બાકીના જોયા કરે છે, આપણે જોયા કરો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

કંઈક લોકો થરથરે છે આપણે જોયા કરો,
બાકીના જોયા કરે છે, આપણે જોયા કરો

આપણા મનમાં વસી છે કાયરોની ટોળકી
જે સતત ગાતી ફરે છે આપણે જોયા કરો

સાવ ધીમે એ તરફથી આ તરફ આવી જવા,
વેદના પગલું ભરે છે આપણે જોયા કરો

આપણે જોતા હતા જેના પ્રતાપે ચોતરફ
આખરી દીપક ઠરે છે, આપણે જોયા કરો

પુસ્તકોને બ્હાર કાઢી કંઈક વિદ્યાર્થી હવે,
બેગમાં પથ્થર ભરે છે, આપણે જોયા કરો

જે અહીં પુરા થવા હકદાર ને લાયક હતા
સ્વપ્ન એ સળગી મરે છે આપણે જોયા કરો

આપણે જોયા કરીશું એમને વિશ્વાસ છે
એમનો હેતુ સરે છે આપણે જોયા કરો

— ભાવિન ગોપાણી

મણિપુરની જઘન્ય ઘટનાએ આખા દેશને થથરાવ્યો છે. આખું ટોળું ભેગું થઈને એક મહિલાને નિર્વસ્ત્ર કરે અને તેની પર ગેંગરેપ થાય એ વાત જ રૂંવાડા ઊભા કરી નાખે છે. એ નારી સાથોસાથ આખો દેશની કહેવાતી પાખંડી સભ્યતા નિર્વસ્ત્ર થઈ છે. આખા ટોળામાંથી એક માણસના હૈયામાં પણ ભગવાન વસતો નહોતો? આવી ઘટનાઓ વિશે સાંભળ્યા પછી ‘ઈશ્વર બધે જ છે’ એ વાત પર કઈ રીતે વિશ્વાસ રાખવો? આવે ટાણે શ્રદ્ધા પોતાની શક્તિ ન ગુમાવે તો શું થાય? ‘યત્ર નાર્યાસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતા’ જેવી નારીપૂજાની વાત કરનાર મહાન દેશ ટોળે વળીને આ કેવી પૂજા કરી રહ્યો છે? અને કયા દેવોની કેવી રમતની વાત કરે છે? દેવો તો બધા મસ્ત છે સુરામાં ને સત્તામાં. એ બધા પણ કદાચ આવી કોઈ મોટી ઘટના ઘટવાની રાહ જોઈને બેઠા હશે, નાની નાની ઘટના પર તો કોણ પગલાં લે? આપણે શું? થવા દો જે થાય છે, જોયા કરો. જ્યાં સુધી આપણા પગ નીચે રેલો નથી આવતો ત્યાં સુધી કંઈ અસર નથી થતી આપણને. સોસાયટીના એક ખૂણે આગ લાગી હોય ત્યારે બીજા ખૂણાનો માણસ મારે શું કહીને બેસી રહે ત્યારે આખી સોસાયટીને બળવાનો વારો આવે છે. નવાજ દેવબંદીના બે શેર આખી વાત વધારે ધારદાર રીતે કહે છે.
જલતે ઘર કો દેખનેવાલે ફૂસ કા છપ્પર આપકા હૈ,
આપકે પીછે તેજ હવા હૈ, આગે મુકદ્દર આપકા હૈ.
ઉસ કે કત્લ પે મૈંભી ચૂપ થા, મેરા નંબર અબ આયા,
મેરે કત્લ પે આપ ભી ચૂપ હૈ અગલા નંબર આપકા હૈ.

જ્યાં સુધી ભયાનક કૃત્યો છેવાડાના માણસ સાથે થાય છે ત્યાં સુધી સાહેબો, સત્તાધીશો, કહેવાતા મહાન માણસોનું રુંવાડું પણ ફરકવાનું નથી. હા, ભાવુક થઈને નિવેદનો જરૂર આપશે કે બહુ ખરાબ થયું, આમ થયું, તેમ થયું. એ બધું મંચ પરથી સારેલાં મગરનાં આસું હશે. કોઈ નબીરો ફુટપાથ પર સૂતેલા મજૂરો પર ગાડી ચડાવીને તેમને કચડી નાખે તો એ ઘટના એકબે દિવસના સમાચાર બનીને પસ્તી થઈ જશે. પણ જો આ જ ગાડી કોઈ મોટા મોટા બિઝનેસમેન, ઓફિસર, મંત્રી-તંત્રી કે પ્રધાનના કુટુંબીજનો સાથે અથડાઈ હોય તો એ આખા દેશની સુરક્ષાનો પ્રશ્ન થઈ જાય. મોટા ભાગના લોકો આ બધું જ જાણતા હોવા છતા અદબ-પલાંઠી મોં પર આંગળી સિવાય કશું જ કરી શકતા નથી. બસ ચૂપચાપ જોયા કરવાનું. બધા પોતાનું ઘર, પરિવાર, સંસાર લઈને બેઠા છે. બધાને પોતાનું કુંડાળું સલામત રાખવું છે. આ સલામત કુંડાળાનું વિજ્ઞાન અસલામતીનો વેપલો કરતા ઠેકેદારો માટે મહાઆશીર્વાદ સાબિત થઈ રહ્યું છે. કવિ ભાવિન ગોપાણીએ આ લાચારીને ગઝલમાં આબેહૂબ રીતે વ્યક્ત કરી છે. એક કવિ, લેખક, કલાકાર સમાજની લાચારી, પાખંડ કે નગ્નતાની પોલ ખોલે એય ક્યાંથી.

લોગઆઉટઃ
નજર સામે જ ખોટું થાય તો પણ બોલવાનું નૈં
ભલે તારાથી ના સહેવાય તો પણ બોલવાનું નૈં.

અહીં ઊભા બજારે કોઈ ખેંચે દ્રૌપદીના ચીર,
દશા તારાથી ના જોવાય તો પણ બોલવાનું નૈં.

લડે છે ગામ વચ્ચે બે વિરોધી આખલા અલમસ્ત,
છડે ચોકે અહમ ટકરાય તો પણ બોલવાનું નૈં.

ગુલામી ઘર કરી ગઈ છે બધાની વારસાઈમાં ,
ફરીથી દેશ આ લૂંટાય તો પણ બોલવાનું નૈં.

દલાલી થાય છે તાજી કળીઓની, ફૂલોની રોજ,
ચમનની લાગણી દુભાય તો પણ બોલવાનું નૈં.

જગતના જીવતા તીરથ સમા મા બાપ દુઃખી છે,
ને પથ્થર ગોખલે પૂજાય તો પણ બોલવાનું નૈં.

સફર 'સાગર'ની ખેડો તો સહન કરવા પડે વિધ્નો,
લહર છાતી ઉપર અથડાય તો પણ બોલવાનું નૈં.

— રાકેશ સાગર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો