પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું

પાંદડીના ઘર મહીં જીવી રહ્યો છું,
પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું.

એક ગણિતના દાખલાની જેમ રોજે,
થોડું થોડું હું મને શીખી રહ્યો છું.

દૃષ્ટિ પણ હું; પાંપણોનો ભેજ પણ હું,
હું જ તારી આંખની કીકી રહ્યો છું.

વીખરાયેલા જીવનના ગંજીફાને,
શું કહું કે કઈ રીતે ચીપી રહ્યો છું?

કંઈ નવો આકાર મેળવવા સતત હું,
મારું લોખંડીપણું ટીપી રહ્યો છું.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ક્યાં સુધી કરગરે; દવા પીધી, બે જણે આખરે દવા પીધી.




લોગઇનઃ

ક્યાં સુધી કરગરે; દવા પીધી,
બે જણે આખરે દવા પીધી.

ના ખૂણેખાંચરે ગયાં બન્ને,
જઈ ખુલા ખેતરે દવા પીધી.

ભીંત ભાંગી પડી છે ઢગલો થઈ,
છત અને ઉંબરે દવા પીધી.

દ્વાર ભીડીને ગામ બેઠું'તું,
એટલે પાદરે દવા પીધી.

પાંખ ગીરવે પડી'તી પક્ષીની
શું કરે? પિંજરે દવા પીધી.

જાવ... વિદ્યાના ધામ બંધાવો,
આંધળા અક્ષરે દવા પીધી.

સાક્ષરો પેનથી રડી લેશે,
હાય...રે, હાય...રે દવા પીધી!

- પારુલ ખખ્ખર

આ કવિતા વાંચીને તમારા મનમાં તાજેતરમાં મધ્યપ્રદેશમાં બનેલી હીચકારી ઘટના ચોક્કસ આવી જશે. કેમકે આ કવિતા પણ એ જ ઘટના સંદર્ભે લખાયેલી છે. આ સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ અને વીડિયો જોયા પછી કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખ ભીની ન થાય તો જ નવાઈ.

દલિત દંપતીએ વાવણી માટે જમીન ભાડે રાખી હતી. તેની પર મોલ ઊભો હતો. આ ઊભા પાક પર સ્થાનિક તંત્ર બુલડોઝર ફેરવવા આવી પહોચ્યું. કેમ કે આ જમીન પર એક કૉલેજ કોલેજ બનવા જઈ રહી છે. કોન્ટ્રાક્ટ એજન્સીએ તંત્રને જમીન ખાલી કરાવી આપવા કહ્યું. બાપડા ગરીબ પતિપત્નીએ પોલીસને હાથ જોડીને વિનંતી કરી કે પાક ઉભો છે ત્યાં સુધીનો સમય આપો. મોલ લેવાઈ જાય પછી તમે જમીન લઈ લેજો. છોકરાંઓ નાના છે અને માથે રૂ. ત્રણ લાખનું દેવું છે. પાક નહીં થાય તો કદી દેવામાંથી બહાર નહીં આવી શકાય, પણ જાડી ચામડી પર આવી સંવેદનાની અસર કંઈ થાય? તેમણે તો રીતસર જોહુકમી વાપરી. ખેતર ખાલી કરાવવા પતિ-પત્નીને ઢોર માર માર્યો. ન સંભળાયો બાળકોનો કલ્પાંત કે તેમની ગરીબાઈની મરણચીસ. બિલ્ડરોના તરફદાર સરકારે તે માન્યું નહીં. ઉલટાનું તેના ભાઈ, પત્ની અને અન્ય પરિવારજનોને માર માર્યા. આખરે આ અન્યાયથી કંટાળી દંપતીએ દવા પી લીધી. આ ઘટનાને કવયિત્રી પારૂલ ખખ્ખરે ગઝલમાં ઉતારી.

તંત્ર સામે ક્યાં સુધી કરગર્યા કરે? કોઈ સાંભળનાર તો છે નહીં. પોલીસનું કામ તો પ્રજાના રક્ષણનું છે, રક્ષક જ ભક્ષક બને ત્યારે સામાન્ય લોકોનું શું? સરકાર માઈબાપ કહેવાય. એ આવું કરે તો આવા ગરીબડાં લોકોનું શું? રોજનું કમાઈ રોજ ખાનારા આવા લોકો ક્યાં ક્યાં કેટલે કેટલે પીલાતા હશે, પીંખાતા હશે એનો તો હિસાબ જ ક્યાં છે આપણી પાસે? આ એક ઘટના સામે આવી, આવી સેંકડો ઘટનાઓ સામે આવ્યા વિના અંધારિયા ખૂણામાં બન્યા કરતી હશે. અનેકો ગરીબો આવાં રાક્ષસી અન્યાય તળે કચરાતાં હશે. તેમનો અવાજ સાંભળનાર કોઈ નથી. બધાએ પોતાના દરવાજા વાસી દીધા છે. પાંખો ગિરવે મુકાઈ હોય એવાં પંખીએ વળી ઉડવાનું શું? એના નસીબમાં તો પીંજરાં જ લખાયેલાં હોય છે. પીંજરા લખનાર તે વળી કોણ? સમાજ જ ને! પાયામાં આવો કરપીણ અન્યાય દાટીને એ જગાએ હવે વિદ્યાપ્તાપ્તિ અર્થે કૉલેજ બનશે. જેના પાયામાં જીવલેણ અન્યાય પડ્યો હોય, કોઈ નિર્દોષની આંતરડી કકડી હોય ત્યાં કૉલેજ તો શું મંદિર પણ ન બનાવવું જોઈએ. આ ગરીબ દંપતીએ ખેતરમાં ભાવિના સપનાં વાવ્યાં હતાં, આ સપનાં જ એમને દેવામાંથી ઉગાવાના હતાં. પણ તેમનું સપનું હણાઈ ગયું. પાશે કહ્યું છે તેમ, સબસે ખતરનાક હોતા હૈ હમારે સપનોં કા મર જાના. સપનું મર્યા પછી જીવીને શું કરવાનું? દંપતીએ દવા પી લીધી.

આવાં અન્યાય સાંભળીને કોઈ પણ માણસનું હૈયું કકડી ઊઠે. આવા સમયે કવિની કલમ કલ્પાંત ન કરે તો જ નવાઈ. આ આ કલ્પાંત એકાદ સત્તાધીશને કાને પણ અથડાય તો એ સાર્થક. એક કવિતા લાખો લોકોમાં સંવેદના જગાડી શકે છે. પણ દુર્ભાગ્ય એ કે એ લાખો લોકોમાંથી એક પણ નેતા કે ઉચ્ચ સત્તાધીશ નથી હોતો. તેમના થકી કરાયેલી વાહ માત્ર જે તે સભા પૂરતી રહી જાય છે. ન જાણે ખુરશીમાં બેઠા પછી કોઈ પણ માણસની સંવેદના મરી જતી હશે કે શું?

કોઈ પણ અન્યાય હોય તેમાં છેવટે તો ગરીબોને જ ભોગવવાનું થાય છે. આજે પણ કરસનદાસ માણેકની આ કવિતા કેટલી જીવંત લાગે છે!

લોગઆઉટ

મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે!

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!

કામધેનુને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!

છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!

- કરસનદાસ માણેક

ગુજરાત સમાચારમાં દર રવિવારે, રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ...


પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં

પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં,
અંધાર ફિટ કરે છે કોઈ સુથાર ઘરમાં.

છે ક્યાં નવાં નવાં આ ખાલીપણાનાં ટોળા?
કાયમ ભરાય મારે આખી બજાર ઘરમાં.

સહેજે ઇજા વિના પણ લોહીલુહાણ થાવું,
એવું ય કંઈક લાગે છે ધારદાર ઘરમાં.

જડબેસલાક વાસ્યાં મનનાં બધાંય દ્વારો,
જોઉં છું હુંય કેવો વિચાર આવે ઘરમાં?

તારાં સ્મરણને નામે મારા તમામ શ્વાસો,
આથી વિશેષ કેવો કરીએ કરાર ઘરમાં?

સામે કશુંક વળતર મળવું તો જોઈએને?
દઉં ક્યાં સુધી હું મારાં આંસુ ઉધાર ઘરમાં?

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

છું ઉપરથી સાવ સીમિત, અફાટ અંદર

છું ઉપરથી સાવ સીમિત ને અફાટ અંદર
રહું છું હું તારા વિચારોના કબાટ અંદર.

મેં ઉઘાડી સ્હેજ બારી જ્યાં વીતેલ પળની,
સેંકડો સ્મરણો પ્રવેશ્યાં સડસડાટ અંદર.

થાય ક્યાંથી મ્હેલની રોનક જરાય ઓછી?
કંઈ સદીઓથી જુએ છે કોઈ વાટ અંદર.

જાતમાંથી બહાર નીકળવા કરું છું કોશિશ,
ક્યારનો લાગી રહ્યો છે બહુ બફાટ અંદર.

ના નથી ભૂંસાતું, ભુલાતું નથી, કરું શું?
નામ ગોખાયું છે એનું કડકડાટ અંદર.

આમ તો સૌ માણસો જેવો જ છું હું માણસ,
બહારથી બિલકુલ ખરબચડો, સપાટ અંદર.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળો


જીવ્યા

સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા સ્હેજ અમે વાદળમાં જીવ્યા;
આ બંનેમાં ફાવ્યું નહિ તો છેવટ જઈ ઝાકળમાં જીવ્યા.

પ્હાડ, ખીણ, પથ્થરમાં જીવ્યા, એમ અમે ઈશ્વરમાં જીવ્યા,
વળાંક લઈને વહી રહેલા ઝરણાની ખળખળમાં જીવ્યા.

ક્ષણેક્ષણે અટકળમાં જીવ્યા, આ તે કેવા છળમાં જીવ્યા?
અમે અમારું સઘળું લઈને માત્ર તમારી પળમાં જીવ્યા.

પંખી-ટહુકા, ઝાડ-ડાળ ને મૂળ-બૂળ ને તળમાં જીવ્યા,
ઊગું ઊગું માટીમાં કરતી નાનકડી કૂંપળમાં જીવ્યા.

કોઈ અચાનક આવી મારા શ્વાસોમાં ઢોળી દે શાહી,
યુગોયુગોથી એ જ ધારા અમે એક કાગળમાં જીવ્યા.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


સ્મરણમાં કોઈની ભીનાશ...

સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ,
પછી એ સ્હેજ જો આગળ વધી તો આગ સુધી ગઈ.

અચાનક જો મળ્યો વર્ષો પુરાણો મિત્ર રસ્તામાં,
તો, વાતો છેક બચપણમાં ભણેલા પાઠ સુધી ગઈ.

ફળિયે ડાળ મહોરીને જરા નેવે અડી ગઈ તો,
તરત ઘરમાંથી દોડીને કુહાડી ઝાડ સુધી ગઈ.

પહેલાં માણસો સૌ નીચું જોઈ ચાલતા’તા અહીં,
પછી જો પંખી ઊડતા જોયું, નજરો આભ સુધી ગઈ.

હૃદયનું બીજું પૂછો નામ તો બસસ્ટેન્ડ છે મિત્રો,
તપાસો બસ કઈ, ક્યારે ને કોના ગામ સુધી ગઈ?

~ અનિલ ચાવડા

આ ગઝલનું પઠણ પણ સાંભળોઃ


દ્વાર પર સાંકળ લગાવી દઉં...

દ્વાર પર સાંકળ લાગવી દઉં, નયનમાં જળ લગાવી દઉં;
આવ આ તારા સમય પર બે’ક મારી પળ લગાવી દઉં.

કેમ ગુમસૂમ થઈ ગયો? કંઈ બોલ; ને આ ઘાવ શાના છે?
શું થયું, તડકો તને વાગ્યો? જરા ઝાકળ લગાવી દઉં?

જેમ તું કહે એમ થાશે, સૌપ્રથમ અધિકાર તારો; બસ?
બોલ અંધારું લગાવું કે પછી ઝળહળ લગાવી દઉં?

સાવ કોરોકટ ભલે હો, સાવ સૂકોભઠ્ઠ ભલે હો, પણ;
આવ, ચાલ્યો આવ, તારામાં નદી ખળખળ લગાવી દઉં.

શબ્દ સઘળા ગણગણી ઊઠે તને, તું રણઝણી ઊઠે;
કંઈક તારા ફેફસાંમાં એટલું ચંચળ લગાવી દઉં.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


હું મને તારી પ્રતીક્ષામાં જ વીતાવી દઈશ

છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.

સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.

જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ?

તું પવન છે તો અમારે શું? અમે તો આ ઊભા;
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.

તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


થોડા લોકો મને નમે છે...

થોડા લોકો મને નમે છે, થોડાઓને હું ય નમું છું;
નહિ નમતાને અણગતો છું, નમું એમને ખૂબ ગમું છું.

હું જ બારણે દઉં ટકોરા, હું જ બારણાં ખોલું ઘરનાં,
વરસોથી હું એક જ ધારો ‘કોઈ આવ્યા’ની રમત રમું છું.

મને ઉલેચી સમુદ્ર માફક કરી જ નાખો મારું મંથન,
દરિયા માફક ઉછળું છું, દરિયા માફક હું ય શમું છું.

‘શું કામ કરો છો?’ પૂછ્યું ત્યારે તરત પાંપણે વિગત લખાવી,
‘તૂટી ગયેલાં સપનાંઓના કાટમાળનો ભાર ખમું છું.’

આંસુ, ઝાકળ, વરાળ કે વરસાદ બધામાં કરું પ્રવાસો,
પાણી છું હું બધી જગાએ લઈને નોખાં નામ ભમું છું.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠણ પણ સાંભળોઃ


ચમચીમાં દરિયો

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે?

નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.

કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.

સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.

કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

– અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ