા કવિ મકરંદ દવેએ પણ સુંદર ગઝલ લખી છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ:

કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી.

મારે લથડતી ચાલ મને ક્યાં લઈ જશે ?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી.

આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી.

તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.

તારી નજરની બ્હાર ગયો તો નથી, સનમ !
ચીલો મેં ચાતર્યો જ નથી, એમ પણ નથી.

દોસ્તો, હવે તો મારી હયાતીને દુવા દો !
કહેશો મા કે મર્યો જ નથી, એમ પણ નથી.

– મકરંદ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો