ચમકે છે ચીજ ઝાઝી, સાચી ન હોય ત્યારે!


લોગઇનઃ

ચમકે છે ચીજ ઝાઝી સાચી ન હોય ત્યારે,
છલકાઈ જાય માણસ પાણી ન હોય ત્યારે.

દઈ દે ખુશીથી વસ્તુ વ્હાલી ન હોય ત્યારે,
વ્યાપાર એ કરે છે, મંદી ન હોય ત્યારે.

અજવાળવામાં અમને ફાળો ખરો તમારો,
આવો છો દીપ લઈને આંધી ન હોય ત્યારે.

ભવ ભવના ભેરુ માફક ભેટી પડો મળીને,
પણ હાથમાં તમારા બાજી ન હોય ત્યારે.

રાજીખુશીથી જાશે સીધી જ દાનપેટી,
પણ નોટ ક્યાંય જો એ ચાલી ન હોય ત્યારે.

- મેહુલ ભટ્ટ

ગુજરાતીમાં ગઝલો વધારે લખાય છે એવી ફરિયાદ વિવેચકો દ્વારા અવાર-નવાર થતી રહે છે. છતાં નવકવિઓ કમળ તરફ ભમરો ખેંચાય એમ ખેંચાઈ આવે છે અને એની મ્હેકમાં ખોવાઈ જાય છે. ખોવાય એટલું પૂરતું નથી, પણ પોતે અનુભવેલ આ સુગંધ ગઝલરૂપે સારી રીતે અવતારે પણ છે. મહેલ ભટ્ટ વિશે વધારે પરિચય નથી, પણ આ ગઝલ જોતા લાગે છે કે તે ગઝલની કાવ્યગૂંથણી સારી રીતે કરી જાણે છે. ગઝલસર્જનમાં રદીફ-કાફિયા અને છંદની જાળવણી ખૂબ મહત્ત્વની છે. જોકે આ તો માત્ર તેની બાહ્ય ગૂંથણી છે, આટલું તો કરવાનું જ છે. પરંતુ તેમાં વિચારોનું ઊંડાણ અને નાવિન્ય આવે તો સોનામાં સુગંધ ભળે. મેહુલ ભટ્ટની આ ગઝલ માણવી ગમે એવી છે.

આપણે ત્યાં ખોટ્ટા સિક્કાની વાત જગજાહેર છે. સાચા કરતાં તે વધારે આકર્ષક લાગતો હોય છે. આમ પણ એ જ માણસને વધારે મેકઅપની જરૂર પડે જે બદસૂરત હોય. ફૂલને સુંદર દેખાવા શણગારની જરૂર નથી. તેનો કોમળતા અને સુગંધ એ જ એની ઓળખ છે. હીરો તો પથ્થરની વચ્ચે પણ ચમકી જ ઊઠવાનો છે. અધૂરો ઘડો છલકાય કે ખાલી ચણો વાગે ઘણો જેવી કહેવતો પણ આવી વાતના મૂળમાંથી જ ફૂટી જ નીકળી છે. જેનામાં વધારે દમ ન હોય એ જ કૂદી કૂદીને બોલતા હોય છે, શાંત પાણી તો ઊંડા હોય. આ માણસજાતમાં પડેલા ગુણો છે. હરખ હરખથી આપણે કોઈને મદદ કરતા હોઈએ છીએ, એમાં પણ આપણે મદદ કરી છે એવો દેખાડાનો ભાવ વિશેષ હોય છે. કોઈ કહે કે મેં ફલાણાના ફલાણી વસ્તુ આપી દીધી, પણ તેના મૂળમાં જઈએ ત્યારે ખબર પડે કે એ વસ્તુ તો આમ પણ તેને ફેંકી જ દેવાની હતી. જે વસ્તુ વિના પોતાને ચાલતું જ ન હોય, છતાં બીજા જરૂરિયાતમંદને આપી દે ત્યારે ખરી મદદ કહેવાય. પણ એવા ઉદાર હૃદય જવલ્લે મળે છે.

‘સુખના સહુ સગાં, દુઃખમાં નવ કોઈ’વાળી વાત વર્ષોથી ચાલી આવે છે, પરંતુ આજે પણ એટલી જ સનાતન છે. બાગમાં જ્યારે ફૂલો ખીલેલાં, વૃક્ષોમાં હરિયાળી પથરાઈ હોય ત્યારે પંખીઓ, ભમરાઓ, પતંગિયાં વગેરે વિશેષ દોડીદોડીને આવતાં હોય છે. બાગની રસલ્હાણ માણતા હોય છે. જેવી પાનખર આવે, બધું ઉજ્જડ થવા લાગે કે તરત મોસમી પતંગિયા, કીટકો અમુક પંખીઓ શોધ્યાંય જડતાં નથી. જિંદગી પણ આ બાગ જેવી જ છે. તમારી પાસે સુગંધની સંપત્તિ હશે, આર્થિક હરિયાળી હશે, પાંચમાં પૂછાતા હશો તો લોકો કીટકો જેમ ઊભરાશે. પણ ઉજ્જડતામાં આમાંની એક પણ વ્યક્તિ સાથે નહીં હોય. ફોનમાં બેલેન્સ હોય તો જ વાત થાય, એમ આવા માણસો આપણા ખિસ્સામાં બેલેન્સ હોય તો જ વાત કરતા હોય છે. આવી વ્યક્તિઓ આંધી ન હોય ત્યારે દીવા લઈને આપણી આજુબાજુ ખડી રહેતી હોય છે, અને પછી ગામ આખામાં આપણને અજવાળાની ક્રેડિટ લીધા કરે છે.

એવા માણસો પણ હોય છે જે આપણા જન્મોજન્મના સાથીની જેમ આપણી સાથે વર્તતા હોય છે. પણ તેના પાયામાં કારણો જુદાં હોય છે. આપણી સિવાય એમનો છૂટકો નથી હોતો. ચાલતું હોય તો ભાવ પણ પૂછવા ન આવે. તેમને ખબર છે કે પલ્લું આપણી તરફ નમેલું છે, એટલે એમને ઊંચા થયા વિના છૂટકો નથી. વજન નીચે કાગળ દબાયેલું રહે તેમ આવા માણસો રહેતા હોય છે. પોતાનામાં વજન હોય તો બીજાને હલવા પણ શેના દે! એ જ રીતે હરખથી દાનપેટીમાં મોટી નોટ નાખતા માણસોની નોટ તપાસવા જેવી હોય છે. ભગવાનને ન છોડતા હોય એ માણસોને છોડે? પણ સંસારમાં ભાતભાતના માણસો મળી રહેવાના. અને આપણે બધા સાથે હસીને વ્યવહાર રાખવાનો છે. આ જ તો જીવન છે.

તુલસીદાસના જાણીતા દુહાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

તુલસી ઇસ સંસાર મેં, ભાંતિ ભાંતિ કે લોગ,
સબસે હસમિલ બોલિયે, નદી નાવ સંજોગ.

(સંસારમાં ભાતભાતના લોકો છે. બધા સાથે હસી-મળીને વાત કરો. એક હોડી નદી સાથે સહજ સંબંધ રાખીને જે રીતે સામે કાંઠે પહોંચે છે, એ જ રીતે તમે પણ આ ભવસાગર પાર કરો.)

(ગુજરાત સમાચાર, ‘રવિપૂર્તિ‘માંથી, કોલમનું નામ: અંતરનેટની કવિતા, લેખકઃ અનિલ ચાવડા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો