ગામડું બસ એટલે ગમતું હતું

લોગઇનઃ
ગામડું બસ એટલે ગમતું હતું,
રોજ પાણી માટલે ઝમતું હતું.
એ નજારો ના મળે સનસેટમાં,
આભ આખું સીમમાં નમતું હતું.
પેટ, પાટી, પાટલીના પ્રાસમાં,
નામ ઘૂંટેલું સદા ગમતું હતું.
વીંટલો વાળી મૂક્યો વસવાટ પણ,
રોજ મનમાં ખોરડું વસતું હતું.
સાચવું છું આજ મારા પેટને,
એ સમયમાં કેટલું પચતું હતું.
રોજ ગણતો ખેતરો ને એ છતાં,
કામ મારું તોય પણ બચતું હતું.
રોજ શોધું ધૂળનું એ આવરણ,
જે સલુણી સાંજને રચતું હતું.
~ રમેશ ઠક્કર
ગુજરાતી સાહિત્યમાં વતનઝૂરાપાની કવિતા ઘણી લખાઈ છે - લખાતી રહે છે. દિગંત ઓઝાએ તો વતનવિચ્છેદ નામથી નવલકથા પણ લખી. વતનઝૂરાપો એક એવી ઘટના છે, જે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક વધારે-ઓછે અંશે અનુભવી જ હોય છે. ઘરથી એકાદ-બે મહિના દૂર રહેવાનું થાય તોય અમુકનો જીવ સોરવાતો હોય છે, ત્યારે કાયમ માટે માભોમ છોડી જવું પડતું હોય તેનો વસવસો તો કલ્પી પણ ન શકાય. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે હંમેશાં માટે ભારત છોડી પાકિસ્તાન જતા લોકો કે પાકિસ્તાનથી ઘરબાર બધું મૂકીને રાતોરાત ભારત આવવું પડ્યું હોય તેમનો ઝૂરાપો તો આપણે શબ્દોમાં પણ ન પરોવી શકીએ. ક્યારેય વતન જવા જ નહીં મળેનો વસવસો ખરેખરે એક મોટી સજા જેવો હોય છે. ભાગલાના સમયકાળ ઉપર તો અનેક કવિતાઓ, વાર્તાઓ અને નવલકથાઓ પણ લખાઈ. ખુશવંતસિંહની ટ્રેન ટૂ પાકિસ્તાન હૈયું હચમચાવી દે તેવી છે. ટૂંકમાં, શુભ કે અશુભ આશયથી વતન છૂટે ત્યારે તેનો ઝૂરાપો તો હૈયાને રહેતો જ હોય છે. રમેશ ઠક્કરે આ ઝૂરાપાની છીપમાં રહીને મોતી બની ચૂકેલાં કેટલાંક સ્મરણોને ગઝલના દોરામાં પરોવવા પ્રયત્ન કર્યો છે. નોકરી અર્થે બહાર જવાનું થાય ત્યારે જ્યાં બાળપણ વીત્યું હોય એ ગામ, એ મિત્રો, રમતો, શેરીઓ, તળાવ, પાદર ને એવું ઘણું બધું યાદ આવે જ. અહીં કવિની શબ્દપસંદગી સાદી, સરળ અને સહજ છે. કોઈ પણ વાચક આ ગઝલની આંગળી પકડીને પોતાનાં બાળપણમાં, વતનમાં કે જૂની યાદોમાં ગામડે પહોંચી જાય તો નવાઈ નહીં!
અહીં રમેશ ઠક્કર કહે છે, ગામડું એટલે ગમતું હતું, કેમકે રોજ પાણી માટલે ઝમતું હતું. આપણને પ્રશ્ન થાય કે માટલું ઝમે એમાં ગામડું ઓછું ગમવા માંડે? કોઈ વસ્તુ ગમાડવા માટે આ વળી કેવું કારણ? પણ થોડુંક ખોતરશો તો એ જ પંક્તિમાંથી બીજું ઘણું મળી આવશે. માત્ર માટલું જમવાની જ વાત અહીં નથી, તેની સાથે કવિના ચિત્તમાં બીજું ઘણું ઝમી રહ્યું છે. આજે ઘેરઘેર ફ્રીજની બોલબાલા છે, ત્યારે માટલા-સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. માટલાની જગ્યા બાટલાએ લીધી છે. પણ માટીથી એ ભીનપની સોડમ જેણે અનુભવી છે તે ચિત્તમાંથી ઓછી જાય? હવેનાં બાળકો મોટાં થશે ત્યારે શક્ય છે માટલાના નહીં બાટલાનાં સ્મરણો વાગળશે. જે અનુભવ્યું હોય તે ઊતરે. રમેશ ઠક્કર અસ્સલ તળના ગામના અનુભવો આલેખે છે. કેમકે આજે શ્હેરથી લોકો સનરાઈઝ કે સનસેટ જોવા માટે હજારોનો ધૂમાડો કરીને કોઈ ખાસ સ્થળે જાય છે, જ્યારે કવિની આંખે રોજ આખું આભ સીમમાં નમતું દીઠું હતું. શ્હેરી માણસ ઢળતા સૂરજને જોઈને વાવ કહીને રાજી થાય છે, ગામડાના હૈયામાં તો પહેલેથી આવાં મોહક દૃશ્યોની વાવ ગળાયેલી હોય છે.
કવિએ પેન-પાટીમાં ગમતું નામ ઘૂંટ્યું છે, વળી અત્યારે ભલે એ મોટાં આલીશાન મકાનમાં રહેવા ગયાં, પણ હજી મનમાં તો પેલા ગામના નાનકડા ખોરડાની જ ભવ્યતા વસે છે. આજે બેઠાડું જીવનથી ખોરાક ઓછો થઈ ગયો છે, સહેજ ખાય તોય અપચો થઈ જાય છે, એ સમયે ગ્રામ્યજીવનમાં ઘણો પરિશ્રમ કરતા અને ગમે તેટલું ખાતા તોય આવી ફરિયાદ નહોતી રહેતી. અહીં પચવાની વાત માત્ર ભોજન સુધી સીમિત નથી એ પણ જીણવટથી જોવા જેવું છે. વળી આટઆટલું ખેતરમાં ને ઘરે કામ કર્યા પછી પણ સાંજે બધા સાથે બેસીને ગપાટાં મારવાનો સમય બચતો હતો. હવે સાવ નવરા હોઈએ તોય એમ લાગે કે સમય નથી. વ્યસ્તતા આપણા મગજમાં ઘર કરી ગઈ છે. હવે શ્હેરમાં ગામની એ સલુણી સાંજને શોધે છે. ગણાવા જઈએ તો આવાં કેટકેટલાં સ્મરણોની થોકડીઓ મગજની તિજોરીમાંથી નીકળે. જોકે અહીં ગામડું સારું અને શહેર નઠારું એવું કહેવાનો કવિનો જરા પણ આશય નથી. બંને પોતાની રીતે યોગ્ય છે. પણ અગત્યનું છે, તમે જ્યાં બાળપણ વિતાવ્યું તે તમારા હાડ સાથે, ચિત્ત સાથે અભિન્ન રીતે જોડાયેલું છે.
આજે ગામડાં પણ શહેર જેવાં થતાં જાય છે. કવિઓ કવિતામાં ગામડાની ભવ્યતા, પ્રકૃતિની છાંય, મનોહર સાંજ જે-જે કલ્પનાઓ કરતા હતા તે ભાગ્યે જ ક્યાંક બચ્યું છે. હવે હર્ષવી પટેલના આ બે શેર જેવું થઈ ગયું છે.
લોગ આઉટઃ
છાંયડા વાઢ્યા અને ડામર બધે પથરાય છે,
ગામ મારું એ સમૃદ્ધ થતું જાય છે.
હું ઘણા વખતે નિરાંતે આજ ફરવા નીકળી,
ને ખબર થઈ કે સીમાડા પ્લોટ થઈ વેચાય છે.
હર્ષવી પટેલ
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી, અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો