તમારું એક સ્મિત કોઈકની જિંદગી બચાવી શકે છે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

દસ કે વધુ વર્ષ પહેલાં
એક પુરુષે મારી સામે સ્મિત કર્યું,
ત્યારે મને કશી જ ગમ ન પડીઃ
માત્ર તેના સ્મિતનું સૌજન્ય અનુભવાયું.

એ પુરુષનું શું થયું એની મને જાણ નથીઃ
પણ હજી ટકી રહ્યું છે એ સ્મિતઃ
એને ભૂલી નથી શકતી એટલું જ નહીં,
જેમ એનો વધુ વિચાર કરું છું એમ એ વધુ નિકટ લાગે છે.

એના માટે મેં લખ્યાં છે ઘણાં પ્રેમગીતો,
ઘણી યે પરિસ્થિતિમાં એને વણી લીધો છે;
કેટલાકે વેદનાને જોવા પ્રયત્ન કર્યો છે,
કેટલાકે હર્ષને.

વેદના પણ ઠીક છે અને હર્ષ પણઃ
એ બધાથી ૫૨ એક જ વસ્તુ રહે છે – પેલું સ્મિત,
એ સ્મિત કરનાર માણસ મને હજી મળ્યો નથી
પણ એના સ્મિતના સૌજન્ય માટે હું કૃતજ્ઞ છું.

– હ્યૂ શીલ (ચીની ભાષા) – અનુ. હરીન્દ્ર દવે

થોડાં વર્ષો પહેલાં એક વાર્તા વાંચેલી. તેની કથા કંઈક આવી હતી.

એક માણસ જિંદગીથી ખૂબ કંટાળી ગયો હતો. પ્રેમ, સંબંધો, પૈસો, નોકરી બધામાં ખૂવાર થઈને હતાશાના દરિયામાં ગરકાવ થઈ ગયેલો. છતાં હિંમત ન હાર્યો. સતત જિંદગી સાથે લડ્યો. ટક્કર આપી. પણ એક દિવસે તેના આત્મવિશ્વાસે તેનો હાથ છોડ્યો. તે પડી ભાંગ્યો. વિચાર્યું કે હવે ક્યાંક જઈને પડતું મેલું. જીવનનો કોઈ અર્થ નથી. પણ આ માણસ સાવ એમ હિંમત હારી જાય તેમ નહોતો. તેણે છેલ્લી આશારૂપે પોતાની જાત સાથે એક શરત મૂકી. જો માર્ગમાં એક પણ માણસ પ્રેમથી સ્મિત આપશે તો હું મરવાનો વિચાર માંડી વાળીશ. એ માણસ ઘરેથી નીકળ્યો પછી તેનું શું થયું તેના વિશે લેખકે કશું નથી કહ્યું, તેની સામે કોઈએ સ્મિત કર્યું કે નહીં એ પણ નથી જણાવ્યું. લેખક માત્ર એટલો પ્રશ્ન મૂકીને અટકી ગયા કે એ મરવા નીકળેલ માણસ તમને તો ક્યાંક નહોતો મળ્યોને? શું તમે રસ્તામાં મળેલા એ અજાણ્યા માણસને સ્મિત આપ્યું હતું?

આ માત્ર વાર્તા નથી. માનવસ્વભાવની એક નરી હકીકત છે. આપણે હંમેશાં સોગિયું મોઢું લઈને ફરનારા માણસો છીએ. રૂપિયાની કે કોઈ વસ્તુની મદદની વાત તો દૂર છે, કોઈને પ્રેમથી સ્મિત આપવામાં પણ સત્તર વખત વિચારીએ છીએ. આપવાની વાત આવે ત્યારે તરત મન પાછું પડે. ગુજરાતીમાં તો એક જોક બહુ જાણીતો છે. એક માણસ બીજા માણસને ગાળ આપતો હતો, ગાળ ખાનારના મિત્રએ તેને કહ્યું અલા પેલો તને ક્યારનો ગાળ આપે છે ને તું કંઈ બોલતો નથી. તરત પેલો મિત્ર બોલ્યો, આપે જ છેને, લઈ તો નથી જતો ને! જોકે ઉત્તરપ્રદેશનું લખનૌ શહેર સ્મિતના પ્રતીક જેવું છે. ત્યાં તો રીતસર પાટિયાં માર્યાં હોય, “મુશ્કુરાઈએ, આપ લખનૌ મેં હૈ.”

શક્ય છે તમારું સ્મિત કોઈની નિરાશામાં આશાનો સંચાર કરે. એના તૂટેલા જીવનને ટાંકો ભરી આપે. એની ફાટી ગયેલી જિંદગીને સીવવામાં મદદ મળી જાય.

એક નાનું સ્મિત પણ જીવનમાં કેટલો મોટો ભાગ ભજવી શકે તેની વાત ચીની ભાષાની કવયિત્રી હ્યુ શીલે ખૂબ સરસ રીતે કરી છે. દસેક વર્ષ પહેલાં એક અજાણ્યા માણસે તેમની સામે સ્મિત કરેલું. એ પછી તો એ માણસ જીવનમાં ક્યારેય મળ્યો જ નથી. માત્ર તેના સ્મિતની સુગંધ હૃદયમાં સચવાઈ રહી છે. આ સુગંધે કવયિત્રીને જીવનભર મઘમઘતા રાખ્યાં. ઘણી વાર કોઈ અજાણ્યાએ કરેલા સ્મિતની એક છબી મનમાં એવી કંડારાઈ જાય કે યોસેફ મેકવાનની પંક્તિ જેવું થાય,

મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ,
ચકલી આખું આભ ચૂગી ગઈ!

કવયિત્રી હ્યુ શીલના મનમાં પણ કદાચ આવું જ થયું હશે. તેમનું ચકલી જેવું નાનું હૃદય સંભાવનાઓના આખા આભને ચણી ગયું હશે. એક અજાણ્યા માણસે કરેલું સ્મિત તેમના હૃદયમાં એવું ટક્યું કે ક્યારેય ભૂલાયું નહીં. એ માણસ કોણ હતો એની તેમને જરાકે ખબર નહોતી. છતાં જીવનભર એ હૃદયની નજીક લાગ્યો. કવયિત્રીએ તેનાં પ્રેમગીતો લખ્યાં. લોકોએ તો તેમાં કવયિત્રીની વેદના જોઈ, કોઈકે આનંદ પણ જોયો. પણ એ બધામાં શિરમોર તો પેલું સ્મિત જ હતું.

શરૂમાં કરેલી વાર્તા યાદ કરાવીને ફરી કહું શક્ય છે પેલો મરવા નીકળેલો માણસ તમને પણ રસ્તામાં મળી જાય, માટે માટે મુશ્કુરાતે રહીએ.

લોગઆઉટઃ

રૂદનને ભૂલવાની રીત દેતા જાઓ તો સારું,
તમારું આ મધૂરું સ્મિત દેતા જાઓ તો સારું.

— બરકત વિરાણી બેફામ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો